બેડી નજીક તળાવમાં ડૂબી જતાં ત્રણ બાળકો અને યુવક સહિત ચારના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : રાજકોટ નજીકના બેડી ગામની સીમમાં નેસવડા પીર બાપુની દરગાહ પાસે સ્થિત તળાવમાં આજે બપોરે બાળકી, બે સગા ભાઇઓ સહિત ત્રણ બાળકો અને એક યુવાનનું ડૂબી જતાં મોત નિપજ્યું હતું. જેને કારણે તેમના પરિવારમાં કાળો કલ્પાંત મચી ગયો હતો. છ વર્ષનો બાળક તળાવમાં ડૂબવા લાગ્યા બાદ તેને બચાવવા જતાં બીજા બે બાળકો અને યુવાને જીવ ગુમાવ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલે દોડી ગયા હતા. રાજકોટ નજીકના રોણકી ગામથી મુસ્લિમ પરિવારના ૧૫ જેટલા સભ્યો જુદા-જુદા વાહનોમાં બેડી ગામની સીમમાં નેસવડા પીર બાપુની દરગાહે સલામ ભરવા ગયા હતા. સલામ ભરી પરિવારના તમામ સભ્યો ત્યાં બેઠા હતા.
તે વખતે પાંચ વર્ષનો સેફાન સાજીદભાઇ અભેસરા (ઉ.વ.૬) કોઇપણ રીતે નજીકના તળાવમાં પડી જતાં ડૂબવા લાગ્યો હતો. જેને કારણે દેકારો મચી જતાં સેફાનનો ભાઇ સોહાન (ઉ.વ.૧૧) અને અલીફા અકરમભાઇ સોરા (ઉ.વ.૯) સેફાનને બચાવવા તળાવમાં ખાબક્યા હતા. જેથી આ બંને પણ ડૂબવા લાગતા ત્રણેય બાળકોને બચાવવા તેમના બે કૌટુંબિક કાકા સાહીલ જમાલભાઇ અભેસરા (ઉ.વ.૨૦) ઉપરાંત તેનો ભાઇ રીયાઝ (ઉ.વ.૨૩) તળાવમાં કૂદી પડયા હતા. જેમાંથી સાહીલ પણ ડૂબવા લાગ્યો હતો.
કોઇપણ રીતે રીયાઝ તળાવમાંથી બહાર નીકળી ગયા બાદ પરિવારના સભ્યોએ ભેગા મળી સોહાન, તેના ભાઇ સેફાન અને અલીફા ઉપરાંત સાહીલને બહાર કાઢી સિવિલ અને જનાનામાં ખસેડયા હતા. જ્યાં તબીબોએ ચારેયને મૃત જાહેર કરતા પરિવારમાં કાળો કલ્પાંત મચી ગયો હતો.
ભોગ બનનાર સાહિલ અને અલીફા નામની બાળકી રોણકી ગામમાં રહે છે. જ્યારે સેફાન અને સોહાન નામના બંને ભાઇઓ પુનિતનગરના ટાંકા પાસે ખોડીયારપરામાં રહે છે. જાણ થતાં કુવાડવા રોડ પોલીસનો સ્ટાફ સ્થળ પર અને હોસ્પિટલ દોડી ગયો હતો. ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી ગયા હતા. કુવાડવા રોડ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી હતી.
- જન્મદિવસે જ બાળકનો ભોગ લેવાતા પરિવારમાં અરેરાટી
રાજકોટ : ભોગ બનનાર સોહાનનો આજે જન્મદિવસ હતો. વળી રવિવારની રજા પણ હોવાથી તે અને તેનો ભાઇ સેફાન સહિતના પરિવારજનો રોણકી ગામે રહેતા ફઇને ત્યાં ગયા હતા. જ્યાંથી પરિવારના પંદરેક સભ્યો રિક્ષા સહિતના વાહનોમાં બેડી નજીકની દરગાહે સલામ ભરવા ગયા હતા. જ્યાં નજીકમાં આવેલા તળાવમાં આ ઘટના બની હતી. સોહાન અને સેફાનના પિતા ઘર નજીક ખોડીયારપરામાં પાનની દુકાન ધરાવે છે. તેના બંને પુત્રોનો આ ઘટનામાં ભોગ લેવાતા તબિયત લથડી હતી. ભોગ બનનાર સાહીલ રિક્ષા ચલાવે છે. આ ઘટનામાં તેના મોટાભાઇ રીયાઝનો ચમત્કારિક બચાવ થયો હતો. ભોગ બનનાર ૯ વર્ષની બાળકી અલીફા ધો.૪માં અભ્યાસ કરતી હતી. તે તેના માતા-પિતાની એકલૌતી પુત્રી હતી. - યુવક ત્રણેક બાળકોને બથ ભરેલી હાલતમાં મળી આવ્યો
રાજકોટ : પરિવારના સભ્યોએ જ્યારે ડૂબી ગયેલા ચારેયને બહાર કાઢ્યા ત્યારે સાહિલ બાકીના ત્રણેય બાળકોને બથ ભરેલી હાલતમાં મળી આવ્યો હતો. જેના પરથી સ્પષ્ટ થયું હતું કે, તેણે આ ત્રણેક બાળકોને બચાવવા માટે જાનની બાજી ખેલી હતી. પરંતુ કમનસીબે સફળતા મળી ન હતી. ત્રણેય બાળકો અને સાહિલને તળાવમાંથી બહાર કાઢ્યા બાદ પરિવારના સભ્યોએ તેમના હાર્ટમાં પમ્પિંગ કર્યું હતું. પરંતુ આમ છતાં જીવ બચ્યા ન હતા. સાહિલના ભાઇ રીયાઝે પણ ત્રણેય બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને પણ સફળતા નહીં મળતાં તેને લઇને ચોધાર આંસુએ રડી પડયો હતો. તેની નજર સમક્ષ જ તેનો નાનો ભાઇ અને સંબંધી એવા ત્રણેય બાળકો ડૂબી જતાં આઘાતથી સ્તબ્ધ થઇ ગયો હતો.









