Rajkot

વ્યાજે રકમ આપી જમીન પોતાના નામે કરાવી એક કરોડ પડાવ્યા

By GS Team
23 Sep 20263 mins read
TukuTouch Logo
રાજકોટના પડધરીમાં સરપદળ ગામના પ્રજ્ઞોશ ઝાલાવડીયાને જમીનના દસ્તાવેજ કરાવી રૂ. 1.07 કરોડ પડાવાયાની ફરિયાદ પડધરી પોલીસમાં નોંધાઈ છે. પોલીસે રાજકોટના અલ્પેશ દોંગા, અક્ષિત અકબરી, ચંદુભાઈ વીરડીયા, પિયુષ વીરડીયા અને હિરેન લુણાગરીયા સામે ગુનો નોંધી અલ્પેશની ધરપકડ કરી છે. આરોપીઓએ સાટાખતના બદલે વેચાણ દસ્તાવેજ કરાવી પૈસા પડાવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

વ્યાજે રકમ આપી જમીન પોતાના નામે કરાવી એક કરોડ પડાવ્યા

રાજકોટ: પડધરીના સરપદળ ગામે રહેતા પ્રજ્ઞોશ ઝાલાવડીયા (ઉ.વ.૨૫)ને વ્યાજે રકમ આપ્યા બાદ જમીનના દસ્તાવેજ કરાવી લઇ તે જમીન પરત આપવા માટે રૂા.૧.૦૭ કરોડ જેવી માતબર રકમ પડાવાયાની પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસે મની લેન્ડ સહિતની કલમો હેઠળ રાજકોટ રહેતા અલ્પેશ ગોપાલભાઇ દોંગા, અક્ષિત અકબરી, ચંદુભાઇ છગનભાઇ વીરડીયા તેના પુત્ર પિયુષ અને સરપદળના હિરેન રતીભાઇ લુણાગરીયા સામે ગુનો નોંધી અલ્પેશની ધરપકડ કરી બાકીના આરોપીઓની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.
જમીનના સાટાખતના બદલે વેચાણ દસ્તાવેજ કરાવી લઇ પૈસા પડાવ્યા હતા, રાજકોટના આરોપીની ધરપકડ
ફરિયાદમાં પ્રજ્ઞોશે જણાવ્યું છે કે, હાલમાં ગામમાં ચા, પાન, કરીયાણાની દુકાન ચલાવે છે. ૨૦૨૨માં રાજકોટમાં ગેરેજ કરતા ૪૧ લાખની નુક્શાની ગઇ હતી. પિતાનું મકાન વેંચી, દાગીના ગીરવે મુકી નુક્શાનીની ભરપાઇ કરી હતી. હજુ રૂા.૬ લાખ ભરવાના હોવાથી ગામના હિરેન મારફત નાનામવા રોડ પર પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ નામની ઓફિસ ધરાવતા અલ્પેશ અને અક્ષિતનો સંપર્ક કર્યો હતો.
આ બંને જમીન ઉપર લોન આપવાનું કામ કરતા હતા. વાતચીત થયા બાદ જમીન જોવી પડશે તેમ કહ્યું હતું. જમીન જોઇ જમીનનો સાટાખત પોતાના રોકાણકાર ચંદુ વીરડીયાના નામે કરી આપવાનું કહ્યું હતું. ૨૦૨૨ની સાલમાં પડધરીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં જમીનનો સાટાખત કરાવવાના નામે લઇ ગયા હતા. જે થઇ ગયા બાદ રૂા.૫.૫૦ લાખ ૫ ટકા વ્યાજે આપ્યા હતા. બીજા દિવસે વ્યાજના રૂા.૫૦ હજાર લઇ લીધા હતા.
એકાદ માસ પછી સબ રજીસ્ટ્રાર કચેરીમાંથી નોટિસ આવતા આરોપીઓએ સાટાખત નહીં પરંતુ જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી લીધાની માહિતી મળી હતી. આ બાબતે અલ્પેશનો સંપર્ક કરતા પોતાનો વિશ્વાસ રાખવાનું કહ્યું હતું. ૨૦૨૩માં અલ્પેશને મળી મુદ્દલ અને વ્યાજની તમામ રકમ ચુકવી દીધી હતી. આમ છતાં અલ્પેશે જમીનનો દસ્તાવેજ રદ્દ કરવા બાબતે ખોટા બહાના બતાવવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં વ્યાજના હજું રૂપિયા આપવા પડશે તેમ કહીં પઠાણી ઉઘરાણી પણ શરૂ કરી હતી.
એક દિવસ પિયુષ વીરડીયાએ કોલ કરી અલ્પેશે તેની જમીનના દસ્તાવેજના આધારે પોતાની પાસેથી રૂા.૮૦ લાખ લીધાનું કહીં તે રકમ ભરી દસ્તાવેજ લઇ જવાનું કહ્યું હતું. આ બાબતે અલ્પેશને વાત કરતા ઉશ્કેરાઇ જઇ જમીન જોઇતી હોય તો પૈસા આપવા જ પડશે, નહીં તો તને અને તારા બાપને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
પરિણામે ડરી જતાં તેના મોટાભાઇ નવનીતની પાંચ વીઘા જમીન રૂા.૧.૨૮ કરોડમાં વેંચી તેમાંથી રૂા.૪૦ લાખ અલ્પેશને આપી દીધા હતા. જોકે આ રકમ અલ્પેશે પિયુષને ચુકવી ન હતી. જેને કારણે થોડા દિવસો બાદ ફરીથી તેની પાસે રૂા.૮૦ લાખની માગણી કરી અન્યથા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદની ધમકી આપી હતી.
ફરીથી અલ્પેશનો સંપર્ક કરતા હવે ઓફિસે આવતા નહીં નહીતર પગ ભાંગી નાખીશ તેવી ધમકી આપી હતી. આ રીતે તેની પાસેથી પોતાની જ જમીન પરત આપવા માટે આરોપીઓએ રૂા.૧.૦૭ કરોડ પડાવી લેતા આખરે ફરિયાદ નોંધાવી હતી.