Rajkot

સમગ્ર ગુજરાતમાં વર્ષાઋતુની વિદાય, અર્ધા ભારતમાંથી ચોમાસું પરત ખેંચાયું

By GS Team
3 Oct 20263 mins read
TukuTouch Logo
કેન્દ્રીય મોસમ વિભાગે આજે, 3 ઓક્ટોબર, 2026ના રોજ સમગ્ર ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય જાહેર કરી છે. આ વર્ષે અલ નીનોના કારણે સૌરાષ્ટ્રમાં 23% અને ગુજરાતમાં 10% વરસાદની ખાધ નોંધાઈ છે. હવે ઓક્ટોબરમાં સામાન્યથી વધુ તાપમાન અને ઓછા માવઠાની આગાહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સમગ્ર ગુજરાતમાં વર્ષાઋતુની વિદાય, અર્ધા ભારતમાંથી ચોમાસું પરત ખેંચાયું

રાજકોટ : કૃષિપ્રધાન અર્થતંત્ર ધરાવતા ભારતમાં વરસાદ આધારિત કૃષિને કારણે નૈત્યનું ચોમાસુ જીવનદાતા ગણાતું રહ્યું છે. આજે તા.૩ ઓક્ટોબર-૨૦૨૬ના એક સાથે સમગ્ર ગુજરાતમાં અને મધ્યપ્રદેશમાંથી ચોમાસાએ વિદાય લીધી છે તેમ કેન્દ્રીય મોસમ વિભાગે સત્તાવાર જાહેર કર્યું છે. આ પહેલા રાજસ્થાન,પંજાબ, હરિયાણા, દિલ્હી સહિત રાજ્યો બાદ આજે ગુજરાત,મધ્યપ્રદેશ ઉપરાંત બિહાર, છત્તીસગઢ, મહારાષ્ટ્ર સહિત રાજ્યોના વિસ્તારોમાંથી ચોમાસુ પરત ખેંચાતા અર્ધા ભારતમાં ચોમાસુ પૂરું થયું છે.
આશ્ચર્યજનક રીતે, તા.૨૩ સપ્ટેમ્બરે કચ્છ નલિયા અને ઉત્તર ગુજરાતના ડીસા સુધીના આંશિક ભાગમાંથી ચોમાસાની વિદાય થયા બાદ ચોમાસુ પરત ખેંચાતા અટકી ગયું હતું અને આજે ૧૦ દિવસ બાદ સીધો ૧૧૦૦ કિલોમીટરનો કૂદકો મારીને સમગ્ર રાજ્યમાંથી વિદાય લીધી છે. ગુજરાતના ડીસાથી મહારાષ્ટ્રના બ્રહ્મપુરી સુધી આશરે ૧૧૦૦ કિ.મી.નું માર્ગ અંતર છે અને આ સમગ્ર વિસ્તારમાંથી ચોમાસુ પરત ખેંચાયું છે. આ સાથે ઓક્ટોબર માસમાં સામાન્યથી અધિક તાપમાન અને માવઠાં સામાન્યથી ઓછા સાથે સુકુ હવામાન રહેવાની આગાહી પણ જારી કરાઈ છે.
આ વર્ષે મજબૂત અલ નીનો સ્થિતિના કારણે સૌરાષ્ટ્રમાં ૨૩ ટકા અને ગુજરાતમાં એકંદરે ૧૦ ટકા તથા સમગ્ર દેશમાં ૧૩ ટકા વરસાદની ખાધ પડી છે જે મૂજબ ચોમાસુ નબળુ રહ્યું છે.
ગત વર્ષે તા.૧૪ જૂને પ્રવેશેલા ચોમાસાએ ૨૫ સપ્ટેમ્બરે વિદાય લીધી હતી પરંતુ, ત્યારપછી તુરંત લોપ્રેશર સીસ્ટમના કારણે ઓક્ટોબરમાં પણ વરસાદી માહૌલ જારી રહ્યો હતો. ત્યારે આ વર્ષે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના વલસાડ સહિત આંશિક વિસ્તારમાં તા.૨૩ જૂને અને મોટાભાગના વિસ્તારમાં તા.૧ જૂલાઈએ પ્રવેશેલ ચોમાસુ માંડ ૩ મહિના કરતા ઓછો સમય સક્રિય રહ્યું છે. ગુજરાતમાં ગત ૧૦ દિવસથી વરસાદનો વિરામ જ રહ્યો છે અને આજે સત્તાવાર રીતે નૈત્યના ચોમાસાની વિદાય મોસમ વિભાગે જાહેર કરી છે.
ઉલ્લેખનીય છે કે આ ચોમાસુ ભારતમાં કેરલથી પ્રવેશે છે પરંતુ, વિદાય રાજસ્થાન-કચ્છથી લેવાનું શરુ કરે છે. સમગ્ર વિશ્વમાં આવા અનેક દ્રષ્ટિકોણથી ભારતનું ચોમાસુ વિશિષ્ટ રહ્યું છે.

