દ્વારકામાં ભવ્ય કૃષ્ણ જન્મોત્સવઃ'નંદ ઘેર આનંદ ભયો'ના ગગનભેદી નાદ ગુંજ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દ્વારકા : પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે શ્રાવણ વદ આઠમ-જનમાષ્ટમીના પાવન અવસરે ભગવાન શ્રીકૃષ્ણના ૫૨૫૩મા જન્મોત્સવની ભક્તિસભર માહોલમાં ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ હતી. વહેલી સવારે ગોમતી સ્નાન અને ઠાકોરજીના ખુલ્લા પડદે સ્નાન-અભિષેકથી શરૂ થયેલા મહોત્સવમાં મધ્યરાત્રિના ૧૨ના ટકોરે ભાવિકોના ઘોડાપૂર વચ્ચે જન્મોત્સવની મુખ્ય આરતી યોજાઈ હતી. સમગ્ર જગતમંદિર પરિસર નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કીના ગગનચુંબી જયઘોષથી ગૂંજી ઊઠયું હતું.
જન્માષ્ટમી પર્વે દ્વારકાધીશ જગતમંદિર પરિસરને કલાત્મક અને નયનરમ્ય રોશનીથી શણગારવામાં આવ્યું હતું. જન્માષ્ટમી નિમિત્તે ભગવાન દ્વારકાધીશજીએ કેસરી રંગના વિશેષ વાઘા, સોના-ચાંદીના વિવિધ આભૂષણો ઉપરાંત શ્રીમસ્તક પર કુલેર અને શીશફૂલ સહિતનો શણગાર ધારણ કરી ભાવિકોને દર્શન આપ્યા હતા. મધરાતે ૧૨ વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ દેવસ્થાન સમિતિના હોદ્દેદારો અને પૂજારી પરિવાર સહિત હજારો કૃષ્ણભક્તો ઉપસ્થિતિમાં ઉજવાયો હતો. શ્રદ્ધાળુઓએ કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહીને કાળિયા ઠાકોરના દિવ્ય દર્શન કર્યા હતા. સદીઓ પુરાણી પરંપરા અનુસાર યોજાયેલા આ મહોત્સવના ડિજિટલ માધ્યમથી પણ દેશ-વિદેશના લાખો ભાવિકોએ લાઈવ દર્શન કર્યા હતા.આઠમે યાત્રિકો માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા શહેરભરમાં નિઃશુલ્ક ચા-નાસ્તા અને ફળાહારની સુચારૂ વ્યવસ્થા ગોઠવાઈ હતી.
આજે શનિવારે શ્રાવણ વદ નોમના રોજ દ્વારકાધીશ જગતમંદિરમાં પારણા નવમી મનોરથ પરંપરાગત ભાવ અને ઉલ્લાસ સાથે ઉજવાયો હતો. ઠાકોરજીના બાળસ્વરૂપને હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ છપ્પનભોગ અન્નકૂટ મનોરથ યોજાયો હતો. બાલગોપાલના હિંડોળા દર્શન અને અન્નકૂટ ઝાંખીનો લહાવો લેવા માટે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઊમટી પડયું હતું.
પરંપરાગત રથયાત્રામાં આહીર સમાજના લોકો ભાતીગળ વસ્ત્ર પરિધાનમાં જોડાયા
દ્વારકામાં આહિર સમાજ આયોજિત કાન્હા વિચાર મંચ દ્વારા છેલ્લા નવ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચરકલા હાઇ-વે સ્થિત આહિર સમાજ ભવનથી જય મુરલીધરના નારા સાથે વાજતે-ગાજતે નીકળેલી આ રથયાત્રામાં આહિર સમાજના ભાઈ-બહેનો પરંપરાગત ભાતિગળ પરિધાનમાં જોડાયા હતા. આહિર રાસમંડળીઓના તાલબદ્ધ રાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.




