રેસકોર્સમાં આતશબાજી કાર્યક્રમમાં ડખ્ખો; વકિલ પુત્રનું ગળું દબાવી PIએ ગાળો ભાંડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : અહીંના રેસકોર્સમાં શુક્રવારે સાંજે આતશબાજીનો કાર્યક્રમ નિહાળવા ગયેલા વકિલના પુત્ર સાથે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.ડી. મકવાણાએ ગેરવર્તન કર્યાની ઘટનાને બાર એસોસિશને વખોડી કાઢીને તટસ્થ તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરી છે. આ સાથે પોલીસ કમિશ્નરને પણ લેખીત રજૂઆત કરાઇ છે.
અરજીમાં વકિલ ભરતભાઇ જોબનપુત્રાએ જણાવ્યું છે કે, તે બાર એસોસિએશનના સભ્ય છે. ગઇકાલે સાંજે પત્ની અને પુત્ર અર્પીત રેસકોર્સમાં આતશબાજીનો કાર્યક્રમ નિહાળવા માટે ગયા હતા. ત્યારે ત્યાં ફરજ પર હાજર પીઆઇએ અચાનક ઉશ્કેરાઇ ગયા પુત્ર ત્યાંથી ઘણો દૂર ઊભો હતો છતાં ત્યાં જઇને પુત્રનું ગળું દબાવી અને ગાળો ભાંડી હતી. આ બાબતે તે રાત્રે પીઆઇને મળવા માટે ગયા ત્યારે સ્ટાફે 'હમણાં આવે છે તેમ જણાવ્યું હતું. પીઆઇ આવ્યા બાદ તેને વીડિયો બતાવી પુત્ર સાથે ગેરવર્તન અંગેની વાત કરી તેને આવું વર્તન કરવું તે યોગ્ય ન કહેવાય તેમ કહેતા. તેણે 'થાય તે કરી લ્યો, જે દરવાજેથી આવ્યા ત્યાંથી પાછા જાવ', વીડિયો જ્યાં અપલોડ કરવો હોય ત્યાં કરી દેજો' તેમ કહી ગેરવર્તન કર્યું હતું. પુત્રને છાતીમાં દુઃખાવો થતો હોવાથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ બનાવની જાણ રાજકોટ બાર એસોસિએશનને થતાં વકિલોમાં રોષ જોવા મળ્યો હતો. અને પ્રમુખ સુમિત વોરાના માર્ગદર્શન હેઠળ એસોસિએશન દ્વારા એક ઠરાવમાં વકિલના પુત્ર અર્પીત જોબનપુત્રા સાથે પ્ર.નગરના પીઆઇએ કરેલા ગેરવર્તનની ઘટનાને વખોડી કાઢી છે. આ બાબતે પોલીસ કમિશ્નરને લેખીત રજૂઆત કરી પીઆઇ સામે તપાસ અને કડક કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.
- ભીડને કંટ્રોલ કરતી વખતે વકિલ પુત્રે ગેરવર્તન કર્યું હતું : પી.આઇ. મકવાણા
રેસકોર્સની આતશબાજીની ઘટના સંદર્ભે પી.આઇ. એમ.ડી. મકવાણાએ જણાવ્યું હતું કે, ગઇકાલે આતશબાજીના કાર્યક્રમમાં ખૂબ ભીડ હતી. હું એન્ટ્રી ગેઇટની બહાર હતા. આરએમસીના માણસોએ ગ્રાઊન્ડમાં જગ્યા ન હોવાથી ગેઇટ બંધ કરી દીધો હતો. ગ્રાઊન્ડમાં થોડી જગ્યા થતાં ગેઇટ ખોલતાં ધક્કા મુક્કી થતાં ચાર મહિલાઓ બાળકો સાથે પડી ગઇ હતી. જેથી મેં ભીડ કંટ્રોલ કરી મહિલાઓને બહાર કાઢવાની કામગીરી કરતી વખતે ગેઇટ બંધ કરી દીધો હતો આ સમયે વકિલ પુત્ર 'તું' કોણ ગેઇટ બંધ કરવાવાળો કહી ગેરવર્તન કરવા લાગ્યો હતો. તેને અંદર જવું હોય તો થોડીવાર રાહ જોવા બાબતે સમજાવતાં ઉશ્કેરાઇને બુમાબુમ કરી ગેરવર્તન કર્યું હતું.




