ગાંજાનું સેવન કરતો, જાતે જ કપડાં ઉતાર્યા હતા, રાજકુમાર જાટના મોત મામલે હાઈકોર્ટમાં પોલીસનો રિપોર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajkumar Jat Case: ગોંડલના રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન પોલીસે રજૂ કરેલા તપાસ અહેવાલથી કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ અકસ્માત પહેલાંના CCTV ફૂટેજમાં રાજકુમાર રસ્તા પર જાતે જ કપડાં ઉતારતો જોવા મળે છે. ફોરેન્સિક તપાસમાં CCTV ફૂટેજ સાથે કોઈ ચેડાં થયા ન હોવાનું પણ સામે આવ્યું હોવાનું સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું.
નશાની આદત હતી અને તે ગાંજાનું સેવન કરતો હતો: પોલીસ
પોલીસના અહેવાલ પ્રમાણે રાજકુમારને નશાની આદત હતી અને તે ગાંજાનું સેવન કરતો હોવાના વીડિયો પણ તપાસ દરમિયાન મળ્યા છે. અકસ્માત પહેલાં તે ગાંજો મેળવવા માટે ઘરેથી નીકળ્યો હોવાની પોલીસની રજૂઆત છે. તે એક આશ્રમમાં ગયો હતો અને ત્યાં ગાંજાની માગણી કરી હોવાનું પણ કોર્ટ સમક્ષ જણાવાયું હતું. જોકે, તેણે તે સમયે ગાંજો લીધો હતો કે નહીં તે અંગે સ્પષ્ટ પુરાવો નથી.
માનસિક રીતે અસ્વસ્થ હોઈ શકે
રાજકુમારના વર્તન અંગે વીડિયો એક મનોચિકિત્સકને પણ બતાવવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ નિષ્ણાતે તેના વર્તન અને ચાલવાની રીતને સામાન્ય ન ગણાવી હતી તથા તે નશાની અસર હેઠળ અથવા માનસિક રીતે અસ્વસ્થ હોઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. તપાસમાં રાજકુમારે આશરે 11 કલાક 39 મિનિટના સમયગાળામાં લગભગ 51 કિલોમીટરનું અંતર કાપ્યું હોવાનો પણ ઉલ્લેખ થયો છે. આ દરમિયાન એકત્ર કરાયેલા અનેક CCTV ફૂટેજમાં તે એકલો ચાલતો દેખાય છે.
51 કિલોમીટર ચાલવાનું તર્ક શું?
પોલીસે એ પણ ટાંક્યું હતું કે નિષ્ણાતો કહે છે કે, સ્વસ્થ વ્યક્તિ 4 કિમી પ્રતિકલાકની ઝડપે ચાલી શકે છે. 51 કિલોમીટર ચાલવામાં રાજકુમાર જાટે કુલ 11 કલાક અને 39 મિનિટ જેટલો સમય તેને લીધો હતો. 51 કિમી ચાલી શકાય તેવું તારણ પણ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. પોલીસે 21 CCTV ફૂટેજ કબજે કર્યા છે જેમાં તે એકલો ચાલતો દેખાય છે.
નગ્ન અવસ્થામાં કેમ ફરતો તેની તપાસ કરવા હાઈકોર્ટે આદેશ આપ્યો હતો
પોલીસે કોર્ટને વધુમાં જણાવ્યું હતું કે અકસ્માત પહેલાં રાજકુમાર હાઈવે પર રોડની વચ્ચે ચાલતો જોવા મળ્યો હતો. અગાઉ હાઈકોર્ટે પણ અકસ્માત પહેલાં તે નગ્ન અવસ્થામાં કેમ ફરતો હતો તેની તપાસ કરવા પોલીસને નિર્દેશ આપ્યો હતો.
રાજકુમારના કપડાં હજુ સુધી મળ્યા નથી: અરજદાર પક્ષ
બીજી તરફ અરજદાર પક્ષે પોલીસના અહેવાલ સામે કેટલાક સવાલો ઉઠાવ્યા હતા. રાજકુમારના કપડાં હજુ સુધી મળ્યા નથી તેમજ કોઈ વ્યક્તિ તેને વાહનમાં બેસાડીને લઈ ગઈ હતી કે કેમ તેની પણ તપાસ થવી જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી હતી. હવે આ કેસમાં વધુ સુનાવણી 24 સપ્ટેમ્બરે હાથ ધરાશે.
શું હતી ઘટના?
ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ કર્યા હતા કે, 'ગત બીજી માર્ચે હું અને મારો પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલતા-બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે અટકાવીને ગણેશ જાડેજા તથા 7-10 માણસોએ માર માર્યો હતો. બાદમાં અમે બંને ઘરે જતા રહ્યા હતા. જોકે, બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાઈ હતી. ત્યારબાદ રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરુ કરી હતી.'
આ દરમિયાન પોલીસને 3 માર્ચ, 2025ના દિવસે મધ્યરાત્રિએ 3 વાગ્યે કૂવાડવા નજીક વાહન અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના લાપત્તા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દિશામાં તપાસ શરુ કરી હતી. જે પછી મૃત્યુ પામનાર યુવક રાજકુમાર હોવાનો સામે આવતા કેસમાં નવો વળાંક આવ્યો હતો.




