અમેરિકાનો નવો ટૅરિફ બોમ્બ: ભારત સહિત 7 દેશો પર 25% ટેક્સ ઝીંકવાની તૈયારી, ચીન પર 40%નો માર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Tariff On India : અમેરિકાએ ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાંથી આયાત થતા માલસામાન પર નવા ટૅરિફ લાદવાની દરખાસ્ત રજૂ કરી છે. આ નવી યોજના હેઠળ ભારતીય ઉત્પાદનો પર 25 ટકા સુધીનો ટૅરિફ લગાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. ભારત ઉપરાંત અન્ય છ દેશો પર પણ આ જ દરે ટૅરિફ લગાવવાની ભલામણ કરાઈ છે, જ્યારે ચીન માટે આ દર સૌથી વધુ એટલે કે 40 ટકા સુધી રાખવાનો પ્રસ્તાવ છે.
7 દેશો પર 25 ટકા ટૅરિફનો પ્રસ્તાવ
રોયટર્સના અહેવાલ મુજબ, યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) દ્વારા તૈયાર કરાયેલા નવા પ્લાનમાં કુલ સાત દેશો પર 25 ટકા સુધીનો ટૅરિફ લાદવાની દરખાસ્ત છે. આ યાદીમાં ભારતની સાથે કંબોડિયા, ઈન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા, મલેશિયા, તાઇવાન અને થાઇલૅન્ડનો સમાવેશ થાય છે.
અન્ય દેશો માટે નિર્ધારિત કરાયેલા ટૅરિફ દરો
યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવે અન્ય મુખ્ય દેશો અને સંગઠનો માટે અલગ-અલગ દરો પ્રસ્તાવિત કર્યા છે, જેમાં બાંગ્લાદેશ, યુરોપિયન યુનિયન (EU), જાપાન, સ્વિટ્ઝર્લૅન્ડ અને સિંગાપોર પર 20 ટકા સુધી, વિયેતનામ પર 35 ટકા સુધી અને ચીન પર 40 ટકા સુધીના ટૅરિફનો સમાવેશ થાય છે. જોકે, USTR એ એવી પણ સ્પષ્ટતા કરી છે કે કંબોડિયા, ઈન્ડોનેશિયા, મલેશિયા, થાઈલૅન્ડ અને બાંગ્લાદેશ માટે ટૅરિફની મહત્તમ મર્યાદા 18 ટકા સુધી સીમિત રહેશે.
ટૅરિફ દરમાં વિશેષ છૂટછાટ અને સુનાવણીની તારીખ
આ દરખાસ્તમાં કેટલાક દેશો માટે વિશેષ જોગવાઈઓ પણ રાખવામાં આવી છે. દક્ષિણ કોરિયા, તાઈવાન, યુરોપિયન યુનિયન, જાપાન અને સ્વિટ્ઝર્લૅન્ડ માટે મોસ્ટ ફેવર્ડ નેશન (MFN) ડ્યુટી સિવાય આ દરો 15 ટકા રહેશે. બીજી તરફ, ચીન પર હાલમાં જે ડ્યુટી લાગુ છે તેના ઉપર 20 ટકાનો વધારાનો ટૅરિફ વસૂલવામાં આવશે. આ ઉપરાંત, બ્રાઝિલ માટે પ્રસ્તાવિત ટૅરિફ ફેરફારો અંગે 14 જાન્યુઆરી, 2027ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.
અમેરિકા દ્વારા ટૅરિફ લાદવા પાછળનું મુખ્ય કારણ
અહેવાલમાં જણાવ્યા અનુસાર, અમેરિકાએ પોતાના મોટા વેપારી ભાગીદારોમાં વધતી જતી વધારાની ઔદ્યોગિક ક્ષમતા પર નિયંત્રણ મૂકવા અને પોતાની વેપાર ખાધ ઘટાડવાના હેતુથી આ પગલું ભર્યું છે.
ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિ અને મહિનાઓ લાંબી તપાસ
અગાઉ ધ વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં પણ ઉલ્લેખ કરાયો હતો કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર એવા દેશો પર ટૅરિફ વધારવાની તૈયારી કરી રહ્યું છે, જેઓ સબસિડી અને અન્ય સરકારી સહાય દ્વારા પોતાના સ્થાનિક ઉદ્યોગોને ટેકો આપે છે. ઔદ્યોગિક સબસિડી પર અમેરિકાની મહિનાઓ સુધી ચાલેલી તપાસ બાદ આ જાહેરાત કરવામાં આવી છે. અમેરિકાની દલીલ છે કે સરકારી સબસિડીને કારણે વિદેશી ઉત્પાદકો સસ્તા દરે માલ બનાવીને આંતરરાષ્ટ્રીય બજારમાં મોટા પાયે ઠાલવે છે, જેનાથી અમેરિકન કંપનીઓને અન્યાય થાય છે અને વિદેશી કંપનીઓને ખોટો ફાયદો મળે છે.




