Rajkot

ફાયરિંગ કેસમાં પૂર્વ ધારાસભ્યના ફરાર પૌત્રને પકડવા માટે રીબડામાં કોમ્બિંગ

By GS Team
6 Oct 20262 mins read
TukuTouch Logo
ગોંડલના સડક પીપળીયા ગામે પૂર્વ ધારાસભ્યના પૌત્ર ધુ્રવરાજસિંહ જાડેજાએ પરિવાર પર જીવલેણ હુમલો કરી હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું. આ ઘટના બાદ રૂરલ પોલીસે એક્શન લીધા છે. 70થી વધુ પોલીસ જવાનો દ્વારા રીબડા અને સડક પીપળીયામાં દરોડા પાડી મુખ્ય આરોપી ધુ્રવરાજસિંહની સઘન શોધખોળ ચાલી રહી છે. 5 આરોપીઓની ધરપકડ થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફાયરિંગ કેસમાં પૂર્વ ધારાસભ્યના ફરાર પૌત્રને પકડવા માટે રીબડામાં કોમ્બિંગ

ગોંડલ : ગોંડલના સડક પીપળીયા ગામે પરિવારના સભ્યો પર જીવલેણ હુમલો કરી પૂર્વ ધારાસભ્યના પૌત્ર દ્વારા હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવાની ઘટનાને અનુલક્ષીને રૂરલ પોલીસ એક્શન મોડમાં આવી છે. ગત મોડી રાત્રે રીબડા પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. એલસીબી, એસઓજી અને ગોંડલ ડિવિઝનના ૭૦થી વધુ પોલીસ જવાનો દ્વારા અનેક સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે વાડી વિસ્તાર અને હાઇ-વે પર સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરી ફરાર આરોપીની શોધખોળ આદરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ રવિવાર રાત્રે ગોંડલ તાલુકાના સડક પીપળીયા ગામની સીમમાં રહેતા એક પરિવારના સભ્યો પર ખેતરમાં બકરા ચરાવવાનો ખાર રાખી ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પૌત્ર તથા અનિરૂધ્ધસિંહ જાડેજાના ભત્રીજા ધુ્રવરાજસિંહ જાડેજા તથા તેના માણસો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ધુ્રવરાજસિંહ દ્વારા હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું, જેના કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ વ્યાપ્યો હતો. રૂરલ પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને રાખી તાત્કાલિક સગીર સહીત પાંચ શખ્સોની ધરપકડ કરી લીધી હતી, જયારે મુખ્ય આરોપી ધુ્રવરાજસિંહ ફરાર થઇ ગયો હતો.
ફરાર આરોપીને સત્વરે પકડી પાડવા ગોંડલ ડિવિઝનના ઇન્ચાર્જ ડીવાયએસપી શ્રીજીતા પટેલના નેતૃત્વ હેઠળ ગત રાત્રિના સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં એલસીબી, એસઓજી ગોંડલ ડિવિઝનના પોલીસની અલગ-અલગ સ્પેશિયલ ટીમો મળી ૭૦થી વધુ પોલીસ જવાનોને સાથે રાખી રીબડા અને સડક પીપળીયા વિસ્તારમાં આવેલા અનેક ઘરો, ખેતરો અને વાડી વિસ્તારોમાં સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ઓપરેશન દરમિયાન અનિરૂધ્ધસિંહ જાડેજાનાં નિવાસસ્થાન તથા વાડીમાં પણ પોલીસે કડક સુરક્ષા વચ્ચે દરોડા પાડી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી દરોડાઃ એસપી
એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, ફાયરિંગ અને હત્યાની કોશિશના ગુનામાં સગીર સહિત પાંચ શખ્સોને પકડી લેવામાં આવ્યા છે, જયારે ફરાર મુખ્ય સૂત્રધાર ધુ્રવરાજસિંહ જાડેજાને સત્વરે પકડી લેવા ગત રાત્રિના રીબડામાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી દરોડાનો દોર યથાવત રાખવામાં આવશે.