દાગીના સાફ કરવાના બહાને સોનું કાઢી લેતી બિહારી ગેંગના ચાર સાગરિતો ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ખંભાળિયા : દ્વારકા જિલ્લામાં થોડા સમય પૂર્વે જુદા જુદા વિસ્તારોમાં ચીટર ગેંગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓને લલચાવીને તેમના સોના-ચાંદીના દાગીના સાફ કરવાના બહાને તેમાંથી સોનુ કાઢી લેવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આને અનુલક્ષીને એલ.સી.બી.ની ટીમે બિહારના રહીશ એવા ચાર શખ્સોને દબોચી લીધા હતા.
આ સમગ્ર પ્રકરણ અંગે એલસીબી સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના લાંબા અને રાવલ વિસ્તારમાં રહેતા જુદા જુદા આસામીઓને ત્યાં આવી અને ફિનાઈલ વેચવાના બહાને મહિલાઓને વિશ્વાસમાં લઈને તેમના સોનાના દાગીનાને સાફ કરી, ચોખ્ખા બનાવી આપવાનું કહી ચીટર ટોળકી દ્વારા કેમિકલ મારફતે દાગીનામાંથી સોનું કાઢી લીધું હતું. આ પોલીસ ફરિયાદ સંદર્ભે એલ.સી.બી.ની ટીમ દ્વારા બાતમીના આધારે ખંભાળિયામાં મિલન ચાર રસ્તા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાંથી બિહાર રાજ્યના મૂળ રહીશ અને હાલ રાજકોટ ખાતે રહી અને ફિનાઈલ વેચવાનું કામ કરતા સુબોધસિંગ હિયાલાલસિંગ ખારવા, અને વિકાસકુમાર બિંદેશ્વરપ્રસાદ ઠાકોર તેમજ સોના-ચાંદી સાફ કરવાનું કામ કરતા બિહારના સંતોષકુમારસિંહ સુબોધપ્રતાપસિંહ કુસ્વા અને અનિરુદ્ધ દિનેશ ભોજલ ઠાકુર નામના ચાર શખ્સોને ઝડપી લીધા હતા. તપાસ દરમિયાન તેમના મકાનમાંથી ગુનો આચરવા માટે ઉપયોગમાં લીધેલો સર સામાન તથા સોના-ચાંદીના ઢાળિયા વિગેરે મળી ૮૯ હજાર નો મુદ્દામાલ કબજે કરી, વધુ તપાસ અર્થે આરોપીઓનો કબજો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો હતો.
આરોપીઓની પૂછતાછમાં તેઓ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જઈને વૃદ્ધ મહિલા ઘરમાં હોય તે ઘરને ટાર્ગેટ કરતા હતા. પ્રથમ તો તેઓ ફિનાઈલ વેચવાના બહાને ઘરમાં પ્રવેશી અને ઘરમાં કોઈ પુરુષ ન હોય તે બાબતનો લાભ લઈને વૃદ્ધ મહિલાઓને ભગવાનની મૂતઓ સાફ કરી આપશે તેમ કહીને પોતાની પાસે રહેલા એસિડ વડે તેઓ મૂત સાફ કરી તેમાં ફટકડી જેવા પદાર્થથી મૂતને ચમકાવી આપતા હતા. ત્યાર બાદ હાજર મહિલાઓને વિશ્વાસમાં લઈ, પ્રથમ ચાંદી સાફ કરી આપશે તે બાદ સોનું પણ સાફ કરી આપશે તેમ વાતોમાં લઈ પોતાની પાસે રહેલા સરસામાનથી એસિડ વડે ચોક્કસ પ્રક્રિયા કરી સોનુ અને ચાંદી કાઢી લેતા હોવાનું જાહેર થયું છે.




