Rajkot

સાવરકુંડલામાં 9 ટકા વળતરની લાલચ આપીને રૂા.10 લાખનું સાયબર ચીટિંગ

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
સાવરકુંડલા : ટૂંકા ગાળામાં ઊંચું વળતર મેળવવાની લાલચમાં ઓનલાઈન એપ્લિકેશનમાં રોકાણ કરનારા લોકો સાથે કથિત છેતરપિંડી થયાનો બનાવ સાવરકુંડલામાં સામે આવ્યો છે. 'એસડી પે અને અપના પે' નામની એપ્લિકેશન મારફતે દર મહિને ૯ ટકા રિટર્ન તથા કેશબેક આપવાની લાલચ આપી લોકો પાસેથી લાખો રૂપિયા એકત્ર કરાયા બાદ એપ્લિકેશનની સેવા બંધ કરી દેવામાં આવી હોવાના આક્ષેપ સાથે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાવરકુંડલામાં 9 ટકા વળતરની લાલચ આપીને રૂા.10 લાખનું સાયબર ચીટિંગ

સાવરકુંડલા : ટૂંકા ગાળામાં ઊંચું વળતર મેળવવાની લાલચમાં ઓનલાઈન એપ્લિકેશનમાં રોકાણ કરનારા લોકો સાથે કથિત છેતરપિંડી થયાનો બનાવ સાવરકુંડલામાં સામે આવ્યો છે. 'એસડી પે અને અપના પે' નામની એપ્લિકેશન મારફતે દર મહિને ૯ ટકા રિટર્ન તથા કેશબેક આપવાની લાલચ આપી લોકો પાસેથી લાખો રૂપિયા એકત્ર કરાયા બાદ એપ્લિકેશનની સેવા બંધ કરી દેવામાં આવી હોવાના આક્ષેપ સાથે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદી વનિતાબેન મનુભાઈ મારૂ (રહે. સાવરકુંડલા)ની ફરિયાદ મુજબ, આરોપીઓ દ્વારા વિસ્તારમાં 'એસડી પે' નામની ઓનલાઈન એપ્લિકેશન મારફતે આકર્ષક વળતરની યોજના રજૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં કેટલાક રોકાણકારોને વળતર ચૂકવી વિશ્વાસ સંપાદન કરવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્યારબાદ વધુ લોકો પાસેથી રોકાણ મેળવવામાં આવ્યું અને આશરે રૂા.૧૦ લાખ જેટલી રકમ એકત્ર કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બાદમાં અચાનક એપ્લિકેશનની સેવાઓ બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ એપ્લિકેશનનું નામ બદલીને 'અપના-પે' કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ છે. જો કે, રોકાણકારોને તેમની રકમ પરત ન મળતાં સમગ્ર મામલો શંકાસ્પદ બન્યો હતો અને અંતે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
આ કેસમાં ધવલ પટેલ (એસડી પે અને અપના પે એપ્લિકેશનના માલિક), આશિષભાઈ ગેડીયા, ભાવેશભાઈ ચૌહાણ ઉપરાંત એપ્લિકેશનના પ્રમોટરો, ડિરેક્ટરો, સંચાલકો, એજન્ટો તથા અન્ય અજાણ્યા સહયોગીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. સાયબર ક્રાઈમ પોલીસે પ્રાઇઝ ચિટ્સ સંબંધિત કાયદાની કલમ-૩ સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે એપ્લિકેશનનું સંચાલન કોણ કરતું હતું, નાણાં કયા ખાતાઓમાં જમા થયા, કેટલા લોકો પાસેથી કેટલું રોકાણ લેવામાં આવ્યું અને રકમ ક્યાં ટ્રાન્સફર થઈ તે સહિતના મુદ્દે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. ૯ ટકા માસિક વળતરની લાલચ પાછળનું નેટવર્ક કેટલું મોટું છે અને કેટલા રોકાણકારો ભોગ બન્યા છે તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.