રાજકોટ-મોરબી રોડ પર ગમખ્વાર અકસ્માત: પૂરપાટ ટ્રકે કાર-રિક્ષાને અડફેટે લેતાં 2ના મોત, લોકગાયિકા મીરા આહીરના ભાઈનું અવસાન!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajkot Accident: રાજકોટના મોરબી રોડ પર હડાળા ગામ નજીક ગત રાતે (23મી સપ્ટેમ્બર) ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હડાળા ગામ નજીક આવેલી ચાની હોટલ નજીક પૂરપાટ ઝડપે આવતા ટ્રકે સાઈડમાં પાર્ક કરેલી કાર અને રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ ટ્રકચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પુત્રની નજર સામે જ પિતાનું અકસ્માતમાં મોત
મળતી માહિતી અનુસાર, મૃતકોની ઓળખ ભાવનગર રોડ પર રહેતા 45 વર્ષીય અજિઝશાહ અને બેડી ગામે રહેતા 20 વર્ષીય કાનો હુંબલ તરીકે થઈ છે. અજિઝશાહ પોતાના પુત્ર સાથે રિક્ષા લઈને મોરબી ખાતે યોજાયેલા ઉર્સમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. આ દરમિયાન હડાળા નજીક ચાની હોટલ પર રોકાયા ત્યારે કાળ બનેલા ટ્રકે રિક્ષાને અડફેટે લેતાં પુત્રની નજર સામે જ પિતાનું નીપજ્યું હતું.
બીજા મૃતક કાનો હુંબલ માધાપર ગામ નજીક રહેતો હતો અને તે જાણીતા લોકગાયિકા મીરા આહીર સહિત પાંચ બહેનોનો એકનો એક ભાઈ હતો. કાનો તેના મિત્રો સાથે રાત્રે ચા પીવા માટે નીકળ્યો હતો અને અકસ્માતનો ભોગ બન્યો હતો. પાંચ બહેનોએ છત્રછાયા સમાન એકના એક ભાઈને ગુમાવતાં આહીર પરિવાર અને ગામમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.
પોલીસે ટ્રક કબજે કરી ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી
અકસ્માત સર્જ્યા બાદ ટ્રકચાલક ટંકારા નજીક ટ્રક મૂકીને અંધારાનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ કુવાડવા પોલીસે સ્થળ પર પહોંચી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે બિનવારસી હાલતમાં મળી આવેલો ટ્રક કબજે કરીને ફરાર ટ્રકચાલક સામે ગુનો નોંધી તેની અટકાયત કરવા ચક્રગતિમાન કર્યાં છે.




