રાજકોટમાં વધુ એક સ્પામાં ધમધમતું કૂટણખાનું પકડાયું, ત્રણ શખ્સની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : રાજકોટમાં કુટણખાનાનું દુષણ ચોંકાવનારી હદે વધી ગયું હોય તેમ છેલ્લા દસેક દિવસમાં હેલ્થ સેન્ટર અને સ્પામાંથી બે કુટણખાના ઝડપાયા બાદ ગઇકાલે રાત્રે વધુ એક સ્પામાંથી કુટણખાનું પકડાયું હતું. કિસાનપરા ચોકમાં ગ્રીન એપલ સ્પામાં ખરેખર કેટલા સમયથી કુટણખાનું ચાલતું હતું તે અંગે હવે પોલીસે તપાસ શરૂ કરી છે.
પીઆઇ જે.વી.વાઢિયા અને પીએસઆઇ એસ.આર.ચાવડાએ મળેલી બાતમીના આધારે કિસાનપરા ચોકમાં બી.કે.કોમર્શિયલ નામની બિલ્ડિંગના પહેલા માળે આવેલા ગ્રીન એપલ સ્પામાં ડમી ગ્રાહક મોકલી ખરાઇ કર્યા બાદ રેડ કરી હતી.
સ્થળ પરથી આસામ, ઓરિસ્સા અને મેઘાલયની ત્રણ ઉપરાંત રાજકોટની એક મળી ચાર રૂપલલના મળી આવી હતી. જેમની પાસેથી દેહવ્યાપાર કરાવાતો હતો. આ ચારેય રૂપલલનાને નિયમ મુજબ પોલીસે સાક્ષી બનાવી છે.
સ્થળ પરથી સ્પા કમ કુટણખાનાના સંચાલક અમન મનોજ ઠાકુર (ઉ.વ.૨૨, રહે. આરએમસી ક્વાર્ટર, આકાશવાણી ચોક પાસે), મેનેજર દીપેશ જગત વિશ્વકર્મા (ઉ.વ.૨૩, રહે. વંદન એપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોર, સાધુવાસવાણી રોડ) અને ટેલિકોલર વિકાશ કુલદીપ વિશ્વકર્મા (ઉ.વ.૨૫, રહે. રોયલ પાર્ક પેરેડાઇઝ એપાર્ટમેન્ટની ઓરડીમાં, કેકેવી હોલ)ની ધરપકડ કરાઇ હતી.
આરોપીઓ પાસેથી બે મોબાઇલ ફોન, વેપારના રૂા.૯ હજાર અને ડમી ગ્રાહકે આપેલ રૂા.૩ હજાર કબજે કરાયા હતા. ગ્રીન એપલ સ્પા ખરેખર એક વર્ષથી ચાલે છે. તેમાં કુટણખાનું કેટલા સમયથી ચાલતું હતું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
ગ્રાહક પાસે રૂા.૩ હજાર વસૂલ કરાતા હતા. તેમાંથી રૂા.૧ હજાર સંચાલક કમિશન તરીકે રાખી બાકીના રૂા.૨ હજાર રૂપલલનાને આપી દેતો હતો. બીજા રાજ્યોની ત્રણેય રૂપલલનાઓ કાલાવડ રોડ ઉપર પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી હતી.