  • ચોમાસાનું આગમન
    દેશમાં ક્યાં ક્યારે થયું
    રાજકોટ : નૈત્યનું ચોમાસુ-2026 કેરલથી અરબી સમુદ્રના કાંઠે થઈને
    કઈ તારીખે ક્યા રાજ્યમાં પ્રવેશ્યુ તે નીચે આપેલ છે.
    તારીખ રાજ્યમાં પ્રવેશ…
    તા.૪ જૂન કેરલથી દેશમાં પ્રવેશ
    તા.૫ જૂન કર્ણાટકમાં
    તા.૬ જૂન ગોવામાં
    તા.૭ જૂન મહારાષ્ટ્રમાં
    તા.૮ જૂન મહારાષ્ટ્રમાં પ્રવેશ કરી
    તા.૨૧ જૂન સુધી સ્થિર થઈ ગયું
    તા.૨૨ જૂન મહારાષ્ટ્રમાં છવાયું
    તા.૨૩ જૂન દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ
    બાદ તા.૩૦ જૂન સુધી ત્યાં જ અટક્યું.
    તા.૧ જૂલાઈ…સૌરાષ્ટ્ર,મધ્ય ગુજરાતમાં
    તા.૭ જૂલાઈ…કચ્છ, ઉ.ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં
    અને રાજસ્થાનમાં પ્રવેશ.
    તા.૯ જૂલાઈ….સમગ્ર દેશમાં પ્રવેશ.
    (૧ માસ,૫ દિવસમાં ચોમાસુ આખા દેશમાં છવાયું)
  • ચોમાસાની વિદાય ક્યારે જાહેર કરાય છે
    રાજકોટ: માત્ર વરસાદના પાંચ-સાત દિવસ વિરામથી ચોમાસાની વિદાય જાહેર થતી નથી, ભારતનું મોસમ વિગ્નાન વિભાગ હવામાનમાં નીચે મૂજબના ત્રણ મુખ્ય ફેરફાર પછી 'ચોમાસુ પરત ખેંચાયું ' (મોનસૂન વિથડ્રોઅલ) જાહેર કરે છે.
    મોસમ વિભાગ તા.૧ સપ્ટેમ્બર પછી જ પશ્ચિમ,ઉત્તરથી ચોમાસુ નીચે મૂજબના સંજોગો હોય ત્યારે જાહેર કરે છે.
    (૧)કોઈ વિસ્તારમાં સતત ૫ દિવસ સુધી વરસાદ વરસ્યો ન હોય.
    (૨)નીચેના વાતાવરણમાં ૮૫૦ હેકોપાસ્કલ (હવામાનમાં દબાણ માપવા પ્રમાણિત મેટ્રીક એકમ) અથવા ઓછું દબાણ હોવું જોઈએ.
    (૩) સેટેલાઈટ ઈમેજ અને ટેફીગ્રામ મૂજબ જે તે વિસ્તારમાં ભેજનું પ્રમાણ નોંધપાત્ર ઘટવું.
    (ગુજરાતમાં આ ત્રણેય ક્રાઈટેરિયા આજે લાગુ પડયા છે)
  • ચોમાસું કઈ તારીખે ક્યાંથી પાછું ખેચાયું
    રાજકોટ : આજ તા.૩ ઓક્ટો.સુધી ક્યાંથી ક્યારે પરત ખેંચાયું તે આપેલ છે.
    તારીખ રાજ્યથી વિદાય
    તા.૧૯ સપ્ટેમ્બર રાજસ્થાનથી વિદાયનો આરંભ.
    તા.૨૧ સપ્ટેમ્બર હરિયાણા,પંજાબના આંશિક વિસ્તારો.
    તા.૨૩ સપ્ટેમ્બર નલિયા-ડીસા સુધી કચ્છ,ઉ.ગુજરાત
    તથા પંજાબ,દિલ્હી,રાજસ્થાન સહિત પશ્ચિમ-ઉત્તર રાજ્યોમાં
    તા.૨૩ સપ્ટે.થી ૨ ઓક્ટોબર ચોમાસાની વિદાય અટકી ગઈ.
    તા.૩ ઓક્ટોબર સમગ્ર ગુજરાત અને મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્ર,
    ઝારખંડ, બિહાર, છત્તીસગઢના આંશિક વિસ્તારોમાંથી.