ચાંદીપુરાએ ચિંતા વધારીઃ જામનગરમાં બે બાળકોના મોત, ગોંડલ તા.માં બાળકીને ચેપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ: સૌરાષ્ટ્રમાં ભાવનગર,જામનગર,ગીર સોમનાથ બાદ રાજકોટ જિલ્લામાં અસાધ્ય અને જીવલેણ બનતો ચાંદીપુરા વાયરસ પ્રસર્યો છે. જામનગરમાં આ વાયરસે તરખાટ મચાવ્યો છે અને આજે ચાંદીપુરાના લક્ષણો ધરાવતા વધુ બે બાળકોના મોત નીપજ્યા છે અને આ સાથે મૃત્યુ આંક ૩ ઉપર પહોંચ્યો છે જ્યારે રાજકોટ નજીક ગોંડલ તાલુકાના પાંચીયાવદર ગામની ૩ માસની બાળકીને ચાંદીપુરા પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે અને રાજકોટમાં કૂલ છ શંકાસ્પદ કેસો નોંધાયા છે જેમાંથી એકનો રિપોર્ટ કન્ફર્મ આવ્યો છે.
જામનગરની સરકારી હોસ્પિટલમાં દ્વારકા અને કલ્યાણપુર તાલુકાના બે બાળકોના મૃત્યુ નીપજતા ભય ફેલાયો છે. જી.જી.હોસ્પિટલમાં કૂલ ૬ બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા. અગાઉ એક બાળકનું મોત નીપજ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે આરોગ્ય વિભાગના દાવા મૂજબ ઉપરોક્ત બન્ને બાળકોના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે, જામનગર તેમજ રાજકોટમાં પણ ૪ બાળકોના રિપોર્ટ નેગેટીવ છે તો પછી બાળકોની ગંભીર સ્થિતિ સર્જતો રોગચાળો ક્યો છે તેનો ફોડ તંત્રે પાડયો નથી.
કલેક્ટર દ્વારા કેસ પોઝીટીવ આવતા પાંચીવાદર ગામમાં સઘન સર્વેલન્સ હાથ ધરાયું હતું. જોકે જર્જરિત,ગંદા આવાસોમાં રહેતા લોકોનું વ્યાપક સર્વેક્ષણ કરવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે ચાંદીપુરા વાયરસ મહારાષ્ટ્રમાં ૧૯૫૬માં શોધાયેલ છે, આ વાયરસ વધુ જીવલેણ હોવાથી તે ડરનું કારણ છે. સામાન્ય માખીથી નાના કદની માખીથી ફેલાય છે. વિશ્વમાં મોટાભાગે તે ગુજરાત,મહારાષ્ટ્રમાં ફેલાયેલ છે, ઉપરાંત શ્રીલંકા, પશ્ચિમ આફ્રિકામાં એન્ટીબોડી મળ્યા હોય તેનો ચેપ ત્યાં પણ પ્રસર્યાનું મનાય છે.
- સામાન્ય માખીથી નાની પણ
અતિ ખતરનાક છે સેન્ડફ્લાય
રાજકોટ: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ ફેલાવતી અને સામાન્ય માખી વચ્ચે તફાવત.
-સામાન્ય માખી કાળારંગની અને કદમાં ૫થી ૮ મિ.મિ.જ્યારે સેન્ડફ્લાય માત્ર ૧.૫થી ૩.૫ મિ.મિ.ની હોય છે.
-સેન્ડફ્લાય વધુ ઉડી શકતી નથી પણ રાત્રિના તે માણસો-પ્રાણીઓનું લોહી પીવા માટે કરડે છે.સામાન્ય માખી દિવસના ઉડતી નજરે પડે છે પણ તે કરડતી નથી.
-સામાન્ય માખી તેની સાથે બેક્ટેરિયા વહન કરી ખોરાક પર બેસે તેને દુષિત કરે છે જ્યારે સેન્ડફ્લાય ચાંદીપુરા, કાલાજહર, સેન્ડફ્લાય ફીવર જેવા ગંભીર અસાધ્ય રોગ ફેલાવે છે.
-સેન્ડફ્લાય જર્જરિત દિવાલોના છિદ્રમાં પેદા થાય છે, સામાન્ય માખી ગંદકીમાં,કચરામાં.
-બન્ને માખીનો ઉપદ્રવ હાલ ચોમાસાની ઋતુમાં વધે છે.




