Rajkot

મોબાઇલ ટાવર પરના નેટવર્ક માટેનાં ડીવાઇસની ચોરી કરતી ગેંગ ઝડપાઇ

By GS Team
11 Aug 20262 mins read
TukuTouch Logo
રાજકોટમાં શાપર પોલીસે મોબાઈલ ટાવર પરથી AZNA ડિવાઇસ ચોરતી ગેંગના 3 સભ્યોને ઝડપ્યા છે. જયદીપ બાવળીયા, રાહુલ સતવાણી અને ધર્મેશ મેવાશીયાએ રાજકોટ-અમદાવાદમાંથી અનેક ડિવાઇસ ચોરી વિદેશ મોકલ્યા હતા. પોલીસે 1.20 લાખના 2 ડિવાઇસ, કાર અને અન્ય સાધનો જપ્ત કર્યા. આ ચોરીઓથી નેટવર્ક પ્રભાવિત થયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

મોબાઇલ ટાવર પરના નેટવર્ક માટેનાં ડીવાઇસની ચોરી કરતી ગેંગ ઝડપાઇ

રાજકોટ: મોબાઇલ ટાવર પર નેટવર્ક માટે લગાડવામાં આવતા એઝેડએનએ તરીકે ઓળખાતા ડીવાઇસની ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યોને શાપર પોલીસે ઝડપી લીધા છે. આ ટોળકીએ રાજકોટ અને અમદાવાદમાંથી આવા અનેક ડીવાઇસની ચોરી કરી વિદેશ મોકલી દીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
શાપરમાં એક કંપનીના મોબાઇલ ટાવર ઉપરથી આ પ્રકારના બે ડીવાઇસની ચોરી થઇ હતી. જે અંગે ગઇકાલે ફરિયાદ નોંધાતા પીઆઇ આર.બી. રાણાએ તપાસમાં ઝુકાવી ચોરી કરનાર ગેંગના ત્રણ સભ્યોમાં જયદીપ વલ્લભ બાવળીયા (ઉ.વ.૨૩, રહે. માનસરોવર, મહીકા મેઇન રોડ, રાજકોટ), રાહુલ સુરેશભાઇ સતવાણી (રહે. ધારૈઇ, તા.ચોટીલા) અને ધર્મેશ ધીરુભાઇ મેવાશીયા (ઉ.વ.૨૦, રહે. નાની લાખાવડ, તા.જસદણ)ને ઝડપી લીધા હતા.
આ ગેંગ પાસેથી શાપરમાંથી ચોરી કરેલા રૂા.૧.૨૦ લાખની કિંમતના બે ડિવાઇસ ઉપરાંત ચોરીમાં ઉપયોગ કરેલી ટોયટો કાર, પાના, ડિસમિસ, કટ્ટર અને ત્રણ મોબાઇલ ફોન પણ કબજે કરાયા હતા.
પૂછપરછમાં આ ગેંગે અમદાવાદ રિંગ રોડ પરના બે ટાવર પરથી કુલ પાંચ, રાજકોટની ગ્રીન લેન્ડ ચોકડી પાસે બે, આજી ડેમ, માનસરોવર સોસાયટી પાસેથી ત્રણ, કોઠારીયા નજીકથી બે, આજી ડેમ ચોકડી નજીકથી ત્રણ, રણુજા મંદિર પાસેથી બે, કાલાવડ રોડ પરથી એક અને ન્યુ ૧૫૦ ફૂટ રીંગ રોડ પરથી બે ડીવાઇસની ચોરી કર્યાની કબૂલાત આપી હતી.
આ એક ડીવાઇસની કિંમત પોલીસે રૂા.૬૦ હજાર ગણી છે. તે જોતા અત્યાર સુધી લાખો રૂપિયાના ડીવાઇસની ચોરી કર્યાનું બહાર આવ્યું છે. તપાસમાં પોલીસને એવું પણ જાણવા મળ્યું કે, આ ગેંગ ટાવર પર ચડી ઇલેક્ટ્રીક વાયરો કાપી નાંખી, પાના-પક્કડ વડે ડીવાઇસને ટાવરથી અલગ કરી તેને લઇ નીચે ઉતરી જતી હતી.
ત્યારબાદ આ ડીવાઇસ કુરીયર મારફતે દિલ્હી મોકલાવી ત્યાંથી નિષ્ણાંત માણસોની મદદથી વિદેશમાં વેંચી દેતી હતી. છેલ્લા બે મહિનાથી આ ગેંગ ચોરી કરતી હોવાનું બહાર આવ્યું છે. રાજકોટમાંથી ચોરેલા ડીવાઇસ અંગે ક્રાઇમ બ્રાંચે ગુના દાખલ કરાવવા તજવીજ શરૂ કરી છે. તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના છે.

  • AZNA ડીવાઇસની ચોરીથી મોબાઇલ નેટવર્ક પ્રભાવિત થાય છે
    રાજકોટ: મોબાઇલમાં નેટવર્ક એઝેડએનએ ડીવાઇસની મદદથી આવે છે. મોબાઇલ ટાવરની ચારેય દિશામાં આ ડીવાઇસ લગાડવામાં આવે છે. કેટલાક ટાવરમાં આઠ ડીવાઇસ પણ લગાડેલા હોય છે. જો એકપણ ડીવાઇસ ચોરાઇ જાય તો તેની સીધી અસર નેટવર્ક પર પડે છે. એટલે કે ગ્રાહકોને નેટવર્ક બરાબર મળતું નથી.
    ઝડપાયેલી ગેંગ નિષ્ણાંતોની જેમ ટાવર પર ચડી આ ડીવાઇસની ચોરી કરતી હતી. જોકે આ ડીવાઇસને વિદેશમાં કેમ વેંચતી હતી તે વિશે હાલ કોઇ માહિતી નહીં મળ્યાનું શાપર પોલીસના સુત્રોએ જણાવ્યું હતું. શાપર પોલીસે આ ડીવાઇસને મોબાઇલ નેટવર્ક માટે અત્યંત સંવેદનશીલ ગણાવ્યું છે. હાલ આ ગેંગ દ્વારા વીસેક ડીવાઇસની ચોરી કરાયાની કબૂલાત આપવામાં આવી છે.