Rajkot

રાજકોટમાં વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી રૂા.55 લાખ પડાવ્યા

By GS Team
27 Aug 20263 mins read
TukuTouch Logo
રાજકોટના પંચનાથ પ્લોટમાં રહેતા નિવૃત્ત દંપતી મિતાબેન અને ભુપતરાય ભાયાણીને 'ડિજિટલ અરેસ્ટ'ની ધમકી આપી સાયબર ગઠિયાઓએ ₹55 લાખ પડાવી લીધા. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપી, 18 ઓગસ્ટે તેમને ફોન આવ્યો હતો. કમ્બોડિયાની ગેંગની સંડોવણીની શક્યતા છે, જેમાં કોલકાત્તાના બેંક ખાતામાં રકમ જમા થઈ હતી. સાયબર ક્રાઈમ પોલીસે વધુ ₹41 લાખ ટ્રાન્સફર થતાં અટકાવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટમાં વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી રૂા.55 લાખ પડાવ્યા

રાજકોટ : શહેરના પંચનાથ પ્લોટ-૫માં ગૌતમ બુદ્ધ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા અને નિવૃત જીવન વ્યતિત કરતા મિતાબેન ભાયાણી (ઉ.વ.૭૫) અને તેમના પતિ ભુપતરાયને ડિજિટલ અરેસ્ટ કરી સાયબર ગઠિયાઓએ રૂા.૫૫ લાખ પડાવી લીધા હતા. મોટાભાગના ડિજિટલ અરેસ્ટમાં વિદેશથી ઓપરેટ કરતી ગેંગની સંડોવણી ખૂલે છે. આ કેસમાં કમ્બોડિયાની ગેંગની સંડોવણીની શક્યતા સાયબર ક્રાઇમ પોલીસે દર્શાવી છે.
ગઇ તા.૧૮ ઓગસ્ટના રોજ મિતાબેનને એક કોલ આવ્યો હતો. કોલરે પોતાની ઓળખાણ મુંબઇ ક્રાઇમ બ્રાંચના અધિકારી તરીકે આપી હતી. એટલું જ નહીં મિતાબેનનું નામ બોલી તેમને કહ્યું કે, તમારા નામે રહેલો અન્ય મોબાઇલ નંબર ગંભીર ગુનામાં સંડોવાયેલો છે. જેથી ગભરાઇ ગયેલા મિતાબેને મે કોઇપણ પ્રકારનું ખોટું કામ કર્યું નથી તેમ કહ્યું હતું.
તે સાથે જ કોલરે પરિવારમાં કોણ-કોણ રહે છે તેની માહિતી મેળવી હતી. ત્યારબાદ મિતાબેનને પતિ સાથે વાત કરાવવાનું કહ્યું હતું. વાતચીત કર્યા બાદ તેમના પતિનો મોબાઇલ નંબર લીધો હતો. આ પછી પોતાના સિનીયર અધિકારી કોલ કરશે તેમ કહીં ફોન કાપી નાંખ્યો હતો.
તે જ દિવસે સાંજે તેમના પતિના મોબાઇલ નંબર ઉપર વોટ્સએપ કોલ આવ્યો હતો. કોલરે પોતાની ઓળખાણ મુંબઇ ક્રાઇમ બ્રાંચના એસપી સંજયસિંહ તરીકે આપી કહ્યું કે, તમારા આધારકાર્ડ અને અન્ય મોબાઇલ નંબરોનો સાયબર આતંકવાદ જેવી ગંભીર પ્રવૃત્તિમાં ઉપયોગ થયો છે. જેથી તમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે.
સાથોસાથ મુંબઇ લઇ જઇ શારીરિક રીતે ધરપકડ કરવાની અને ગંભીર ગુનામાં ફસાવવાની બીક બતાવી હતી. એમ પણ કહ્યું કે, પોતે કહે તેમ કરશે તો જ આ ગુનામાંથી નીકળી શકશે. આ પછી મિતાબેનને વોટ્સએપ પર આરબીઆઇના સહી-સિક્કા સાથેના બે દસ્તાવેજો મોકલ્યા હતા. જેના આધારે તેમને વિશ્વાસમાં લઇ એક બેંક એકાઉન્ટ નંબર આપી તેમાં રૂા.૫૫.૫૦ લાખ જમા કરાવવાનું કહ્યું હતું.
ગભરાઇ ગયેલા મિતાબેન અને તેમના પતિએ રકમ આપી દેવાનું નક્કી કર્યું હતું. ગઇ તા.૨૪ના રોજ મિતાબેનના બેંક ઓફ ઇન્ડિયામાં આવેલા ખાતામાંથી રૂા.૫૫.૫૦ લાખ આરટીજીએસથી ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ રીતે સફળ થઇ ગયાનું જણાતા સાયબર ગઠિયાઓએ તમામ ફિક્સ્ડ ડિપોઝિટ તોડી તેની રકમ પણ બેંક ખાતામાં રાખવાની સૂચના આપી હતી. જેને કારણે મિતાબેનને શંકા જતાં તા.૨૫મી ઓગસ્ટે મુંબઇ રહેતી પુત્રી ફાલ્ગુની સ્નેહલ શાહને જાણ કરી હતી.
પરિસ્થિતિ પામી ગયેલા ફાલ્ગુનીબેને તત્કાળ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસના અધિકારીઓનો સંપર્ક કરતા તેમણે મિતાબેનને આશ્વાસન આપી વધુ રૂા.૪૧ લાખ ટ્રાન્સફર કરતા અટકાવ્યા હતા. નિયમ મુજબ સાયબર ક્રાઇમના હેલ્પલાઇન નંબર ઉપર ફરિયાદ બાદ ગઇકાલે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

