Rajkot

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરાવવા સહિતની કવાયત

By GS Team
25 Aug 20262 mins read
TukuTouch Logo
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટર સાથે મેડિકલ ઓફિસરના ગેરવર્તનને પગલે રાજ્યના આરોગ્ય વિભાગે પગલાં ભર્યા છે. તાજેતરમાં નવા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. કમલ ડોડીયાએ ચાર્જ સંભાળતા જ, હોસ્પિટલની અંધાધૂંધી અને વિવાદો સુધારવા કાર્યવાહી શરૂ કરી છે. તેમણે OPD, ટ્રોમા સેન્ટર, અને વોર્ડ્સનું નિરીક્ષણ કરી અસામાજિક તત્વોને બહાર કાઢ્યા હતા. સુરક્ષા વ્યવસ્થા સુધારવા અને સ્ટાફને તાકીદ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરાવવા સહિતની કવાયત

રાજકોટ : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થોડા દિવસો પહેલા મહિલા રેસિડેન્ટ ડોક્ટર સાથે મેડિકલ ઓફિસરે કરેલા ગેરવર્તનની ગંભીર ઘટનાને આરોગ્ય વિભાગે ગંભીરતાથી લઈને તેમની બદલી કરી દેવાઈ હતી અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને પણ બદલી નાખવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રકરણ બાદ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી ચાલતી અંધાધૂંધી, વિવાદો અને મનઘડત વહીવટીમાં સુધારો લાવવાની સૂચના આપવામાં આવતા ગઈકાલે નવા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે ચાર્જ સંભાળતાની સાથે જ જરૂરી કાર્યવાહીનો ધમધમાટ ચાલુ થઈ ગયો છે.
દરરોજ ૩૦૦૦થી વધુ દર્દીઓ, ૫૦૦૦થી વધુ સગા-સંબંધીઓ અને ૧૫૦૦થી વધુ તબીબી સ્ટાફથી સતત ધમધમતી રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં વારંવાર વિવાદોમાં ફસાતી રહે છે. ઘણા વર્ષોથી પૂરતો તબીબી સ્ટાફ નથી, દવા-ઈંજેક્શનનો જથ્થો ખૂંટી પડે છે, તબીબ-દર્દીના સગા વચ્ચે ઘર્ષણ થાય છે, દારૂ-જુગાર જેવા અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે, આવારા તત્ત્વોનો અડિંગો જામે છે, ખાનગી એમ્બ્યૂલન્સનો ખડકલો જામેલો રહે છે, સિક્યુરિટી વ્યવસ્થામાં છીંડા હોય છે..વગેરે મુદા સમયાંતરે ઉઠતા રહે છે. પરિણામે હવે ગાંધીનગરથી સૂચના મળતા નવનિયુક્ત સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. કમલ ડોડીયાએ ગઈકાલે ચાર્જ લેતાની સાથે જ તબીબી અને વહીવટી અધિકારીઓ સાથે એક વિશેષ બેઠક યોજીને તમામ પ્રશ્નો-સમસ્યાઓની લેખિત યાદી તૈયાર કરવાની સૂચના આપી હતી અને જરૂરી સુધારા-વધારા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
આજે બીજા દિવસે સવારે સિવિલ હોસ્પિટલ સંકુલમાં તેમણે ઓપીડી, ટ્રોમા સેન્ટર, ઇમરજન્સી અને અન્ય વોર્ડ્સનું નિરીક્ષણ કરી સ્થિતિ અને સમસ્યાઓનો પ્રત્યક્ષ તાગ મેળવ્યો હતો. આ દરમિયાન પરિસરમાં વગર કારણે આંટાફેરા મારતા અસામાજિક તત્ત્વોને ખદેડી મૂકવામાં આવ્યા હતા અને સિક્યોરિટી સ્ટાફને કડક પેટ્રોલિંગની સૂચના અપાઈ હતી. આ સાથે રેસિડેન્ટ તબીબો, નર્સિંગ સ્ટાફ અને વર્ગ-૪ ના કર્મચારીઓને પણ જરૂરી તાકીદ કરી હતી.