PCR વાન પલ્ટી જતાં જુગારના 7 આરોપી, પોલીસકર્મી સહિત 10ને ઇજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઉના : ગીરગઢડા તાલુકાના સોનારીયામાં ગત રાત્રે પોલીસે દરોડો પાડી સાત શખ્સોને જુગાર રમતી હાલતમાં પકડયા હતા. તેમને લઈ પરત જતી વખતે બેડીયા નજીક પીસીઆર વાન પલ્ટી જતા એ શખ્સો તથા પોલીસકર્મી સહિત ૧૦ને ઈજા થઈ હતી. પોલીસ વાનના ડ્રાઈવરે દારૃ પીધો હોવાનો આક્ષેપ થતા પોલીસે ડ્રાઈવરનું બ્લડ સેમ્પલ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગીરગઢડા તાલુકાના સોનારીયામાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી રાજેશ મેર, પ્રવિણ બારીયા, મધુ મકવાણા, ગોપાલ બારીયા, રાજેશ બારીયા, જગદિશ બાંભણીયા અને ગિરીશ ડાળાવડીયાને પકડી લીધા હતા. પોલીસ આ સાતેય શખ્સોને ગીરગઢડા પોલીસ સ્ટેશન લઈને જતી હતી ત્યારે બેડીયા ગામ નજીક પોલીસની પીસીઆર વાન પલ્ટી ગઈ હતી, જેમાં જુગારમાં પકડાયેલા સાતેય શખ્સો ઉપરાંત હેડ કોન્સ્ટેબલ વિપુલ લાખણોત્રા, જીઆરડી જવાન રાજુ ડાળાવડીયા સહિત ૧૦ શખ્સોને ઈજા થતા અફરાતફરી થઈ ગઈ હતી. આ અંગે જાણ થતા ૧૧રની ટીમ તથા ૧૦૮ સ્થળ પર પહોંચી હતી. ઈજાગ્રસ્તોને ગીરગઢડા અને ઉના સારવારમાં ખસેડાયા હતા.
આ અંગે ગીરગઢડા પીઆઈ કુલદિપ ચાવડાએ જણાવ્યું હતું કે, જુગાર રમતા પકડાયેલા સાત શખ્સોને પીસીઆર વાનમાં પોલીસ સ્ટેશને લઈ આવતા હતા ત્યારે આ અકસ્માત થયો હતો, જેમાં પોલીસકર્મી, જીઆરડી જવાન સહિતનાઓને ઈજા થઈ છે. પીસીઆર વાનના ડ્રાઈવર જીઆરડી મેહુલ અપારનાથીએ દારૃ પીધો હોવાના આક્ષેપ અંગે જણાવ્યું હતું કે, તેના બ્લડ સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ તેણે દારૃ પીધો હતો કે કેમ તે સ્પષ્ટ થશે.
અકસ્માત બાદ તાત્કાલિક વાન હટાવી દેવામાં આવી
આ અકસ્મા બાદ પીસીઆર વાનને તાત્કાલિક ઘટના સ્થળેથી હટાવી દેવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે આ બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. જુગારીઓને પકડીને જતી વાન પલ્ટી ગયાની બાબતથી વિસ્તારમાં ચર્ચા વ્યાપી છે.




