Rajkot

સાતમ આઠમના તહેવારોમાં કાર્ડિયાક ઈમરજન્સીના કેસોમાં 10 ટકા વધારો

By GS Team
8 Sep 20262 mins read
TukuTouch Logo
રાજકોટમાં સાતમ-આઠમના તહેવારો દરમિયાન હૃદયરોગના ઇમરજન્સી કેસોમાં 10%નો વધારો નોંધાયો છે. 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન 2390 કાર્ડિયાક કેસો નોંધાયા. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં હૃદયરોગના કેસોમાં 35.83% નો ઉછાળો આવ્યો છે. ચાલુ વર્ષે સરેરાશ 2047 કેસ રોજ નોંધાયા છે. 108 એમ્બ્યુલન્સ સર્વિસે 41,418 લોકોને હોસ્પિટલે ખસેડ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

સાતમ આઠમના તહેવારોમાં કાર્ડિયાક ઈમરજન્સીના કેસોમાં 10 ટકા વધારો

રાજકોટ : સામાન્ય રીતે માણસ નોકરી-ધંધા,અભ્યાસથી કંટાળીને રજાની મૌસમ આવે ત્યારે કાર્યબોજથી રાહત મળતા હૃદયને હળવાશ થતી હોય છે પરંતુ, ગત સપ્તાહ દરમિયાન સાતમ-આઠમના તહેવારોમાં હરવા ફરવા અને ખાવાપીવાની મોસમમાં ઉલ્ટુ હૃદયરોગ સંબંધી ઈમરજન્સી કેસોમાં ૧૦ ટકાનો વધારો નોંધાયો છે. તહેવાર પૂર્વે તા.૨૫થી ૩૧ ઓગષ્ટ દરમિયાન કાર્ડિયાકના ૨૧૭૩ કેસો નોંધાયા હતા જે તા.૧થી ૭ દરમિયાન કે જ્યારે મોટાભાગના સ્થળોએ રજાનો માહૌલ હતો તેમાં આ કેસો વધીને ૨૩૯૦ અર્થાત્ દસ ટકાનો વધારો થયો છે.
ગુજરાતમાં આમ પણ હૃદયરોગનું પ્રમાણ અત્યંત ચિંતાજનક રીતે વધી રહ્યું છે જેમ કે ઈ.સ.૨૦૨૩માં ૧૦૮ ઈમરજન્સીમાં કાર્ડિયાક (હૃદયરોગ સંબંધી) કેસો ૭૨,૫૭૩ કેસો નોંધાયા હતા જે માત્ર બે વર્ષમાં ઈ.સ.૨૦૨૫માં વધીને ૯૮,૫૮૨ નોંધાયા હતા અર્થાત્ માત્ર ગત બે વર્ષમાં હૃદયરોગના લીધે ઈમરજન્સીમાં હોસ્પિટલે લઈ જવા પડે તેવા કેસોમાં ૩૫.૮૩ ટકાનો તોતિંગ ઉછાળો નોંધાયો છે. ચાલુ વર્ષે ગત છ માસમાં પણ ૫૩,૨૨૬ કેસો નોંધાયા છે અર્થાત્ રોજ સરેરાશ ૨૦૪૭ કેસો નોંધાયા હતા. આ કેસો પણ સપ્ટેમ્બરમાં સામાન્ય રીતે ઘટવા જોઈએ પણ તેના બદલે આશરે ૨૦ ટકાનો વધારો થયો છે.
તહેવારોમાં લોકો માટે વધુ આશીર્વાદરૂપ ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસ દ્વારા તા.૧થી ૭ અર્થાત્ નાગપાંચમથી શ્રાવણી સોમવાર એકાદશીના દિવસ સુધીના સપ્તાહમાં ૮૪૭૯ ગર્ભવતી મહિલાઓ સહિત ૪૧,૪૧૮ને હોસ્પિટલે ખસેડાયા હતા. તહેવાર પૂર્વેના સપ્તાહ એટલે કે તા.૨૫થી ૩૧ ઓગષ્ટ દરમિયાન આ સંખ્યા ૩૯,૭૫૦ની હતી. એકંદરે ૪.૨૦ ટકાનો વધારો છે પરંતુ, તેમાં સૌથી વધુ હૃદયરોગમાં ૧૦ ટકા ઉપરાંત અકસ્માતે પડી જવા ઈજા થવાના કેસોમાં ૧૧.૫૫ ટકાનો અને તાવ તથા શ્વાસોશ્વાસની સમસ્યામાં ૭ ટકાનો વધારો નોંધાયો છે.

 ગુજરાતમાં જન્માષ્ટમી પર્વમાં અને તે પૂર્વેના સપ્તાહના ઈમરજન્સી કેસો
રોગ-કેસો
તા.૨૫થી ૩૧ ઓગ.
તા.૧થી ૭ સપ્ટેમ્બર
વધ-ઘટ ટકા
૧.હૃદયરોગ
૨૧૭૩
૨૩૯૦
૯.૯૯
૨.અકસ્માતે ઈજા
૪૧૬૩
૪૬૪૪
૧૧.૫૫
૩.વાહનઅકસ્માત
૫૦૮૬
૪૮૮૭
-૩.૯૧
૪.પેટનો દુખાવો
૫૩૫૦
૫૩૦૫
૦.૮૪
૫.સગર્ભા
૮૩૯૭
૮૪૭૯
૦.૯૮
૬.શ્વાસની તકલીફ
૨૯૦૪
૩૧૨૧
૭.૪૭
૭.ખૂબ તાવ
૩૩૩૦
૩૫૫૦
૬.૬૧
૮.અન્યસહિત કૂલ
૩૯,૭૫૦
૪૧,૪૧૮
૪.૨૦