મહિલા મિત્રની સખીના 12મા માળે આવેલા ફ્લેટમાંથી ઝંપલાવી યુવકની આત્મહત્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

90 વ્યક્તિ પાસેથી વ્યાજખોરોએ પડાવી લીધેલો 1 કરોડનો મુદ્દામાલ પરત અપાવાયો
રાજકોટ : ગોંડલના વાસાવડ ગામે રહેતા બે વ્યાજખોર સોહિલ રફીક ઉર્ફે બાબુભાઇ સલાટ (ઉ.વ.૨૬) અને તેના ભાઇ ઇરફાન (ઉ.વ.૨૪)એ ૯૦ ભોગ બનનારાઓ પાસેથી પડાવી લીધેલો ૧ કરોડથી વધુ રકમનો મુદ્દામાલ રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે પરત અપાવ્યો હતો.
ગોંડલના મોવિયા ગામે રહેતા લલીત ઉર્ફે નિલેશ ટારીયાએ આરોપીઓ પાસેથી રૂા.૪૪ હજાર ૩ ટકા વ્યાજે લીધા હતા. અત્યાર સુધી રૂા.૨૦ હજાર જેટલું વ્યાજ ભરી દીધું હતું. આર્થિક ભીંસ પડતા બધું વ્યાજ નહીં ભરી શકતા આરોપીઓએ તેને ધાક-ધમકી આપી હેરાન કરવાનું શરૂ કરતા સુલતાનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લલીત ઉર્ફે નિલેશ પાસેથી પડાવી લીધેલા રૂા.૧.૨૦ લાખના ચાંદીના દાગીના કબજે કર્યા હતા.
ત્યાર પછી બંને આરોપીઓએ બીજા ૯૦ જેટલા ભોગ બનનારા પાસેથી પણ મુદ્દામાલ પડાવી લીધાની માહિતી મળતાં પોલીસે કડક વલણ અખત્યાર કર્યું હતું. જેના પગલે આરોપીઓ તમામે-તમામ ભોગ બનનારાઓને તેમનો મુદ્દામાલ પરત આપી દેવા રાજીખુશીથી તૈયાર થઇ ગયા હતા.
આ મુદ્દામાલમાં રૂા.૨૭.૪૮ લાખના ૧૮૦ ગ્રામ સોનાના દાગીના, રૂા.૪૯.૩૧ લાખના ૧૯ કિલો ચાંદીના દાગીના, જમીન-મકાન-પ્લોટના દસ્તાવેજો, વાહનો અને તેની આરસી બૂક મળી રૂા.૨૯ લાખનો મુદ્દામાલ ઉપરાંત છ કોરા ચેકનો સમાવેશ થાય છે. ભોગ બનનારાઓ તેમનો મુદ્દામાલ પરત મળી જતાં ખુશ થઇ ગયા હતા. કેટલાક ભોગ બનનારાઓની આંખમાં આંસુ છલકાઇ ગયા હતા.
ઝડપાયેલા બંને આરોપીઓ ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે છે. આરોપી સાહિલ સામે વાહન અકસ્માતના બે સહિત કુલ ત્રણ ગુના નોંધાયેલા છે. તે સાથે જ પોલીસે જિલ્લામાં વ્યાજખોરી, લુખ્ખાગીરી, નશીલા પદાર્થો વગેરે અંગે પોલીસ કન્ટ્રોલ રૂમમાં માહિતી આપવા અનુરોધ કર્યો છે.
દેખાડા ખાતર નહીં, ખરા અર્થમાં વ્યાજખોરો સામે કાર્યવાહી
રાજકોટ : ખાલી દેખાડા ખાતર નહીં પરંતુ ખરા અર્થમાં રાજકોટ જિલ્લામાં વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અગાઉ સુલતાનપુરમાં વ્યાજખોરોનો ભોગ બનેલા ૧૩૭ પરિવારોને તેમનો મુદ્દામાલ પરત અપાવાયો હતો. ભાયાવદરમાં ભોગ બનનારને પાંચ કરોડની કિંમતની ૧૮ વિઘા જમીન પરત અપાવાઇ હતી. ગોંડલ પંથકમાં પણ ભોગ બનનારને ૧૦ લાખનું સોનું પરત અપાવાયું હતું. આ જ રીતે ભોગ બનનારાઓને તેમની જમીન, પ્લોટના દસ્તાવેજો, વાહનો, આરસી બૂક વગેરે પણ પરત અપાવાયું છે. સુલતાનપુરના કેસમાં આરોપીઓએ એક મહિલાને લગ્ન વખતે પિતાએ આપેલી કાનમાં પહેરવાની બુટ્ટી પડાવી લીધી હતી. રકમ આપવા છતાં આ બુટ્ટી પરત આપતા ન હતા. આખરે બુટ્ટી પરત મળતાં મહિલાની આંખમાં આંસુ આવી ગયા હતા. રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષમાં વ્યાજખોરીના ૬૨ ગુના નોંધાયા છે. જેમાં કુલ ૧૨૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સામાન્ય રીતે વ્યાજખોરીના કિસ્સાઓમાં પોલીસ વ્યાજખોરોએ ફરિયાદી પાસેથી પડાવી લીધેલો મુદ્દામાલ કબજે કરી તપાસ પુરી કરી નાંખે છે. પરંતુ રાજકોટ જિલ્લામાં વ્યાજખોરો પાસેથી પોલીસ ફરિયાદીનો જ નહીં પરંતુ અન્ય જેટલા ભોગ બનનારા હોય તેમનો મુદ્દામાલ પણ પરત મેળવી રહી છે.
