અપૂરતા વરસાદથી જળસ્ત્રોત સૂકાતાં મગરોની માઠી, ભાણવડમાં 9 રેસ્ક્યૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : સૌરાષ્ટ્રમાં ચોમાસું નબળું રહેતાં કુદરતી જળસ્ત્રોતોમાં પાણીનો જથ્થો ઘટી ગયો છે. ખાસ કરીને બરડાં ડુંગરને સાંકળતા પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જંગલ અને કુદરતી વિસ્તારોમાં રહેતા સરીસૃપો હવે પાણી અને ખોરાકની શોધમાં માનવ વસાહતો તરફ ધસી રહ્યા હોવાની સ્થિતિ સામે આવી છે. ખાસ કરીને મગર જેવા પાણી આધારિત જીવ માટે પાણીની અછત મુશ્કેલીરૂપ બની છે. માત્ર ભાણવડ પંથકમાં સપ્ટેમ્બર મહિના દરમિયાન એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમે માનવ વસાહતો આસપાસથી નવ મગર સહિત ૧૩૬ સરીસૃપોનું રેસ્ક્યુ કર્યું હતું.
સપ્ટેમ્બરમાં કરાયેલા રેસ્ક્યુમાં ૯ મગરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૨૪ અજગર અને ૪૪ નાગ મળી મોટી સંખ્યામાં સરીસૃપો માનવ વસાહત નજીકથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. એટલે કે માત્ર આ ત્રણ પ્રજાતિના જ ૭૭ જીવ સલામત રીતે બચાવવામાં આવ્યા હતા. રેસ્ક્યુ થયેલા અન્ય સરીસૃપોમાં વરુદંતી, ઘઉંલો, દરઘોઈ, બિલાડી સાપ અને શ્યામશિર સાપનો એક-એક સમાવેશ થાય છે.
એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ અશોક ભટ્ટના જણાવ્યા મુજબ, મગર માટે પાણી સૌથી મહત્ત્વનું છે. કુદરતી તળાવો, નાના જળાશયો અને અન્ય જળસ્ત્રોતોમાં પાણી ઓછું થતાં મગરો પાણી-ખોરાકની શોધમાં બહાર નીકળે છે. આ દરમિયાન તેઓ ગામડાં, ખેતરો અને માનવ વસાહત નજીક પહોંચી જાય છે અને લોકોમાં ભયની સ્થિતિ સર્જાય છે. આવા સંજોગોમાં મગરને મારવાને બદલે તેનું સલામત રીતે રેસ્ક્યુ કરી તેને તેના કુદરતી રહેઠાણમાં પરત છોડવું જરૂરી બને છે. રેસ્ક્યુ કરાયેલા તમામ સરીસૃપોને વન વિભાગના માર્ગદર્શન હેઠળ બરડાના કુદરતી આવાસમાં સલામત રીતે મુક્ત કરવામાં આવ્યા છે.
- સૌરાષ્ટ્રમાં 1,500થી વધુ મગર હોવાનો અંદાજ
સૌરાષ્ટ્રના હિરણ, શિંગોડા, શેત્રુંજી ડેમ અને અન્ય જળાશયો મગરના રહેઠાણ છે. જ્યાં મગરની અંદાજિત વસ્તી ૧,૫૦૦થી ૧,૮૦૦ છે, હોવાનું તાજેતરનાં એક સંશોધનમાં જણાયું છે. આમ પણ સૌરાષ્ટ્રમાં માર્શ મગરની હાજરી ગીર સહિત વિવિધ નદી-જળાશય વિસ્તારોમાં નોંધાયેલી છે. ગીરને મગરની નોંધપાત્ર વસ્તી ધરાવતા વિસ્તાર તરીકે વન વિભાગે દર્શાવ્યો છે. એ જ રીતે અમરેલીનાં ખોડિયાર ડેમ અને પોરબંદરનાં બરડા ડુંગરના જળાશયોમાં મગરોની સંખ્યા નોંધપાત્ર છે.




