Gen Z : સોશિયલ મીડિયા અને પશ્ચિમી અસરે યુવા પેઢીની માનસિકતા દૂષિત કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ: નીટ પેપર લિક મુદ્દે રાજધાની દિલ્હીમાં જેન-ઝી ગણાતા યુવાવર્ગના આંદોલનમાં નવી સકારાત્મક ક્રાંતિ દેખાઈ તો સાથે કેટલાક લાલબત્તીરૂપ નકારાત્મક દૂષણો પણ સામે આવ્યા હતા. ભારતીય પરંપરા અને સામાજિક મૂલ્યોમાં સ્ત્રીને સંયમ અને શાલીનતાનું પ્રતીક માનવામાં આવી છે. પરંતુ, વર્તમાન ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો અતિરેક, પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ અને રીલ્સ-સિનેમાના આક્રમણથી યુવા પેઢીના વૈચારિક અને વ્યવહારિક અભિગમમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. આ બદલાતા સામાજિક પરિવેશ અને યુવા માનસિકતાનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવાના હેતુથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાાન ભવન ૧,૩૦૦ નાગરિકો પર એક વિસ્તૃત મનો-સામાજિક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં લાલબત્તીરૂપ તારણો બહાર આવ્યા છે.
૧,૩૦૦ લોકોમાં ૬૭.૮૦% ના મતે ઓટીટી-સિનેમા જવાબદાર, ૫૨.૫૦% લોકોએ માન્યું કે 'બોલ્ડ' દેખાવાની ઘેલછામાં સંસ્કારની ગરિમા ભુલાઈ
આજનો યુવા વર્ગ સામાજિક માધ્યમો અને ગ્લેમરના અતિશય પ્રભાવ હેઠળ પોતાનું આવેગ નિયંત્રણ ગુમાવી રહ્યો છે કે કેમ? જાહેરમાં આક્રોશ, વાણી-વિલાસ અને સંસ્કારી મર્યાદાઓના લોપ પાછળ કયા મનોવૈજ્ઞાાનિક પરિબળો કામ કરે છે? એવા સવાલોનો જવાબ મેળવવા માટે મનોવિજ્ઞાાનની વિદ્યાર્થિની દિવ્યા જાંબુસા અને આશકાન વીડજાનાં સર્વેમાં ૬૭.૮૦% લોકોનું દ્રઢપણે માનવું હતું કે ફિલ્મો અને વેબ સિરીઝમાં ગાળો બોલતી તથા અસંસ્કારી વર્તન કરતી મહિલાઓને આધુનિક દર્શાવવાથી યુવતીઓની માનસિકતા ખૂબ જ દૂષિત થઈ રહી છે અને તેઓ આને જ ફેશન-ટ્રેન્ડ સમજી અનુકરણ કરે છે. જ્યારે ૫૨.૫૦% લોકોએ કહ્યું કે, આધુનિકતાના નામે બોલ્ડ કે પાવરફૂલ દેખાવાની હોડમાં યુવા પેઢી ભારતીય નારીત્વની મૂળભૂત ગરિમા, શાલીનતા અને મર્યાદા ભૂલી રહી છે.
પ્રોફેસર યોગેશ જોગસણ અને ડો.ધારા દોશીએ જણાવ્યું કે, કોઈ સમાજ કે વર્ગ સામે આંગળી ચિંધવા માટે નહીં, પણ આજના ડિજિટલ યુગમાં થતા સામાજિક અને માનસિક બદલાવને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજીને યુવા પેઢીને યોગ્ય માર્ગદર્શન અને સકારાત્મક દિશા પૂરું પાડવા આ સર્વે કરવામાં આવ્યો છે. નવતર સર્વેમાં ૪૫.૮૦% વ્યક્તિઓએ સોશિયલ મીડિયા પર વાયરલ વિડિયો કે રીલ્સમાં દેખાતી અભદ્ર ભાષા અને તોડફોડને સામાજિક અરાજકતા અને નૈતિક અધઃપતનની કેટેગરીમાં મૂકી છે. ૨૯.૮૦% લોકોએ આને નારી સશક્તિકરણનો ખોટો માર્ગ ગણાવ્યો છે. વળી, ૪૩.૮૦% લોકોએ સીતા, સાવિત્રી કે અનસૂયા જેવા ભારતીય આદર્શો ભુલાતા યુવા ધનમાં વૈચારિક પતન થયું હોવાનું કહ્યું તો ૩૪.૭૦% લોકોનાં મતે આ જૂના આદર્શો આજના યુગમાં વ્યવહારુ લાગતા નથી.
- 41.50% લોકોના મતે સંયમ ઘટવા પાછળ ખોટી સમજણ જવાબદાર
મનોવૈજ્ઞાનિક સર્વેમાં ૪૧.૫૦% લોકોએ કહ્યું કે, સમાનતા અને સ્વતંત્રતાની અતિશય કે ખોટી સમજણ સંયમ ઘટવા માટે જવાબદાર છે. ૩૬.૦૦% લોકો આને દબાયેલી પીડાનો વિસ્ફોટ અને ૨૨.૫૦% લોકો સંયુક્ત પરિવારના માર્ગદર્શનના અભાવને મુખ્ય કારણ માને છે. ૪૩.૦૦% નાગરિકોએ કહ્યું કે, સોશિયલ મીડિયા પર પ્રમોટ થતી અતિ-ખુલ્લી જીવનશૈલીને કારણે ખાનગી કે આંતરિક પ્રશ્નો જાહેરમાં લાવવાનો ખચકાટ ઓછો થયો છે અને ૩૫.૦૦% લોકોના મતે સામાજિક ડર (લોકો શું વિચારશે?) સાવ નાબૂદ થઈ ગયો છે. - આવેગ નિયંત્રણ અને સાંસ્કૃતિક ગરિમા જાળવવા માટે સુચનો
- શાળા-કોલેજ કક્ષાએથી જ મૂલ્યનિષ્ઠ અને નૈતિક શિક્ષણ આપવું..
- દરેક પરિવારોમાં માતા-પિતા દ્વારા કૌટુંબિક સંસ્કાર, ગરિમા અને મર્યાદાનું સિંચન કરવું..
- સોશિયલ મીડિયા માટે કડક કાયદાકીય પગલાં અને સાયકોલોજિકલ કાઉન્સેલિંગ સેન્ટરો શરૂ કરવા..









