Rajkot

સૂટકેસ હત્યાકાંડનાં રહસ્યો ઉકેલવા માટે એઈમ્સમાં અવશેષોની ફોરેન્સિક તપાસ

By GS Team
28 Jul 20263 mins read
TukuTouch Logo
રાજકોટના જસદણ તાલુકાના પાંચવડા ગામે નદી કિનારેથી 22મી તારીખે બંધ સૂટકેસમાંથી કોહવાયેલી માનવ લાશ મળી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ હત્યાનો મામલો હોવાની આશંકા છે. પોલીસને AIIMSના ફોરેન્સિક રિપોર્ટની રાહ છે, જે મૃતકની ઓળખ, ઉંમર, મૃત્યુનું કારણ અને સમય સ્પષ્ટ કરશે. હાલ 20-30 વર્ષના ગુમ થયેલા યુવાનોની તપાસ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સૂટકેસ હત્યાકાંડનાં રહસ્યો ઉકેલવા માટે એઈમ્સમાં અવશેષોની ફોરેન્સિક તપાસ

રાજકોટ: જસદણ તાલુકાના પાંચવડા ગામે ગત તા. ૨૨મીએ નદીના કાંઠેથી એક બિનવારસી બંધ સૂટકેસમાંથી અત્યંત કોહવાયેલી અને માનવ કંકાલ બની ચૂકેલી લાશ મળી આવ્યાની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈ નિર્દયી હત્યાનો મામલો હોવાની અને પુરાવાનો નાશ કરવાના ઈરાદે લાશને સૂટકેસમાં પેક કરી ફેંકી દેવાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે એક-બે દિવસમાં રાજકોટ એઈમ્સના ફોરેન્સિક વિભાગ તરફથી વિશેષ એક્ઝામિનેશન સાથે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપવામાં આવશે, જે રહસ્યમય બનાવની તપાસમાં મહત્ત્વપૂર્ણ સાબિત થવાની પોલીસે આશા વ્યક્ત કરી છે.
આટકોટનાં તપાસનીશ મહિલા પીઆઈ રાઠોડે જણાવ્યું કે, ગત તા.૨૨મીએ શંકાસ્પદ સુટકેશની જાણ થતાં ત્વરિત પહોંચીને તપાસ કરતા અતિ કોહવાઈ ગયેલી હાલતમાં માનવકંકાલ નીકળ્યું હતું. કપડાંમાં માત્ર પેન્ટનો નેફો અને બેલ્ટ હતા. મૃતકની ઓળખ સ્થાપિત કરવી પોલીસ માટે સૌથી મોટો પડકાર હતો. જેથી ખાસ કિસ્સામાં માનવકંકાલના અવશેષો ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ એઈમ્સના ફોરેન્સિક વિભાગમાં મોકલી આપ્યા છે. ત્યાંથી એક-બે દિવસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી જશે. મૃતક ૨૦-૩૦ વર્ષનો યુવાન હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું છે, આમ છતાં ફોરેન્સિક ચકાસણીમાં એ માનવકંકાલ સ્ત્રી છે કે પુરુષ, તેની ચોક્કસ ઉંમર, મૃત્યુનો સમય, શરીર પર થયેલી ઈજાઓ અને મૃત્યુનું અસલી કારણ વગેરેનો સાચો અંદાજ આવી જશે.
એઈમ્સમાં ફોરેન્સિક એક્ઝામિનેશન પણ કરવામાં આવશે. જેમાં ઓળખ માટે ડીએનએ પ્રોફાઇલિંગ અને સુટકેશ, કપડા, બેલ્ટની પણફોરેન્સિક ચકાસણી કરવામાં આવશે. જેના આધારે કોઈ નક્કર કડી મળવાની આશા છે. હાલ તો રાજ્યમાં ૨૦થી ૩૦ વર્ષની વયના યુવાનો ગુમ થયા હોય એ દિશામાં તપાસ ચાલુ છે. સ્થાનિક લોકોએ કોઈ શંકાસ્પદ વ્યકિત કે હિલચાલ જોઈ હોય તો એ દિશામાં પણ નિવેદનો-પુછતાછ ચાલુ છે. બાતમીદારો અને ટેકનીકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવી રહી છે.

  • એઈમ્સનું ફોરેન્સિક પરીક્ષણ પોલીસ માટે મહત્વપૂર્ણ
    :પુરૂષ કે સ્ત્રીઃ કંકાલની ખોપરીના લક્ષણો જેમ કે જડબાની મજબૂતાઈ અને ભમરના હાડકા ઉપરાંત ખાસ તો પેલ્વિસ પરથી મૃતક પુરૂષ હતો કે સ્ત્રી તેની વૈજ્ઞાાનિક પુષ્ટિ થઈ શકશે.
    :ઉંમર-વયઃ દાંતના ઘસારા, અકલ દાંતની સ્થિતિ તેમજ હાડકાંના એપિફિસિસના જોડાણ પરથી મૃત્યુ સમયે ચોક્કસ ઉંમર કેટલી હતી તેનો વધુ સચોટ અંદાજ મેળવી શકાશે.
    :મૃત્યુનો સમયઃ હાડકાં કેટલા જૂના છે, સડો કે વિઘટનની પ્રક્રિયા કયા સ્તરે થઈ છે તેના આધારે મૃત્યુ કેટલા સમય પહેલાં થયું હતું તેનો અંદાજ લગાવી શકાશે.
    :મૃત્યુનું કારણઃ ખોપરી કે અન્ય હાડકાં પર ધારદાર હથિયારના ઘા, ગાબડાં કે અસ્થિભંગના નિશાન તપાસવામાં આવશે. જો ગળે ટૂંપો આપવા કે મારપીટના કોઈ ચિહ્નો હાઈઓઈડ બોન કે પાંસળીઓમાં હોય, તો તે પણ સ્પષ્ટ થશે.
    :ડીએનએ થકી ઓળખઃ હાડકાં અથવા દાંતમાંથી મજબૂત ડીએનએ સેમ્પલ મેળવીને તેને એ જ વયનાં ગુમ થયેલા લોકોના પરિવારજનો સાથે મેચ કરી શકાશે, જેનાથી સાચી ઓળખ સ્થાપિત થઈ શકશે.
    :સુટકેસ, કપડા અને બેલ્ટઃ પેન્ટના નેફા અને બેલ્ટની બનાવટ, બ્રાન્ડ, ટેક્સચર પરથી કપડાં ક્યાંથી બનાવ્યા કે ખરીદ્યા હતા તેની વિગતો મળી શકે છે. સુટકેસમાં કોઈ રેસા, વાળ, ફિંગરપ્રિન્ટ્સ કે અન્ય પુરાવા શોધવાનો પ્રયાસ થશે.