ગુજરાતમાં એક રાતમાં પારો 4થી 7 સે. ગગડતા અચાનક તીવ્ર ઠંડીનો અનુભવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Weather : કાશ્મીર-હિમાચલમાં બરફવર્ષાથી સર્જાયેલા ઠંડાગાર પવનોને વાવાઝોડા- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સંયોગથી વેગ મળતા ગુજરાતમાં પૂર્વોત્તર-પૂર્વ દિશાના બર્ફીલા પવનો ફૂંકાતા તાપમાનમાં રાતોરાત 4થી 7 સે.નો ઘટાડો થયો હતો અને લોકોને મોસમ વિભાગની આગાહી વગરની અણધારી મોસમની પ્રથમ કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો.
સવારના તાપમાનમાં એક રાતમાં જ અમરેલીમાં 7, ગાંધીનગરમાં 5, રાજકોટ, સુરત, કેશોદમાં 4થી 5 સે. તથા અન્ય સ્થળોએ પણ સરેરાશ 2થી 3 સે.નો ઘટાડો નોંધાતા લોકોએ શિયાળો-2026ની પ્રથમ ઠંડી અનુભવી હતી. જો કે આ ઠંડી લાંબો સમય ટકશે નહી તેવી આગાહી છે.
આજે ન્યુનત્તમ તાપમાન ગગડીને સૌથી નીચુ અમરેલીમાં 11.4, નલિયા 11.8, ગાંધીનગર અને કંડલા એરપોર્ટ પર 12 સે. નોંધાયું છે. જ્યારે વડોદરા, રાજકોટમાં 13 સે., કેશોદ, મહુવા, પોરબંદરમાં 14 સે. સાથે સમગ્ર રાજ્યમાં એકમાત્ર ઓખાને બાદ કરતા સર્વત્ર પારો 20 સે.ની નીચે ઉતર્યો હતો. દ્વારકામાં પણ પ્રથમવાર 20 સે.નીચે તાપમાન સાથે ઠંડી અનુભવાઈ હતી.
પોરબંદર,રાજકોટ,અમરેલી,કંડલામાં તાપમાન આ સમય (દેવદિવાળી-નવેમ્બર માસ)માં નોર્મલ હોય તેથી 5 સે.નીચે, ગાંધીનગરમાં 4.3 સે. નીચે અને અન્યત્ર 1થી 3 સે. સુધી નીચું રહ્યું હતું. ખાસ કરીને ગત મોડી રાત્રિથી આજે મોડી સવાર સુધી મોસમમાં પ્રથમવાર હોવાથી ઠંડીનો વિશેષ અનુભવ થતા લોકોએ ગરમ વસ્ત્રો ઉપરથી ધૂળ ખંખેરવી પડી હતી. બજારમાં લોકો સ્વેટર સહિત ગરમવસ્ત્રો સાથે બહાર નીકળતા જોવા મળ્યા હતા.
ઠંડા પીણાની બજારમાં ઠંડી અને ચા,ગરમવસ્ત્રો સહિતની બજારમાં ગરમી દેખાઈ હતી. જો કે, આવી ઠંડી લાંબો સમય ટકવાની શક્યતા નથી. મોસમ વિભાગની આગાહી મૂજબ આવતીકાલથી ચાર દિવસ દરમિયાન આજના તાપમાનમાં ૨થી ૪ સે.નો ઘટાડો થશે, અર્થાત્ કડકડતી ઠંડી ગુલાબી ઠંડીમાં ફેરવાશે.




