Rajkot

2 વર્ષ પહેલા જ નિર્મિત ગોંડલ ચોકડીના ઓવરબ્રિજમાં તિરાડ-ગાબડાં, નબળી ગુણવત્તાની પોલ ખુલી

By GS Team
14 Nov 20262 mins read
TukuTouch Logo
રાજકોટમાં ગોંડલ ચોકડી ઓવરબ્રિજ લોકાર્પણના માત્ર 2 વર્ષમાં જ જર્જરિત થયો છે. બ્રિજના સાંધામાં મોટી તિરાડો પડતા અને એક ભાગ તૂટી જતા તંત્રની કામગીરી સામે રોષ છે. કરોડોના ખર્ચે બનેલા આ બ્રિજમાં હલકી ગુણવત્તાના મટિરિયલના ઉપયોગ અને ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. NHAI દ્વારા સમારકામ શરૂ કરાયું છે, પરંતુ જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ ઉઠી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

2 વર્ષ પહેલા જ નિર્મિત ગોંડલ ચોકડીના ઓવરબ્રિજમાં તિરાડ-ગાબડાં, નબળી ગુણવત્તાની પોલ ખુલી

Rajkot dilapidated bridge : વિકાસના મોટા-મોટા દાવાઓ વચ્ચે રાજકોટ શહેરમાં પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનું કેવી રીતે આંધણ થઈ રહ્યું છે તેનો જીવતો-જાગતો પુરાવો ગોંડલ ચોકડી ખાતે સામે આવ્યો છે. વર્ષોની લાંબી પ્રતીક્ષા અને કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલો ગોંડલ ચોકડી ઓવરબ્રિજ લોકાર્પણના માત્ર બે જ વર્ષના ટૂંકા ગાળામાં નબળો પડી ગયો છે. બ્રિજના સાંધામાં મોટી તિરાડો પડી જતા અને એક સાઈડનો ભાગ તૂટી જતા તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ સમારકામના નામે બ્રિજ પર બ્રેકર ચલાવીને તૂટેલો ભાગ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

હલકી ગુણવત્તાના મટિરિયલ અને ભ્રષ્ટાચારના આક્ષેપ

સામાન્ય રીતે કોઈ પણ ઓવરબ્રિજનું નિર્માણ આગામી દાયકાઓ સુધી ટકી રહે તેવા આયોજન સાથે કરવામાં આવતું હોય છે. પરંતુ, ગોંડલ ચોકડી ઓવરબ્રિજ માત્ર 24 મહિનામાં જ જર્જરિત હાલતમાં મુકાઈ ગયો છે. જેને પગલે સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, બ્રિજના નિર્માણ કાર્યમાં અત્યંત નબળી અને હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવ્યું છે, જેના કારણે આટલા ટૂંકા સમયમાં બ્રિજમાં ગાબડાં અને તિરાડો પડવા લાગ્યા છે.

ફિટનેસ સર્ટિફિકેટ પર ઉઠ્યા ગંભીર સવાલો

બ્રિજના નિર્માણ સમયે જ તેની મજબૂતાઈ અને ફિટનેસને લઈને સ્થાનિક સ્તરે અનેક રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં, નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI)ના જવાબદાર અધિકારીઓ દ્વારા આ રજૂઆતોને ધ્યાનમાં લેવાને બદલે આંખ આડા કાન કરવામાં આવ્યા હતા અને બ્રિજને ફિટનેસ સર્ટિફિકેટ આપી દેવાયું હતું. આજે જ્યારે બ્રિજની હાલત ખસ્તા થઈ છે ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે, જો બ્રિજનો તૂટેલો કાટમાળ નીચે પસાર થતા વાહનચાલકો કે રાહદારીઓ પર પડ્યો હોત અને કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો તેની જવાબદારી કોણ લેત?

હજારો મુસાફરોની સુરક્ષા જોખમમાં

રાજકોટની ગોંડલ ચોકડી એ સૌરાષ્ટ્રનો સૌથી વ્યસ્ત ટ્રાફિક પોઈન્ટ ગણાય છે. અમદાવાદ તરફથી આવતો ભારે ટ્રાફિક તેમજ રાજકોટથી જૂનાગઢ, જેતપુર અને યાત્રાધામ સોમનાથ તરફ જતા હજારો નાના-મોટા વાહનો દરરોજ આ ઓવરબ્રિજ પરથી પસાર થાય છે. આવા અત્યંત મહત્ત્વપૂર્ણ અને વ્યસ્ત માર્ગ પર બનેલા બ્રિજની આવી દયનીય હાલત મુસાફરોની સુરક્ષા સામે મોટું જોખમ ઊભું કરી રહી છે.

જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ

હાલ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તિરાડો પૂરવા અને સમારકામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ લોકો માત્ર થીંગડાં મારવાની કામગીરીથી સંતુષ્ટ નથી. રોષે ભરાયેલા નાગરિકોની માગ છે કે, કરોડો રૂપિયાના ખર્ચે બનેલા બ્રિજમાંથી બે વર્ષમાં એક કાંકરી પણ ખરવી ન જોઈએ, તેને બદલે આખો ભાગ તૂટી રહ્યો છે. આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરીને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને બેદરકારી દાખવનાર NHAI ના અધિકારીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી પ્રબળ લોકમાગ ઉઠી છે.