Rajkot

રાજકોટ દંપતીના આપઘાત કેસમાં મહિલા સહિત 3 વ્યાજખોરો ઝડપાયા, બેની શોધખોળ, 8 લાખ સામે 21 લાખ વ્યાજ લીધું હતું

By GS Team
28 Oct 20262 mins read
TukuTouch Logo
રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારી દંપતીએ અટીકા ફાટક પાસે આવેલા પોતાના કારખાનામાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસે ફરિયાદના આધારે એક મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 2 વ્યાજખોરો હજુ ફરાર છે. દંપતીએ 8 લાખના બદલામાં 21 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોની હેરાનગતિ ચાલુ હતી. આ ઘટનાથી તેમનો 15 વર્ષનો પુત્ર નોંધારો બન્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ દંપતીના આપઘાત કેસમાં મહિલા સહિત 3 વ્યાજખોરો ઝડપાયા, બેની શોધખોળ, 8 લાખ સામે 21 લાખ વ્યાજ લીધું હતું

Rajkot Extortion Arrests News: રાજકોટના ગોંડલ રોડ પર આવેલા અટીકા ફાટક પાસે વેપારી દંપતીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પોતાના જ કારખાનામાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ ફરિયાદ નોંધાતા પોલીસે એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી જ્યારે બે વ્યાજખોરો ફરાર છે.

શું છે સમગ્ર ઘટના?

કલ્પવન સોસાયટીમાં રહેતા 40 વર્ષીય રમેશભાઈ ચાવડા અને તેમની પત્ની ભારતીબેન ચાવડાએ ગત 25મી ઓક્ટોબરના રોજ રાત્રે કારખાનામાં જીવન ટૂંકાવ્યું હતું. મૃતક દંપતીના પરિવારજનોના આક્ષેપ મુજબ, રમેશભાઈએ લસણનો ધંધો શરૂ કરવા માટે મોરબી અને રાજકોટના શખ્સો પાસેથી 8 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ માત્ર 8 લાખ રૂપિયાના દેવા સામે તેમણે ટૂંકા ગાળામાં જ વ્યાજ પેટે અગાઉ 6 લાખ અને ત્યારબાદ વધુ 15 લાખ મળીને કુલ 21 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. છતાં પણ વ્યાજખોરોની ભૂખ સંતોષાઈ ન હતી અને તેઓ રોજની તોતિંગ રકમની માંગણી કરી દંપતી પર અસહ્ય દબાણ કરી રહ્યા હતા. આર્થિક ભીંસ અને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આખરે આ દંપતીએ આ અંતિમ પગલું ભર્યું હતું.

image.png

ત્રણ આરોપીઓની ધરપકડ, ફરાર બે આરોપીની શોધખોળ તેજ

આ ગંભીર બનાવને પગલે પોલીસે ગઈકાલે 27 ઓકટોબરના રોજ પાંચ વ્યાજખોરો સામે ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ આજે કાર્યવાહી કરીને એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બાકીના બે આરોપીઓની શોધખોળ અને વ્યાજખોરી ડામવા કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે.

આરોપીઓના નામ

  • ફકરૂનિશા મહંમદ હુસેન બુખારી (રહે. રાજકોટ)
  • ગોગન કાળાભાઈ બધીયા (રહે. મોરબી)
  • નિઝામ અબ્બાસભાઈ ઢુસા (રહે. રાજકોટ)

15 વર્ષનો એકમાત્ર પુત્ર નોંધારો

આ કરુણાંતિકાથી મૃતક દંપતીનો 15 વર્ષનો એકમાત્ર પુત્ર માતા-પિતાની છત્રછાયા ગુમાવીને સંપૂર્ણપણે નોંધારો બની ગયો છે. એક જ ઘરમાંથી પતિ-પત્નીની એકસાથે અર્થી ઉઠતાં સગા-સંબંધીઓ અને સ્નેહીજનો હિબકે ચઢ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ મામલે પીડિત પરિવાર દ્વારા સરકાર અને પોલીસ તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે કે કસૂરવાર વ્યાજખોરો સામે અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવે જેથી અન્ય કોઈ પરિવારને આ પ્રકારનો દિવસ ન જોવો પડે.