150થી વધુ સીસીટીવી કેમેરા જોયા બાદ વાહનચોર ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : શહેરમાં છેલ્લા ત્રણ જ માસમાં આઠ ટુ-વ્હીલરની ચોરી કરી તરખાટ મચાવનાર ભાવનગરના હસમુખ પ્રસાદ નિમાવત (ઉ.વ.૩૮) અને તેની પાસેથી ચોરાઉ વાહન ખરીદનાર બોટાદના પાટણા ગામના કુલદીપ જેસિંગભાઇ સિંધવ (ઉ.વ.૨૭)ને ક્રાઇમ બ્રાંચે ઝડપી લઇ રૂા.૩.૯૫ લાખના તમામ ચોરાઉ વાહનો કબજે કર્યા હતા.
ભાવનગરથી હસમુખ કોઇ વાહનમાં રાજકોટ આવી ગોંડલ ચોકડી અને વાવડી પાસે ચા અને પાનની દુકાને પોતાના વાહનમાં જ ચાવી મૂકી જનારના વાહનો ચોરી લેતો હતો. ત્રણ માસમાં તેણે આઠ વાહનોની ચોરી કરી હતી. જેમાંથી રાજકોટ તાલુકા પોલીસમાં સાત અને આજી ડેમ પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાઇ હતી.
તે માથા પર ટોપી પહેરી ચોરી કરવા આવતો હતો. તેના સીસીટીવી ફુટેજ મળી જતાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ એ.એસ.ચાવડા અને પીએસઆઇ એ.એન.પરમારે ટીમોને કામે લગાડી હતી. કોઇપણ ગુનેગાર સીસીટીવીમાં કેદ થઇ ગયા પછી પણ તેની ઓળખ મેળવવાનું કામ ખુબ જ મુશ્કેલ હોય છે.
આ કેસમાં પણ તેવું જ થયું હતું. ક્રાઇમ બ્રાંચની ટીમોએ રાજકોટથી લઇ ભાવનગર સુધીના ૧૫૦થી વધુ સીસીટીવી કેમેરા જોયા બાદ હસમુખની ઓળખ મળી હતી. જેના આધારે તેને ઝડપી લીધો હતો. તમામ ચોરાઉ વાહનો કુલદીપને પાણીના ભાવે વેંચવા આપી દીધાનું કબૂલતા તેને પણ ક્રાઇમ બ્રાંચે સકંજામાં લીધો હતો. હજુ સુધી એક પણ વાહન કાગળોને કારણે વેચાયું ન હોવાથી તમામ વાહનો તેની પાસેથી જ મળી આવ્યા હતા.
ક્રાઇમ બ્રાંચને જાણવા મળ્યું કે, હસમુખ ઉપર ચારેક લાખનું દેણું થઇ ગયું હતું. જેમાંથી બહાર નીકળવા માટે વાહનચોરીના રવાડે ચડી ગયો હતો. ખાસ કરીને ચાવી લગાડેલા વાહનો કોઇને ગંધ ન આવે તે રીતે ઉપાડવામાં માસ્ટર થઇ ગયો હતો. તે સાથે જ ક્રાઇમ બ્રાંચે વાહનચાલકોને લોક કરવા માટે અનુરોધ કર્યો છે. જેથી ચોરીની ઘટનાઓ બનતા અટકે.




