ખેડૂતને પ્રેમજાળમાં ફસાવી 6.30 લાખ પડાવનાર આફ્રિકન ગેંગ ઝડપાઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : જસદણના ખેડૂતને ફેસબૂકની મદદથી પ્રેમજાળમાં ફસાવી જર્મનીથી ગિફ્ટ મોકલ્યાનું કહીં તે છોડાવવા માટે રૂા.૬.૩૦ લાખ પડાવનાર આફ્રિકન દેશની યુવતી સહિત ત્રણ સભ્યોની ટોળકીને રાજકોટ રેન્જની સાયબર ક્રાઇમ પોલીસની ટીમે ઝડપી લઇ પાંચ દિવસના રિમાન્ડ મેળવી તપાસ આગળ ધપાવી છે.
ભોગ બનનાર ખેડૂતના બે વર્ષ પહેલા છુટ્ટાછેડા થઇ ગયા હતા. ગત મે માસમાં મેરી સેમ્યુઅલ નામની મહિલા સાથે ફેસબૂક પર પરિચય થયો હતો. મેરીએ પોતે વિધવા હોવાનું અને એક બાળકની માતા હોવાનું જણાવી લગ્ન કરવા તૈયારી બતાવી વિશ્વાસ સંપાદિત કરી લીધો હતો. એક દિવસ ભોગ બનનાર ખેડૂતને તેની માટે જર્મનીથી મોંઘી ગિફ્ટ્સ મોકલ્યાનું કહ્યું હતું.
ત્યારબાદ ભોગ બનનાર ખેડૂતને દિલ્હી પાર્સલ ઓફિસમાંથી કોલ કરી પાર્સલમાં આઇફોન, ૩૦ હજાર યુરો ડોલર વગેરે હોવાનું જણાવી તે છોડાવવા માટે ચાર્જ ભરવા કહેવાયું હતું. આ રીતે તેની પાસેથી રૂા.૬.૩૦ લાખ પડાવી લેવાયા હતા. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી ઉત્તરપ્રદેશના નોઇડાથી જોસિફિન યા અન્શા (ઉ.વ.૨૮, રહે. ધાના), મેગ્નગેલી ઇમાની ડેનિશ (ઉ.વ.૨૨, રહે. તાન્ઝાનિયા) અને ફિલિપ બેસિસ્ટા જોસેફ વેલેન્ટાઇન (ઉ.વ.૨૩, રહે. સાઉથ સુદાન)ની ધરપકડ કરી હતી.
ત્રણેય આરોપીઓના ટ્રાન્ઝીટ રિમાન્ડ મેળવ્યા બાદ સાયબર ક્રાઇમ પોલીસે જસદણ કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ત્રણેય આરોપીઓ પાસેથી ત્રણ મોબાઇલ ફોન અને તેમના પાસપોર્ટ કબજે કરાયા છે. રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, જોસિફિન જ ભોગ બનનાર ખેડૂત સાથે મેરી બનીને વાત કરતી હતી.
ઘણાં સમયથી ભારતમાં રહેતી હોવાથી થોડી હિન્દી ભાષા જાણે છે. ચેટ માટે એઆઇ ટુલ્સનો ઉપયોગ કરતી હતી. બાકીના બંને આરોપીઓ ફ્રોડની રકમ એટીએમમાંથી ઉપાડવા જતા હતા. આ ત્રણેય આરોપીઓએ બીજા કોને-કોને આ રીતે શિકાર બનાવ્યા છે, ભારતમાં કેટલા સમયથી રહે છે, કાયદેસર રહે છે કે ગેરકાયદેસર તે સહિતના મુદ્દે તપાસ કરાશે.
ફ્રોડની રકમ ૧૫ બેંક ખાતામાં જમા થઇ હતી. જેમાંથી રૂા.૮૦ હજાર હજુ ઉપડયા ન હોવાથી તે રકમ ફ્રીઝ કરવામાં આવી છે. બાકીની રકમ આરોપીઓએ ઉપાડી લીધી હતી. આરોપીઓના મોબાઇલ ફોનમાંથી ડેટા રીકવર માટે તેને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. આરોપીઓ તપાસમાં સહયોગ આપતા નથી. આરોપીઓની પુછપરછ માટે અંગ્રેજીના જાણકાર હોય તેવા અધિકારીઓની મદદ લેવામાં આવશે.









