ગોંડલમાં વેપારીએ રૂા.3 લાખ સામે 17 લાખ ચૂકવ્યા છતાં ધમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગોંડલ : રાજકોટ જિલ્લામાં વ્યાજખોરોમાં પોલીસની ધાક ઓસરી ગઈ છે. ગોંડલમાં રહેતા ફરસાણના વેપારીને ત્રણ લાખ રૂપિયા આપી વ્યાજખોરે રૂ.૧૬ થી ૧૭ લાખ વ્યાજ પેટે વસૂલી મકાન અને ટેમ્પો ગાડી પણ પડાવી લેતાં અંતે કંટાળી ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા મનીલેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
બનાવ અંગે ગોંડલના સાંઢિયા પુલ નજીક વૃંદાવન-૩માં રહેતા ૫૭ વર્ષીય પ્રૌઢ અરવિદપરી રેવાપરી ગોસ્વામીએ સિદ્ધાર્થનગરમાં રહેતાં સુભાષ ગીગા ચાવડા સામે ફરિયાદ કરી જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૦ માં તેઓ જામવાડી પાસે ગાઠીયાની રેકડી ચલાવતાં હતાં ત્યારે ધંધા માટે પૈસાની જરૂર પડતા સુભાષ ચાવડા પાસેથી પ્રથમ રૂા.૧ લાખ માસીક ૫ % ના વ્યાજ દરે લીધેલ હતા. એ સમયે વ્યાજ પેટે રૂ.૧૬ હજાર અગાઉ કાપી લીધેલ હતા. રોજના રૂ.૧૦૦૦નો હપ્તો ભરતો હતો. વધુ પૈસાની જરૂર પડતા કટકે કટકે કુલ રૂા. ૩ લાખ વ્યાજે લીધેલ હતા. જેનો રોજનો રૂ.૩ હજારનો હપ્તો મુળીમા જમા કરાવતો હતો. બાદ રોજના ત્રણ હજારના હપ્તામા પહોંચી નહીં શકતા દર મહીને ૧૫ હજાર વ્યાજ આપતો હતો. વ્યાજ ભરવામા તેઓ પહોંચી નહીં શકતા વર્ષ ૨૦૨૧મા વૃંદાવન પાર્ક-૩નું બે મકાન આપવાનું કહી મકાનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધો હતો.
બાદમાં વ્યાજખોરે યાર્ડ પાછળ બે મકાન આપવાનો વાયદો કરેલ હતો પણ તે મકાનો પણ આપેલ નહીં. વ્યાજખોરે મકાન ખાલી કરાવવા લેન્ડગ્રેબીંગની અરજી પણ કરેલ હતી. અત્યાર સુધી રૂા.૧૬ થી ૧૭ લાખ વ્યાજ પેટે લીધેલ છે. વ્યાજે રૂપીયા આપેલ તેના હપ્તા ડાયરીમા લખતા હતા. તેમજ કોરો ચેક પણ પડાવી લીધેલ અને એક ટેમ્પો તેઓ પાસે હતો તે પણ આરોપીએ પોતાના સબંધી સંજયભાઇ ડવના નામે કરાવી લીધેલ હતો. બી ડિવિઝન પોલીસે સુભાષ ચાવડા સામે મની લેન્ડ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આદરી હતી.




