Rajkot

માત્ર 17 ટકા વરસાદ પડતાં સૌરાષ્ટ્રના ખેડૂતોની આંખોમાં આંસુ, બિયારણ-ખાતરનો ખર્ચ માથે પડશે

By GS Team
26 Aug 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ વરસ્યા બાદ અચાનક વિરામ લેતાં ખેડૂતો ચિંતિત છે. દ્વારકા, જામનગર, પોરબંદર, અને કચ્છમાં માત્ર 17% વરસાદ નોંધાયો છે, જ્યાં 60 દિવસથી વરસાદ નથી. ખેડૂતોએ મોંઘા બિયારણો અને ખાતરો પાછળ ખર્ચ કર્યા બાદ મગફળી, કપાસ સહિતનો પાક મુરઝાઈ રહ્યો છે. ખેડૂતો સિંચાઈનું પાણી આપવા અને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માત્ર 17 ટકા વરસાદ પડતાં સૌરાષ્ટ્રના ખેડૂતોની આંખોમાં આંસુ, બિયારણ-ખાતરનો ખર્ચ માથે પડશે

Gujarat Monsoon Crisis: ગુજરાતભરમાં ચોમાસાની સીઝનમાં શરૂઆતમાં સારો વરસાદ આવવાની આશા સાથે ખેડૂતોએ ભારે જોખમ ઉઠાવીને પોતાના ખેતરોમાં વાવણી કરી હતી. મોંઘા ભાવના બિયારણો, ખાતરો અને મજૂરી પાછળ ખર્ચ કરીને ખેડૂતોએ હોંશે-હોંશે સીઝનનું ચોમાસું વાવેતર શરૂ કર્યું હતું પરંતુ, વરસાદે અચાનક જ વિરામ લેતાં હવે ખેડૂતોના જીવ અધ્ધર થઇ ગયા છે. જળના અભાવે ચિંતા એવી છે કે, જો વરસાદ નહિ આવે તો, મગફળી સહિતનો પાક મુરઝાઇ જશે. એટલું જ નહી, ખેત ઉત્પાદન ખર્ચ માથે પડે તેમ છે.

આ વખતે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો છે. જ્યારે નવસારી, સુરત, ભરૂચ, ડાંગમાં તો ભારે વરસાદ નોંધાયો હતો. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લાંબા સમયથી વરસાદ ન પડવાને કારણે ખેડૂતોને હવે એ ચિંતા સતાવી રહી છે.

દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છની સ્થિતિ ચિંતાજનક : 17 ટકા જ વરસાદ

ગુજરાતમાં દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છની સ્થિતિ ચિંતાજનક છે કારણકે, આ જિલ્લાઓમાં વરસાદની ઘટ વર્તાઇ રહી છે. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે, 2020-21માં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં દુષ્કાળની વ્યાખ્યા નક્કી કરાઇ છે કે, ચાર અઠવાડિયા સુધી વરસાદ ન આવે તો, તે વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો. આ ચારેય જિલ્લામાં 60 દિવસથી વરસાદ જ વરસ્યો નથી. આ જોતાં સરકારે આ જિલ્લામાં દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જોઇએ કારણકે, આ વિસ્તારોમાં માત્ર 17 ટકા સુધી જ વરસાદ વરસ્યો છે. મોટાભાગનો પાક સૂકાઇ રહ્યો છે. ઠેર ઠેર ખેડૂતો સિંચાઇનું પાણી આપવા પણ માંગ કરી રહ્યાં છે.

કચ્છમાં પણ સિંચાઇની પૂરતી વ્યવસ્થા નથી

આ તરફ, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ચોમાસું નબળું રહ્યું હોય તેવું જણાય છે. હવામાન વિભાગના મતે, ચાર ચાર સિસ્ટમ સક્રિય હોવા છતાંય ગુજરાતમાં ભારે વરસાદના એંધાણ નથી. ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છના પ્રદેશ તેમજ સ્થાનિક સ્તરે સિંચાઈના પાણીની પૂરતી વ્યવસ્થા ન હોવાને લીધે ખેતરોમાં લહેરાતો ઊભો પાક હવે પાણી વિના મુરઝાવા લાગ્યો છે. સમયસર વરસાદ ન મળવાના કારણે ધરતીપુત્રોને રોવાનો વારો આવ્યો છે.

વરસાદ ખેંચાતા ક્યા ક્યા પાકને નુકસાન થઇ શકે છે

ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે જેના પગલે મગફળી, કપાસ, તલ, અડદ સહિત તૈલીબિયાં અને કઠોળને નુકસાન થાય તેવી સ્થિતિ છે.

ખેડૂતોએ ખેતરોમાં ટ્રેક્ટર ફેરવી ભેંસો છૂટી મૂકી

ખેડૂતો માટે વરસાદી પાણી હવે મૃગજળ સાબિત થઈ રહ્યું છે. ખેડૂતોની આંખો હવે આકાશ તરફ જ મંડાયેલી રહી છે કે, ક્યારે વરસાદ વરસે. રાજકોટ સહિત દ્વારકા, પોરબંદર, કચ્છ જિલ્લામાં તો મગફળીનો પાક નિષ્ફળ ગયો છે પરિણામે ખેડૂતો પાસે હવે કોઈ વિકલ્પ રહ્યો નથી. ખેડૂતો પોતાના ખેતરમાં ટ્રેક્ટર ફેરવી રહ્યા છે. ઘણાં ખેડૂતોએ તો ખેતરોમાં ભેંસો છૂટી મૂકી દીધી છે જેથી ખેતરોમાં પાકનો સફાયો થઇ જાય.