Rajkot

બેન્ક મેનેજરે ચેતવ્યા છતાં મહિલા ડોક્ટર ડિજિટલ એરેસ્ટનો શિકાર બન્યાં

By GS Team
2 Oct 20262 mins read
TukuTouch Logo
રાજકોટમાં ઝનાના હોસ્પિટલના નિવૃત્ત ડો. દમયંતીબેન ગણાત્રા (ઉ.વ. 82) ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા છે. મુંબઈ પોલીસના નામે વોટ્સએપ કોલ કરી, મની લોન્ડ્રિંગ કેસમાં સંડોવણી જણાવી, તેમની પાસેથી રૂ. 58.50 લાખ પડાવી લેવાયા છે. સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી, વધુ રૂ. 21 લાખ ટ્રાન્સફર થાય તે પહેલા તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બેન્ક મેનેજરે ચેતવ્યા છતાં મહિલા ડોક્ટર ડિજિટલ એરેસ્ટનો શિકાર બન્યાં

રાજકોટ : જૂના જાગનાથ શેરી નં. ૧માં રાજદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા અને ઝનાના હોસ્પિટલમાં ફરજ બજાવી નિવૃત થયેલા ડો. દમયંતીબેન વિઠ્ઠલભાઈ ગણાત્રા (ઉ.વ.૮૨)ને ડિજિટલ એરેસ્ટ કરી રૂા. ૫૮.૫૦ લાખ પડાવાયાના કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
ફરિયાદમાં ડો. દમયંતીબેને જણાવ્યું છે કે ગઇ તા. ૨૧ના સવારે સંજયસિંહ નામથી વોટ્સએપ કોલ આવ્યો હતો. જેણે પોતાની ઓળખ મુંબઇના કોલાબા પોલીસ મથકના પીએસઆઈ તરીકે આપી કહ્યું કે મુંબઇમાં ઇન્ડિયા કો-ઓપરેટિવ બેન્કના મેનેજર હિતેશ મહેતા મની લોન્ડ્રીંગ સાથે સંકળાયેલા હોવાનું જણાતા તેને ત્યાં દરોડામાં તમારા નામનું આધાર કાર્ડ અને બેન્કનું એટીએમ મળ્યું છે.
આ રીતે તમારું નામ પણ મની લોન્ડ્રીંગના કેસમાં છે. આ ગુનામાં તમારી ધરપકડ કરવામાં આવશે, જેલમાં પૂરી દેવામાં આવશે. આ કેસમાં અગાઉ ૧૫ થી ૧૮ વ્યક્તિઓને પકડવામાં આવ્યા છે. બાદમાં ગઇ તા. ૨૧થી લઇ તા. ૩૦ સુધી વીડિયો કોલ કરવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં પોતાના સિનિયર અધિકારીની અનિલ સર તરીકે ઓળખ આપી તેની સાથે પણ વાત કરાવી હતી, જેણે પોલીસ જેવો યુનિફોર્મ પહેર્યો હતો. તેણે કહ્યું કે તમે સિનિયર સિટીઝન છો એટલે હાઉસ એરેસ્ટ કરવામાં આવે છે. આ બાબતે કોઇ વ્યક્તિને કે પરિવારના સભ્યોને જણાવવાનું નથી. સંજયસિંહ કહે તેમ જ તમારે કરવાનું છે.
આ પછી ગઇ તા. ૨૫ના રોજ સંજયસિંહ દ્વારા રૂા. ૨૧.૫૦ લાખ જમા કરાવવાનું કહ્યું હતું, જેથી બેન્ક ખાતામાંથી આ રકમ સંજયસિંહે જણાવેલા ખાતામાં જમા કરવા જતાં બેન્ક મેનેજરે જણાવ્યું કે આ લોકો ફ્રોડ છે, તે નાણા ટ્રાન્સફર નહીં કરી આપે. આથી, ઘરે પરત આવી સંજયસિંહ સાથે વાત કરતાં તેણે તમામ રકમ એસબીઆઈના ખાતામાં ભેગી કરવાનું કહ્યું હતું, જેથી તેમ કર્યા બાદ સંજયસિંહના કહેવાથી રૂા. ૫૮.૫૦ લાખ ટ્રાન્સફર કર્યા હતા. એ રકમ બે દિવસમાં મળી જશે તેમ સંજયસિંહે કહ્યું હતું પરંતુ રકમ મળી ન હતી. વધુ રૂા. ૨૧ લાખ ટ્રાન્સફર કરે તે પહેલા સાયબર ક્રાઇમ પોલીસને માહિતી મળી ગઇ હતી.