Rajkot

પુત્રની પરિણીત પ્રેમિકા સહિતનાઓની ધમકીથી ત્રાસી જઇ વૃદ્ધાની આત્મહત્યા

By GS Team
16 Aug 20263 mins read
TukuTouch Logo
રાજકોટના મેટોડા જીઆઇડીસીમાં રસીલાબેન નામની વૃદ્ધાએ આપઘાત કર્યો હતો. તેમના પુત્ર મયુરે આપેલી ફરિયાદ મુજબ, નિકુ સાથેના પ્રેમસંબંધ અને જુગારની લતને કારણે નિકુને 20-25 હજાર દર મહિને આપતો હતો. નિકુ અને અન્ય 6 આરોપીઓએ રસીલાબેનને માનસિક ત્રાસ આપી, ધમકીઓ આપી, ખોટી ફરિયાદો કરી આપઘાત કરવા મજબૂર કર્યા હતા. પોલીસે 7 આરોપીઓની અટકાયત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પુત્રની પરિણીત પ્રેમિકા સહિતનાઓની ધમકીથી ત્રાસી જઇ વૃદ્ધાની આત્મહત્યા

રાજકોટ : મેટોડા જીઆઇડીસીમાં શ્રીનાથ રેસિડેન્સીમાં રહેતા રસીલાબેન નામના વૃદ્ધાને આપઘાતની ફરજ પાડવા અંગે મેટોડામાં રહેતી નીરૂબા ઉર્ફે નિકુ, તેના પતિ સંજય જાદવભાઇ વાજા, હેતલ પંકજભાઇ પટેલ, ઉકાભાઇ પુંજાભાઇ ઉનેવાલ, જસુબેન ઉકાભાઇ, સુધાબેન દીપકભાઇ પટેલ અને સંજય તરશીભાઇ વાઘેલા વિરુદ્ધ મેટોડા જીઆઇડીસી પોલીસમાં ફરિયાદ નોંધાતા તમામ આરોપીઓની અટકાયત કરાઇ હતી.
મૃતક રસિલાબેનના પુત્ર મયુર રસિકભાઇ મારૂ (ઉ.વ.૩૩)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, કટારીયા ચોકડી પાસે આવેલી કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. પિતા હડમતીયા બેડી ગામે રહે છે અને ખેતીની જમીનની દેખરેખ રાખે છે. મોટી બહેન જિંકલ મોવૈયા ગામે સાસરે છે. ચાર વર્ષ પહેલા ભાડાના મકાનમાં રહેતા હતા ત્યારે પાડોશમાં રહેતી નિકુ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. નિકુને જુગાર રમવાની ટેવ હોવાથી દર મહિને તેને રૂા.૨૦થી ૨૫ હજાર આપતો હતો. ચાર વર્ષ સુધી પૈસા આપ્યા હતા. ઘરેણા પણ કરાવી આપ્યા હતા. એકાદ વર્ષ પહેલા મકાન લેવા માટે સોસાયટીના વહીવટના પૈસામાંથી રૂા.૩.૫૦ લાખ આપી દર મહિને તેનું રૂા.૪૮૦૦ વ્યાજ સોસાયટીને ચુકવતો હતો.
એકાદ વર્ષ પહેલા નિકુ પાસે પૈસા માગતા તેણે પોતે કરાવી આપેલા ઘરેણા ગીરવે મૂકી લોન લેવાનું કહેતા ચાર લાખની ગોલ્ડ લોન લીધી હતી. ત્યારબાદ નિકુને દર મહિને પૈસા આપવાનું બંધ કરી દેતા તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવા લાગી હતી. એટલું જ નહીં પોતે આપેલા ઘરેણા પરત માગતી હતી. ચારેક મહિના પહેલા ઘરે આવી તેની માતા રસિલાબેનને ઘરેણા, મકાનના કાગળીયા અને કાર આપી દેવાનું કહીં ઘરની બહાર નીકળી જવા અન્યથા સારાવટ નહીં રહે તેવી ધમકી આપી હતી.
એટલું જ નહી નિકુ અને તેના પતિએ તેના વિરુદ્ધ ખોટી અરજીઓ કરી હતી. તેની માતા રસિલાબેનને જેમ ફાવે તેમ ગાળો ભાંડી માનસિક ત્રાસ આપતા હતા. જેને કારણે તે અઠવાડિયાથી ડીપ્રેશનમાં રહેતા હતા. આખરે ગઇ તા.૧૪ના રોજ તેની માતાએ ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. તે વખતે તેની માતા પાસેથી બે સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં આરોપીઓના ત્રાસને કારણે આ પગલું ભરી લીધાનું લખ્યું હતું. પીઆઇ એમ.જે.પરમારે ગુનો નોંધી સાતેય આરોપીઓની અટકાયત કરી હતી.

  • મૃતક વૃદ્ધા પાસેથી બે-બે સ્યુસાઇડ નોટ મળી આવી
    રાજકોટ : મૃતક રસિલાબેને સ્યુસાઇડ નોટ લખી કબાટના ડ્રોવરમાં મૂકી હતી. જેમાં લખ્યું હતું કે, મારા પુત્રને નિકુ અને સંજય ખુબ હેરાન કરે છે. એના ઘરમાં બધી વસ્તુ અમારી છે. ઘરેણાં મારા પુત્રએ કરાવી દીધા છતાં પોલીસ ફરિયાદ કરી અમને હેરાન કરે છે. અત્યારે ઉકાભાઇ, સંજય, જસુબેન સહિતના આરોપીઓ અમને ધમકી આપે છે કે તમને મેટોડામાં જીવવા નહીં દઇએ. હવે બીજો કોઇ રસ્તો નહીં મળતા આ પગલું ભરું છું. આ ઉપરાંત કપડામાંથી બીજી સ્યુસાઇડ નોટ પણ મળી હતી. તેમાં લખ્યું હતું કે, નિકુને અમે ૨૫થી ૩૦ લાખ આપ્યા છે. આમ છતાં ઘરે આવી ધમકીઓ આપે છે. આ પૈસા ન આપે ત્યાં સુધી અગ્નિ સંસ્કાર નહીં કરતા.