Rajkot

રાજકોટ જિલ્લામાં 9 દૂધ મંડળીને તાળાં લાગ્યા, અધધ 90 લાખ લિટર દૂધ ઘટયું

By GS Team
15 Oct 20262 mins read
TukuTouch Logo
રાજકોટ જિલ્લામાં 2024-25 થી 2025-26 દરમિયાન દૂધ સહકારી ક્ષેત્રે ચિંતાજનક સ્થિતિ જોવા મળી છે. 9 દૂધ મંડળીઓને તાળાં લાગ્યા અને 5,989 સભ્યો ઘટતાં કુલ દૂધ સંકલન 90 લાખ લિટરથી વધુ ઘટ્યું છે. વિંછીયા અને જસદણમાં સભ્યોની સંખ્યા વધી, જ્યારે ગોંડલ, જામકંડોરણા અને ધોરાજીમાં સભ્યો અને દૂધ સંકલનમાં મોટો ઘટાડો નોંધાયો. પશુઓના વિયાણ ચક્રમાં ફેરફાર અને વધતો ખર્ચ આ ઘટાડાના મુખ્ય કારણો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ જિલ્લામાં 9 દૂધ મંડળીને તાળાં લાગ્યા, અધધ 90 લાખ લિટર દૂધ ઘટયું

રાજકોટ: એક તરફ ચોમાસું નબળું રહેતા દૂષ્કાળની સ્થિતિ સર્જાઈ છે ત્યારે રાજકોટ જિલ્લામાં પશુપાલન અને દૂધ સહકારી ક્ષેત્રના બે વર્ષના હિસાબ-કિતાબ ચિંતાજનક રહ્યા છે. ગામડાં સુધી દૂધ ખરીદીનું સહકારી માળખું વિસ્તર્યું છે, ૫ણ ૯ દૂધ મંડળીઓને તાળાં લાગ્યા છે તો ૪ નવી મંડળીઓ ચાલુ થઈ છે. તેની સામે દૂધ ભરતા ૫,૯૮૯ સભ્યો તૂટયા છે અને કુલ દૂધ સંકલન પણ અધધ ૯૦ લાખ લિટરથી વધારે ઘટયું છે. એટલે કે, અસલી દૂધની અછત વર્તાઈ છે, તો બનાવટી દૂધની નદીઓ વહે છે.
વર્ષ ૨૦૨૪-૨૫માં રાજકોટ જિલ્લામાં ૫૩૨ દૂધ સહકારી મંડળીઓ હતી અને તેમાં ૪૨,૩૦૬ સભ્યો દૂધ ભરતા હતા. વર્ષ ૨૦૨૫-૨૬માં મંડળીઓની સંખ્યા ૫૨૭ થઈ, અને દૂધ ભરતા સભ્યો ઘટીને ૩૬,૩૧૭ રહ્યા. એટલે મંડળીઓમાં ૫ાંચનો ઘટાડો થયો, જ્યારે સક્રિય દૂધ ભરતા સભ્યોમાં ૫,૯૮૯નો ઘટાડો થયો. આની સીધી અસર દૂધ સંકલન પર પડી. ૨૦૨૪-૨૫માં ૧૪.૩૧ કરોડ લિટર દૂધ એકત્રિત થયું હતું, જે ૨૦૨૫-૨૬માં ઘટીને આશરે ૧૩.૪૦ કરોડ લિટર થયું. એટલે એક વર્ષમાં ૯૦.૭૨ લાખ લિટર દૂધ ઓછું એકત્રિત થયું હતું.
સમગ્ર રાજકોટ જિલ્લાની સ્થિતિ એકસરખી નથી. વિંછીયા સૌથી મોટું દૂધ સહકારી કેન્દ્ર બનીને સામે આવે છે. અહીં મંડળીઓ બે મંડળીઓ વધી અને દૂધ ભરતા સભ્યો પણ ૬,૧૩૨થી વધીને ૮,૫૯૭ થયા. એટલે નવા માળખા સાથે પશુપાલકોની ભાગીદારી પણ વધી છે. જસદણમાં બીજી રસપ્રદ સ્થિતિ છે. અહીં મંડળીઓ ૯૭થી ઘટીને ૯૩ થઈ, છતાં દૂધ ભરતા સભ્યો ૬,૯૩૯થી વધીને ૮,૫૩૧ થયા. એટલે મંડળીની સંખ્યા ઓછી થવી એ હંમેશા પશુપાલન ઘટયું હોવાનો આધાર નથી.
બીજી તરફ ગોંડલમાં મંડળીઓ ૫૨થી ૫૩ થઈ હોવા છતાં દૂધ ભરતા સભ્યો ૬,૪૦૪થી ઘટીને ૩,૧૩૨ થયા છે. જામકંડોરણામાં પણ સભ્યો ૩,૩૨૨થી ઘટીને ૨,૩૩૬ થયા છે. ધોરાજીમાં આ ઘટાડો વધુ તીવ્ર છે. સભ્યો ૧,૬૮૨થી ઘટીને માત્ર ૯૫૮ રહ્યા છે. આથી હવે માત્ર કેટલી મંડળીઓ છે તેના બદલે કેટલી મંડળીઓમાં ખરેખર દૂધ ભરાય છે અને કેટલા પશુપાલકો સક્રિય છે, તેનો હિસાબ માંડવાનો સમય આવ્યો છે.

  • પશુઓના વિયાણનાં સમયચક્રમાં ફેરફાર મોટું કારણ
    રાજકોટ ડેરી તરફથી ૨૦૨૫-૨૬માં દૂધ સંપાદનમાં ઘટાડાનું મુખ્ય કારણ પશુઓના વિયાણના સમયચક્રમાં ફેરફાર હોવાનું જણાવાયું છે. એટલે દૂધમાં ઘટાડાને માત્ર પશુપાલકોની સંખ્યા ઘટી હોવાનું માનવું પણ યોગ્ય નથી. જો કે અન્ય કારણોમાં પશુપાલનમાં વધતો જતો ખર્ચ, પશુઓની ઘટતી સંખ્યા, ચારા-પાણીની સમસ્યા, દૂધના ભાવ સામે ખર્ચ, ખાનગી ડેરીઓની ખરીદી પણ નોંધનીય છે.