અલ્પેશ દોંગા આણી ટોળકીએ 43.50 કરોડની જમીન 2.15 કરોડમાં પડાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ: મોંઘાભાવની લોનમાંથી મુક્તિ અપનાવવાની છેતરામણી જાહેરાતો આપી ખેડૂતોને પોતાની જાળમાં ફસાવી તેમની કિમતી જમીનો હડપ કરી લેવાનાં તોસ્તાન કૌભાંડના સૂત્રધાર અલ્પેશ દોંગાએ અત્યાર સુધીમાં ખેડૂતો અને અન્યોની મળી ૪૩ કરોડની કિંમતની ૧૩૦ વીઘા જમીન માત્ર રૂા. ૨.૧૫ કરોડમાં પડાવી લીધાનો ચોંકાવનારો ખુલાસો 'સીટ' ની તપાસમાં થયો છે.
સીટે અલ્પેશ દોંગાની શાસ્ત્રીનગર અજમેરા સોસાયટીના ગેઇટની સામે આવેલ બિઝનેસ ટર્મીનલ નામની બિલ્ડિંગના ચોથા માળે આવેલી ઓફિસમાંથી ૧૫૨ દસ્તાવેજો અને સાટાખત કબજે કર્યા છે. આ તમામ દસ્તાવેજો અને સાટાખતના માલિકો સાથે છેતરપિંડી થઇ છે કેમ તે અંગે સીટે તપાસ શરૂ કરી છે.
રાજકોટના અલ્પેશ દોંગા અને અક્ષીત અકબરીની ટોળકી વિરૂધ્ધ અગાઉ ૧૨ ગુના દાખલ થયા હતા. ખેડૂતોની જમીન પચાવી પાડવાનું કૌભાંડ બહાર આવ્યા બાદ પડધરીમાં એક, ગોંડલ તાલુકામાં એક અને કાલાવડમાં ત્રણ ગુના દાખલ થયા છે. સીટ પાસે હજુ સાત અરજીઓ પડી છે. તેમાંથી પણ મોટાભાગની અરજીઓમાં ગુના દાખલ થાય તેવા સંકેતો પોલીસે આપ્યા છે.
પડધરીના સરપદડ ગામે નોંધાયેલા ગુનામાં વોન્ટેડ અક્ષીત અકબરીને એલસીબીએ ઝડપી લઇ સીટને સોંપ્યો છે, જ્યારે અલ્પેશ દોંગાનો ગોંડલ તાલુકા પોલીસે કબજો મેળવ્યો છે. આ બંનેની પૂછપરછ દરમિયાન હજુ વધુ ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના છે.
રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, આ ગેંગ દ્વારા જે પણ ખેડૂતોની જમીન પડાવી લેવામાં આવી છે તે અંગે કલેક્ટર સાથે વાત કરવામાં આવશે. તેનો કાયદાકીય અને રેવન્યૂની રીતે નિકાલ લઇ આવવાનો પ્રયાસ કરાશે. એકંદરે, ભોગ બનનાર ખેડૂતોને તેમની જમીનો પરત મળે તે માટે પોલીસ હરસંભવ પ્રયાસ અને તમામ પ્રકારની મદદ કરશે.
આ ગેંગના ઇન્વેસ્ટરો અને જમીન ખરીદદારોનું હાલ સીટ લિસ્ટ તૈયાર કરી રહી છે, જેના આધારે તમામની પૂછપરછ કરવામાં આવશે. તમામ ટેલિકોલરોની પણ પૂછપરછ કરાશે. જો વધુ કોઇ ભોગ બનનાર હોય તો પોતાના વિસ્તારની પોલીસ કે સીટનો સંપર્ક કરી શકશે.
- છેતરપિંડીના ધંધાના વિકાસ માટે ગીતા નામની મહિલાઓનો ઉપયોગ
રાજકોટ: અલ્પેશ દોંગાએ ખેડૂતોને ફસાવવા માટે શરૂ કરેલા કોલ સેન્ટરમાંથી ગીતા નામની ૪૮૦૦ મહિલાઓની પ્રોફાઇલ મળી આવી હતી. સીટે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે અલ્પેશે ગીતા ચેરીટેબલ ટ્રસ્ટની રચના કરી હતી. જે અંતર્ગત તે ગીતા નામની મહિલાઓને આમંત્રિત કરી, તેમનું સન્માન કરી, પોતાના ધંધાની શાખ ઉભી કરવાનો પ્રયાસ કરતો હતો. આ પ્રકારના બે કાર્યક્રમો તેણે ભાવનગર અને સુરતમાં કર્યા હતા. હવે ત્રીજો કાર્યક્રમ આગામી તા. ૨૮ ડીસેમ્બરે અમદાવાદના નિકોલમાં યોજાવાનો હતો. જેમાં ૨૫,૦૦૦થી વધુ ગીતા નામની મહિલાઓને એકત્રિત કરવાનો હતો.
આ તમામ કાર્યક્રમો પાછળ તેનો એકમાત્ર હેતુ ખેડૂતો સુધી પહોંચી તેમને શિકાર બનાવવાનો હતો. એટલું જ નહીં, જુદા-જુદા ગામડાઓમાં જઇ ગીતા નામની મહિલાઓને એકત્રિત કરી સ્ટેજ પર બોલાવી તેમનું સન્માન કરતો હતો. સાથોસાથ ભગવદ્ ગીતાને લગતા પ્રવચન પણ આવા કાર્યક્રમોમાં અપાવતો હતો. જુદા-જુદા ગામોના સરપંચોને પણ તે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવા માટે વિનંતી કરતો હતો.
ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક ઉપર તેના માણસો ગીતા નામ ધરાવતી મહિલાઓને શોધતા હતા અને તેમને આ કાર્યક્રમો અંગે માહિતગાર કરતાં હતાં. ગુજરાત બહાર પણ રહેતી ગીતા નામની મહિલાઓને શોધતા હતા. આ કવાયત દરમિયાન પોલીસ તંત્રમાં ફરજ બજાવતી ગીતા નામની મહિલાઓને પણ પોસ્ટ મોકલવામાં આવી હતી. - આ ચાર નામથી કોલ કરી છેતર્યા હોય તો સંપર્ક કરવા અનુરોધ
રાજકોટ: અલ્પેશ દોંગા આણી ટોળકીની બાલાજી લોન, ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રી અષ્ટલક્ષ્મી લોન હાઉસ અને પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટને ત્યાંથી કોઇને કોલ આવ્યો હોય અને ટ્રાન્જેકશન કરી છેતરાયા હોય તો પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.




