સસ્તા પામ-સોયા ઓઈલમાં એસેન્સ ભેળવીને કિંમતી ખાદ્યતેલ બનાવવાનાં કૃત્યનો પર્દાફાશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગોંડલ : નકલી ઘી, દૂધ, પનીર બાદ હવે ગોંડલ પંથકમાં ડુપ્લિકેટ ખાદ્યતેલ બનાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં કરવાનાં કારસ્તાનનો પર્દાફાશ થયો છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ અને એસઓજીની ટીમે ગોંડલ નજીક ભોજપરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી મુરલીધર પ્રોટીન્સ નામની ફેક્ટરી પર દરોડો પાડીને ભેળસેળયુક્ત ખાદ્યતેલ બનાવવાનું મોટું નેટવર્ક ઝડપી પાડયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મુરલીધર પ્રોટીન્સમાં નકલી તેલ બનાવવાનો ખેલ અત્યંત પદ્ધતિસર રીતે ચલાવવામાં આવી રહ્યો હતો. ફેક્ટરીના સંચાલકો જયદેવ પ્રભાતભાઈ ડાંગર (ઉ.૨૬, રહે.નવા બસ સ્ટેન્ડ પાછળ, મોટા દડવા) અને ગોંડલનો દિવ્યેશ નામનો શખ્સ છેલ્લા ઘણાં સમયથી બજારમાંથી ખુબ જ નીચા ભાવે પામ ઓઈલ અથવા સોયાબીન ઓઈલ મંગાવતા હતા. ત્યારબાદ આ સસ્તા ઓઈલમાં એક ખાસ પ્રકારનું કેમિકલ અથવા એસેન્સ ઉમેરવામાં આવતું હતું, જેથી તેની સુગંધ અને રંગ અસલી તેલ જેવા જ લાગે. આ પ્રક્રિયા દ્વારા તૈયાર થતા ભેળસેળયુક્ત માલને મગફળીનું તેલ, કપાસિયા તેલ અને સૂરજમુખી તેલ તરીકે ગ્રાહકોને પધરાવવામાં આવતો હતો અને રાજ્યભરમાં તેની સપ્લાય કરવામાં આવતી હતી.
એસઓજી ટીમે દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી અંદાજે ૩,૦૦૦ લિટર જેટલો શંકાસ્પદ અને ભેળસેળયુક્ત તેલનો જથ્થો જપ્ત કર્યો છે. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે સેમ્પલ લઈને ફૂડ લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આ ભેળસેળમાં વપરાતા પદાર્થોની ઝેરી અસરો અને પ્રમાણ સ્પષ્ટ થશે, જેના આધારે કાયદેસરની કડક કલમો હેઠળ ગુનો નોંધવામાં આવશે.
નકલી ખાદ્યતેલના નેટવર્કના મૂળ સુધી પહોંચવા કવાયત
નકલી ખાદ્યતેલ કૌભાંડમાં મોટા દડવાના જયદેવ ડાંગર અને ગોંડલના દિવ્યેશભાઈ નામના બે શખ્સો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસ દ્વારા એક ભાગીદારને હસ્તગત કરી સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસ હવે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા સક્રિય બની છે. આ કેસમાં કાચો માલ ક્યાંથી ખરીદવામાં આવતો હતો, આ નકલી તેલ રાજ્યમાં કયા-કયા સ્થળો અને વેપારીઓને મોકલવામાં આવતું હતું તેમજ આ કૌભાંડ કેટલા સમયથી ચાલી રહ્યું હતું તે તમામ બાબતો પરથી પડદો ઉંચકવા માટે પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી છે.




