બે સ્થળે લૂંટ ચલાવનાર ચાર લુખ્ખા ઝડપાયા, પોલીસની ઘોર નિષ્ફળતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : કાલાવડ રોડ પર દેવજી જખાનીયાને છરી બતાવી રૂા.૯૨ હજારના દાગીનાની અને અટલ સરોવર પાસે પુનાભાઇ બાંભવાને ડરાવી-ધમકાવી સોનાના ઠોળીયા અને મોબાઇલની લૂંટ ચલાવનાર ચાર લુખ્ખાઓની બનેલી ટોળકીને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધી છે.
જેમાં ગૌતમ ઉર્ફે કાનો મકવાણા (રહે. રાધે ક્રિષ્ના એપાર્ટમેન્ટ, હનુમાન મઢી), હિતેન ઉર્ફે હત્તો ગોહેલ (રહે. કણકોટ), નિલેશ ઉર્ફે ભુરો વાઘેલા (રહે. કોઠારીયા સોલવન્ટ) અને ભરત ઉર્ફે ભરતો પરમાર (રહે. કોઠારીયા સોલવન્ટ)નો સમાવેશ થાય છે.
શહેરમાં સીસીટીવી કેમેરાને કારણે હવે રસ્તા ઉપર ગુના આચરી પોલીસથી બચવું લગભગ અશક્ય છે. પરંતુ આ બાબત લુખ્ખાઓ, રીઢા અને અભણ ગુનેગારો જાણતા ન હોવાથી છાશવારે ગુના કરી પકડાઇ જાય છે. આ કિસ્સામાં પણ તેમ જ થયું છે.
બંને લૂંટ બાદ ક્રાઇમ બ્રાંચે તપાસમાં ઝુકાવ્યું હતું. પીઆઇ એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એન.પરમારે સીસીટીવી વગેરેના આધારે ચારેય લુખ્ખાઓની ઓળખ મેળવી ઝડપી લીધા હતા. ક્રાઇમ બ્રાંચે લૂંટી લીધેલો મુદ્દામાલ, ગુનામાં વપરાયેલા વાહનો, છરી, મોબાઇલ ફોન વગેરે મળી કુલ રૂા.૨.૮૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ચારેય લુખ્ખાઓ લાંબો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. વારંવાર ગુના કરવાની ટેવવાળા છે. આરોપી ગૌતમ સામે ખૂન, મારામારી, ચોરી સહિતના દસ, આરોપી હિતેન સામે પણ ખૂન, ચોરી સહિતના ત્રણ, આરોપી નિલેશ સામે ચોરી, મારામારી સહિતના આઠ અને આરોપી ભરત સામે પણ લૂંટ, ચોરી સહિતના દસ ગુના નોંધાયેલા છે.
આ રીતે આ પ્રકારના લુખ્ખાઓ વારંવાર પકડાવા છતાં ગુના આચરતા રહે તે બાબત પોલીસની સરીયામ નિષ્ફળતા સૂચવે છે.