મહિલા મિત્રની સખીના 12મા માળે આવેલા ફ્લેટમાંથી ઝંપલાવી યુવકની આત્મહત્યા
રાજકોટ : કાલાવડ રોડ પર આવેલા સ્વિમિંગ પુલની પાછળ નંદનવન સોસાયટી-૧માં રહેતા નૈમિષ પરબતભાઇ ભંડેરી (ઉ.વ.૪૨)એ ગઇકાલે મોડી રાત્રે રૈયા સ્મશાન પાસે ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર પામ યુનિવર્સ નામના બિલ્ડિંગમાં રહેતી તેની સ્ત્રી મિત્રની સખી કાજલબેનના ૧૨મા માળે આવેલા ફ્લેટની બાલ્કનીમાંથી નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. લાખો રૂપિયાનું દેણું થઇ જતાં ચિંતામાં આવી આ પગલું ભરી લીધાનું ગાંધીગ્રામ-૨ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ નૈમિષભાઇને આજી ડેમ નજીક ભાગીદારીમાં પાણીનો પ્લાન્ટ છે. તેની પત્નીનું નામ રેખાબેન છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પરિવારના આ તમામ સભ્યો અને વાલીઓને છોડી છેલ્લા બે વર્ષથી નંદનવન સોસાયટી-૧માં મહિલા મિત્ર આશાબેન પાડલીયા સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા. ત્યારથી પરિવારના તમામ સભ્યોએ તેની સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો. બીજુ કારણ દેણાનું પણ હતું. તે વખતે જ નૈમિષભાઇ ઉપર ૫૦ લાખથી વધુ રકમનું દેણું હતું. આ કારણથી પણ તેના વાલીઓ નારાજ હતા.
નૈમિષભાઇની મહિલા મિત્ર આશાબેનની સખી કાજલબેન પામ યુનિવર્સ બિલ્ડિંગના ૧૨મા માળે રહે છે. બંને પરિવારો વચ્ચે એકબીજાના ઘરે અવરજવર કરવાનો સંબંધ હતો. ઘણી વખત કાજલબેન બહેનપણી આશાબેનના ઘરે રાત રોકાઇ જતાં હતા. ગઇકાલે રાત્રે સાડા નવેક વાગ્યે નૈમિષભાઇ કાજલબેનના ફ્લેટે ગયા હતા. ત્યાં જમ્યા બાદ સુઇ ગયા હતા. કાજલબેન બે પુત્રીઓ સાથે અલગ રૂમમાં અને નૈમિષભાઇ બીજા રૂમમાં સુઇ ગયા હતા.
મોડી રાત્રે નૈમિષભાઇએ ફ્લેટની બાલ્કનીમાંથી નીચે ઝંપલાવી દેતા ઉહાપોહ મચી ગયો હતો. જાણ થતાં પાડોશીઓએ ૧૦૮ને બોલાવી હતી. જેના તબીબે મૃત જાહેર કર્યો હતો. ગાંધીગ્રામ-૨ના પીએસઆઇ એચ.એમ. ચાવડા પણ સ્ટાફના માણસો સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. તપાસના અંતે દેણાને કારણે ચિંતામાં આવી જઇ આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું હતું. જોકે હાલ ખરેખર કેટલી રકમનું દેણું હતું તે વિશે પોલીસને કોઇ માહિતી મળી નથી.
પરિવારના સભ્યોએ મોતને શંકાસ્પદ ગણાવ્યું હતું. પરંતુ પોલીસે તે થીયરીનો છેદ ઉડાડી બનાવ આત્મહત્યાનો જ હોવાનું જણાવ્યું છે. નૈમિષભાઇની મહિલા મિત્ર આશાબેન અને આશાબેનની સખી કાજલબેને છુટાછેડા લીધેલા છે. એટલે કે બંને ત્યકતા છે તેમ પણ પોલીસે જણાવ્યું હતું.
- બિલ્ડિંગના 12મા માળેથી ઝંપલાવી વૃદ્ધની આત્મહત્યા
રાજકોટ: માધાપર ચોકડી પાસે ધ સ્પેસ બિલ્ડિંગના ૧૨મા માળે રહેતા કિશોરભાઇ દેવચંદભાઇ મશરૂ (ઉ.વ.૬૪)એ ગઇકાલે સાંજે ૧૨મા માળેથી નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. ગાંધીગ્રામ પોલીસની તપાસમાં માનસિક બીમારીને કારણે આ પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે. હાલ નિવૃત જીવન વ્યતિત કરતા કિશોરભાઇને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે.




