Rajkot

કલ્યાણપુરના મહાદેવિયા ગામે બે સગા ભાઇ પર કૌટુંબિક ભત્રીજાનું ફાયરિંગ

By GS Team
2 Oct 20262 mins read
TukuTouch Logo
જામ ખંભાળિયાના કલ્યાણપુર તાલુકાના મહાદેવીયા ગામે સરકારી ખરાબામાં વીજ થાંભલા નાખવાના કામમાં ખેડૂત વજશીભાઈ ગોરીયા અને તેમના ભાઈ મેરામણભાઈને તેમના કૌટુંબિક ભાઈઓ મુળુ, જીગર અને ભરતે ધમકાવી કામ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. સમજાવવા જતાં ભરતે કારથી ટક્કર મારી રિવોલ્વરમાંથી ફાયરિંગ કરતા બંને ભાઈઓને ગોળીઓ વાગી હતી. ગંભીર રીતે ઘાયલ થતા તેમને રાજકોટ ખસેડાયા છે. કલ્યાણપુર પોલીસે 3 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કલ્યાણપુરના મહાદેવિયા ગામે બે સગા ભાઇ પર કૌટુંબિક ભત્રીજાનું ફાયરિંગ

જામ ખંભાળિયા : કલ્યાણપુરના મહાદેવીયા ગામે રહેતા ખેડૂતની વાડી પાસે સરકારી ખરાબાની જમીનમાં થાંભલા નાખવાનું કામ ઊર્જા કંપનીના માણસો દ્વારા કરાતું હતું ત્યારે એ ખેડૂતના કૌટુંબિક ભાઇ તથા ભત્રીજા પોતાના આર્થિક ફાયદા માટે તથા કંપની પર ધાક જમાવવાના હેતુથી કામ બંધ કરાવવા આવ્યા હતા. ખેડૂત તેને સમજાવી રહ્યા હતા ત્યારે કાર લઇને આવેલા કૌટુંબિક ભત્રીજાએ કારથી ટક્કર મારી તેમના પર તથા તેના મોટા ભાઇ પર રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું. ગોળીઓ લાગતા બન્ને ભાઇઓને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. આ પ્રકરણમાં ત્રણ કૌટુંબિક શખ્સો સામે ફરિયાદ નોંધાવાઇ છે.
મૂળ મહાદેવીયા ગામના અને હાલ ભાટિયા ગામે રહેતા વજશીભાઈ ગગાભાઈ લખમણભાઈ ગોરીયા (ઉ.વ.૪૫)એ ફરિયાદ નોંધાવી છેકે,તેમની મહાદેવીયા ગામની સીમમાં ચોકી વાડી પાસે આવેલી વાડી પાસેના સરકારી ખરાબાની જમીનમાં ઉર્જા કંપનીના માણસો દ્વારા થાંભલા નાખવાનું કામ ચાલી રહ્યું હતું. જ્યાં કારમાં તેમના કૌટુંબિક ભાઇ મુળુ લાખાભાઈ ગોરીયા અને તેના પુત્ર જીગર મુળુ ગોરીયાએ ંઆવી થાંભલા નાખતા લોકોને ડરાવી- ધમકાવી કામ બંધ કરવાનું કહ્યું હતું. આથી, વજશીભાઈ, તેમના મોટાભાઈ મેરામણભાઈ તેમજ કૌટુંબિક ભાઈ કેશુરભાઈ પિતા-પુત્ર મુળુભાઈ તથા જીગરને 'તમારું અહીંયા કંઈ છે નહીં, તો શું કામ આ કામ બંધ કરાવો છો?' તેમ કહી સમજાવવા જતા પિતા-પુત્ર ઉશ્કેરાઈ ગયા હતા અને ત્રણેય ભાઈઓને ગાળો કાઢી,કામ કરતા લોકોને કહ્યું હતું કે, 'તમે આ થાંભલા પાડી નાખો, અમે અહીંયા ઉભા છીએ, કોની ત્રેવડ છે કે વચ્ચે આવે, અને વચ્ચે આવશે તો સારવાટ નહીં રહે.' આવી ધમકી આપતા કંપનીના માણસો ત્યાંથી ભાગી ગયા હતા.
દરમિયાન નંદાણા ગામ તરફથી કાળા કલરની ક્રેટા કારમાં ભરત મુળુભાઇ ગોરીયા ધસી આવ્યો હતો અને મેરામણભાઈને પાછળથી જોરદાર ઠોકર મારતા તે ફંગોળાઈ ગયા હતા. ભરત કારમાંથી નીચે ઉતરતા મુળુભાઈ અને જીગરે બૂમો પાડીને કહેલ કે, 'માર..માર..,આજે તો પતાવી દેવા છે.' જેથી ભરતે તેની પાસે રહેલી રિવોલ્વરથી ફરિયાદી વજશીભાઈ ઉપર ફાયરિંગ કરતા તેમને દાઢીના ભાગે ગોળી વાગી હતી, અને ત્યાં જ ઢળી પડયા હતા. આ પછી મેરામણભાઈ પર પણ ફાયરિંગ કરતા તેમને છાતીના ભાગે ગોળી લાગી હતી. ગંભીર ઇજાગ્રસ્ત બનેલા બન્ને ભાઇઓને પાટા મારી ત્રણેય ત્યાથી ચાલ્યા ગયા હતા. ઘાયલ વજશીભાઈ તથા તેમના મોટાભાઈ મેરામણભાઈને પ્રથમ ખંભાળિયા ખાતે અને બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કલ્યાણપુર પોલીસે આ ફરિયાદ પરથી મુળુ લાખાભાઈ ગોરીયા, જીગર મુળુ ગોરીયા તથા ભરત મુળુ ગોરીયા સામે ગુનો નોંધ્યો છે તથા આગળની તપાસ કલ્યાણપુરના પી.આઈ. આર.એન. હાથલીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.