  • મુંબઇ ક્રાઇમ બ્રાંચ આવ્યાનું સમજી દંપતીએ દરવાજો પણ ન ખોલ્યો
    રાજકોટ : સાયબર ગઠિયાઓએ રૂા.૫૫.૫૦ લાખ પડાવ્યા બાદ વધુ રૂા.૪૧ લાખની માગણી કરી હતી. ડરી ગયેલા મિતાબેન અને તેમના પતિએ આ રકમ પણ આપી દેવાનું નક્કી કરી એફડી વગેરે તોડાવી રકમની વ્યવસ્થા કરી રાખી હતી. સદ્નસીબે સાયબર ક્રાઇમ પોલીસને જાણ થતાં પીઆઇ એસ.ડી. ફુલતરીયા તેમના ઘરે ગયા હતા. પરંતુ ડરી ગયેલા મિતાબેનને કોલ કરનારા એટલે કે મુંબઇ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ આવ્યાનું જણાતા દરવાજો પણ ખોલતા ન હતા.
    મહામહેનતે તેમને સાયબર ક્રાઇમ પોલીસે વિશ્વાસમાં લઇ દરવાજો ખોલાવી વહેલી સવાર સુધી કાઉન્સેલિંગ કર્યું હતું. જેને કારણે વધુ રૂા.૪૧ લાખ ટ્રાન્સફર થતાં અટક્યા હતા. જો આ કિસ્સામાં બેંકના અધિકારીઓએ સતર્કતા દાખવી પૂછપરછ કરી હોત તો આ ગુનો બનતા અટકત તેમ સાયબર ક્રાઇમ પોલીસનું માનવું છે. ઘણાં કિસ્સામાં બેંક અધિકારીઓની સતર્કતાથી રકમ ટ્રાન્સફર થતાં અટકી છે. પરંતુ કમનસીબે આ કિસ્સામાં તેવું થયું ન હતું.
  • કોલકત્તાના બેંક ખાતામાં રૂા.૫૫ લાખ જમા થયા હતા
    રાજકોટ : ડિજિટલ અરેસ્ટના મોટાભાગના કેસોમાં કરન્ટ એકાઉન્ટનો ઉપયોગ થાય છે. આ સ્થિતિમાં પોલીસ કરન્ટ એકાઉન્ટ ખોલાવતી વખતે હવે પોલીસે વેરિફિકેશન ફરજિયાત બનાવાય તે બાબત ઉપર ભાર મુક્યો છે. મિતાબેન અને તેમના પતિએ ટ્રાન્સફર કરેલા રૂા.૫૫.૫૦ લાખ કોલકત્તાના બેંક ખાતામાં જમા થયા હતા. બીજા ખાતા નંબર પણ આપવામાં આવ્યા હતા. જે બીજા શહેરોના છે. રૂા.૫૫.૫૦ લાખમાંથી માત્ર રૂા.૬થી ૭ લાખ ફ્રીઝ થઇ શક્યાનું સાયબર ક્રાઇમ પોલીસે જણાવ્યું હતું. મિતાબેન અને તેમના પતિ અગાઉ બિઝનેસ કરતા હતા. હાલ બંને નિવૃત્ત જીવન વ્યતિત કરે છે.