આરોગ્ય કર્મચારી હોવાનું કહીને દંપતીને સ્પ્રેથી બેભાન કરી સોનાનો હાર તફડાવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ધોરાજી : ધોરાજી તાલુકાના લાઠ ગામે વૃદ્ધ દંપતીને આરોગ્ય વિભાગના કર્મચારી હોવાની ખોટી ઓળખ આપીને બે શખ્સો ઘરમાં પ્રવેશ્યા હતા. બાદમાં વાતો કરતા કરતા ઝેરી પ્રવાહીનો સ્પ્રે છાંટી દંપતીને બેભાન કરી સોનાની માળા લઈ ફરાર થઈ ગયા હતા. જો કે, રાજકોટ ગ્રામ્ય એલસીબીએ બન્ને શખ્સોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
મળતી વિગતો મુજબ, લાઠ ગામે રહેતા વૃદ્ધ દંપતીના ઘરે બે શખ્સો આરોગ્ય વિભાગના કર્મચારી તરીકે ઓળખ આપી પહોંચ્યા હતા. બંનેએ વૃદ્ધ દંપતીના ચહેરા પર બેભાન કરી દે તેવા પ્રવાહીનો છંટકાવ કર્યો હતો. ત્યારબાદ વૃદ્ધાના ગળામાં પહેરેલી તુલસીની સોનાથી મઢેલી કવરવાળી આશરે ૨૦ ગ્રામની માળા કાઢી લીધી હતી. આરોપીઓએ માળામાંથી સોનાના કવર અલગ કરી તેને કેમિકલયુક્ત પ્રવાહીમાં નાખી સોનું ઓગાળી લીધું હતું. આશરે રૂા.૯૦ હજારની કિંમતનું સોનું લઈ બંને શખ્સો ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે પાટણવાવ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
આ દરમિયાન રાજકોટ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટેકનિકલ સર્વેલન્સ તથા ખાનગી બાતમીના આધારે આરોપીઓ ચીચોડ ગામના પાટિયા પાસે આવવાના હોવાની માહિતી મળતા વોચ ગોઠવી બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં અંકલેશ વિદયાનંદ પોદરા મૂળ બિહારનો અને હાલ જુનાગઢમાં રહેતો હોવાનું તથા સાજનકુમાર રામચંદ્ર ભગત જયસ્વાલ મૂળ બિહારનો અને હાલ જુનાગઢમાં રહેતો હોવાનું પોલીસે જણાવ્યું છે. અંકલેશ સામે અગાઉ ભેંસાણ પોલીસ મથકે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયેલો હોવાનું પણ બહાર આવ્યું છે.
- કેમિકલ, પાવડર, સોનાનો ઢાળિયો સહિતનો મુદ્દામાલ
પોલીસે આરોપી બન્ને શખ્સો પાસેથી બે મોબાઇલ, મોટરસાઇકલ, કેમિકલની બોટલો, સોના-ચાંદીની ધાતુ સાફ કરવા માટેનું પ્રવાહી અને પાવડર, નાના બાઉલ, વજનકાંટો, બ્રશ, અન્ય સામગ્રી તથા રૂા.૯૯,૨૯૮નો સોનાનો ઢાળિયો સહિત કુલ રૂા.૧,૪૦,૮૬૮નો મુદ્દામાલ કબજે કર્યો છે. બંને આરોપીઓને આગળની કાર્યવાહી માટે પાટણવાવ પોલીસને સોંપવામાં આવ્યા છે.




