Rajkot

વિદેશ પ્રવાસ પેકેજના નામે પ્રોફેસર સહિત 9 લોકો સાથે રૂા.50 લાખની ઠગાઇ

By GS Team
25 Jul 20263 mins read
TukuTouch Logo
રાજકોટમાં ફેસ્ટીવ હોલીડેના સંચાલક અભિનવ પટેલ અને તેની પત્ની ધારાએ પ્રોફેસર ભરત વાઢેર સહિત 9 લોકોને વિદેશ પ્રવાસ પેકેજમાં ડિસ્કાઉન્ટની લાલચ આપી કુલ 50 લાખની છેતરપિંડી કરી. પ્રોફેસર ભરતભાઈ પાસેથી 3.70 લાખ પડાવી વિયેતનામ પ્રવાસ રદ કર્યો. આરોપી દંપતીએ ઓફિસ બંધ કરી ફોન બંધ કરી દીધા. માલવિયાનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિદેશ પ્રવાસ પેકેજના નામે પ્રોફેસર સહિત 9 લોકો સાથે રૂા.50 લાખની ઠગાઇ

રાજકોટ: નાનામૌવા રોડ પર આવેલી સિલ્વર સાઇન સોસાયટીમાં રહેતા અને આત્મીય યુનિવર્સિટી કેમ્પસમાં એમ. એન્ડ એન. વીરાણી સાયન્સ કોલેજના પ્રોફેસર ભરતભાઇ મુળાભાઇ વાઢેર (ઉ.વ.૫૮)ને નાનામૌવા સર્કલ પાસે આર.કે. પ્રાઇમમાં ફેસ્ટીવ હોલીડે નામની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક દંપતી અભીનવ હિતેષભાઇ પટેલ તેના પત્ની ધારા પેટેલે વિદેશ પ્રવાસ પેકેજમાં ડિસ્કાઉન્ટ આપવાની લાલચ આપી રૂા.૩.૭૦ લાખ તેમજ અન્ય આઠ લોકો પાસેથી પેકેજના નામે અલગ-અલગ રકમ લઇ પરત નહીં આપી રૂા.૫૦ લાખની છેતરપિંડી કર્યાની માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
ફરિયાદમાં ભરતભાઇએ જણાવ્યું કે, પરિવાર સાથે વીયેતનામ ફરવા જવાનું હોવાથી તે પત્ની સાથે ગત તા.૨૮-૧ના રોજ આરોપીની ફેસ્ટીવ હોલીડે નામની ઓફીસે ગયા હતા. જ્યાં આરોપી અભીનવે તેઓને વિયેતનામ માટે આઠ નાઇટ અને નવ દિવસનું પેકેજ આપ્યું હતું. પેકેજનો ભાવ પોષાય તેમ ન હોવાથી ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં ગત તા.૩૧-૧ના રોજ સયાજી હોટલમાં ટ્રાવેલ એક્સ્પો ઓર્ગેનાઇઝમાં ગયા જ્યાં અલગ-અલગ ટ્રાવેલ કંપનીઓ હતી. જ્યાં આ ફેસ્ટીવ હોલીડેનું પણ કાઉન્ટર હોવાથી ત્યાં ગયા ત્યારે આરોપીની પત્ની ધારા સ્ટાફ સાથે હાજર હતી. તેને વીયેતનામના પેકેજની વાત કરી હતી. તમારી ઓફીસે આવ્યા ત્યારે બજેટ અનુકુળ ન આવ્યું હોવાની વાત કરી હતી.
ધારાએ પતિ સાથે ફોનમાં વાત કરી તમે અમારી ઓફિસે આવજો ત્યાં તમને ડીસ્કાઉન્ટ કરી આપશું કહ્યું હતું. બાદમાં તા.૧-૨ના રોજ ફોન કરી તમે એક્સ્પોમાં અમારા કાઉન્ટરે આવી જાવ અને પેકેજ નક્કી કરી લ્યો કહ્યું જેથી તે પત્ની અને પુત્ર ત્યાં ગયા ત્યારે આરોપી દંપતીએ સમજાવી રૂા.૩.૭૦ લાખનું પેકેજ આપતા તેણે હા પાડી હતી. ત્યારે અભીનવે રૂા.૨.૨૦ લાખ એડવાન્સ માંગતા તેની પાસે તેટલા રૂપિયા ન હોવાથી રૂા.૩૫ હજાર આપ્યા હતા અને કટકે-કટકે તા.૨૭-૩ સુધીમાં રૂા.૩.૭૦ લાખ ચૂકવી દીધા હતા.
ગત તા.૫-૫ના રોજ પ્રવાસ માટે જવાનું હતું. પરંતુ ઇલેક્શન હોવાથી તારીખ બદલવાનું કહેતા તેણે તા.૧૯-૫નું પેકેજ કરી આપશે તેમ જણાવ્યું હતું. થોડા દિવસ બાદ ફોન કરી વીયેતનામના વીઝાની વાત કરતા તેણે હજી થોડા દિવસ પછી કરી આપશું તેમ કહ્યું હતું. ત્યાર પછી આરોપી અભીનવ તમારી ફ્લાઇટ કેન્સલ થઇ છે કહેતા તેને બીજી તારીખ અનુકુળ આવતી ન હોવાથી પેકેજ કેન્સલ કરી રૂપિયા પરત આપવાની વાત કરતા તે ગલ્લા તલ્લા કરી થોડા દિવસ પછી રૂપિયા આપવાનું કહીં લેટરપેડ લખીને આપ્યો હતો.
ગત તા.૪-૬ના રોજ તેણે પૈસા લેવા માટે ફોન કરતા અભીનવનો ફોન બંધ હતો. જેથી તેઓ તેની ઓફીસે ગયા ત્યારે ઓફિસ પણ બંધ હતી. બાદમાં પોતે ત્યાં ફેસ્ટીવ પેમેન્ટ નામનું વોટ્સએપ ગૃપમાં જોડાયેલા લોકો સાથે વાત કરતા તેણે ઘણા લોકો સાથે છેતરપિંડી કર્યાનું જાણવા મળ્યું હતું. જેમાં અંકીતભાઇ ઠક્કરના રૂા.૩.૩૮ લાખ, રમેશભાઇ અઘેરાના રૂા.૫.૮૦ લાખ, અજીતસિંહ રાઠોડના રૂા.૩.૫૦ લાખ, અતુલભાઇ મોણપરાના રૂા.૮.૮૯ લાખ, પ્રવિણભાઇ કાકડીયાના રૂા.૬.૫૦ લાખ, જીજ્ઞોશભાઇ પાબારીના રૂા.૧૬ લાખ, જેનીશભાઇ ચનીયારાણા રૂા.૧.૪૯ લાખ અને સુનીલભાઇના રૂા.૮૦ હજાર મળી કુલ રૂા.૫૦.૦૭ લાખની છેતરપિંડી કર્યાની ખબર પડી હતી. આ મામલે માલવીયાનગર પોલીસે તપાસ હાથ ધરી છે.