Prasangpat

ભેળસેળના કાળીનાગને પકડનારા હકીકતે કળયુગના કૃષ્ણનું રૂપ છે

By GS Team
4 Sep 20263 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રમાં ફૂડ એન્ડ એડમિનિસ્ટ્રેશન કમિશનર તુકારામ મુંઢેએ ભેળસેળિયા વેપારીઓની ઊંઘ હરામ કરી છે. જન્માષ્ટમીના પાવન પર્વે, કૃષ્ણ રૂપી આ અધિકારીએ 75.21 લાખના એક્સપાયર થયેલા ફૂડ પેકેટ જપ્ત કર્યા. નવી મુંબઈમાં એક્સપાયરી ડેટ બદલવાનું કૌભાંડ પકડીને, તેમણે પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરનારા કાળીનાગો સામે લાલ આંખ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભેળસેળના કાળીનાગને પકડનારા હકીકતે કળયુગના કૃષ્ણનું રૂપ છે
  • આજે જન્માષ્ટમીનો દેશભરમાં જયકારો
  • પ્રસંગપટ
  • તુકારામ અને અશોક ખેમકા જેવા અધિકારીઓ પ્રજામાં રાજકારણીઓ કરતાં પણ પ્રિય હોય છે.

આજે જન્માષ્ટમી. કૌરવો જેવા દૂષણોનો નાશ કરનાર ભગવાન કૃષ્ણની લીલામાં એક કાળીનાગને નાથવાની લીલા પણ છે. તેના ઝેરના કારણે યમુનાનું પાણી ઝેરી થવા લાગ્યું હતું. ત્યારે બાળ કૃષ્ણએ આ કાળીનાગને બોચીમાંથી પકડીને બહાર લાવીને હરાવ્યો હતો. કથા ૫૦૦૦ વર્ષ જુની છે. પરંતુ ભગવાન કૃષ્ણએ નાથેલો કાળીનાગ હજુ વિવિધ સ્વરૂપે કળયુગમાં જોવા મળી રહ્યા છે.
પોતાના અંગત આર્થિક સ્વાર્થના ખાતર દરેક ખાદ્યચીજોમાં ભેળસેળ કરીને પ્રજાના આરોગ્ય સાથે રમત કરનારા કરતા વેપારીઓ કાળીનાગ સમાન છે. આવા કાળીનાગ સામે પગલાં લેવા તુકારામ મુંડે જેવા અધિકારીઓ જ્યારે મેદાનમાં આવીને ફફડાટ ફેલાવે છે ત્યારે એમ લાગે છે કે કૃષ્ણના રૂપમાં અધિકારીઓ આવે છે અને પ્રજાની વાહવાહી મેળવે છે.
ભેળસેળનો બિઝનેસ બિન્દાસ્ત બનીને કરતા નઠારા વેપારીઓને એમ હતું કે તેમને રાજકીય માફીયાઓેનું પીઠબળ છે માટે તેમનું કોઇ કશું બગાડી શકે નહીં. પરંતુ મહારાષ્ટ્રના ફૂડ એન્ડ એડમિનિસ્ટ્રેશન કમિશ્નર તુકારામ મુંઢેએ ભેળસેળીયા ખાદ્ય ખોરાકી ચીજોનું વેચાણ કરનારાઓની ઉંઘ હરામ કરી નાખી છે. કોઇ ફિલ્મમાં જેમ હિરો ગુંડાઓ પર ત્રાટકે અને પ્રક્ષકો ચીચીયારીઓ સાથે તાલીઓ પાડે એવુંજ તુકારામ મુંડેના કીસ્સામાં લોકોની નજર સામે થઇ રહ્યું છે.
નાના ખુમચાવાળા નહીં પણ ફાઇવ સ્ટાર હોટલો અને બ્રાન્ડેડ કંપનીઓના આઉટ લેટ સીલ કરવાની બહાદુરી બતાવનાર તુકારામની ૧૭ વાર બદલી થઇ ચૂકી છે. તે ટ્રાન્સફરની તૈયારી સાથે જોેબ કરે છે અને પોતે જ્યાં જાય છે ત્યાં ભેળસેળ કરનારાઓને ચીસ પડાવી દે છે.
બે દિવસ અગાઉ તુકારામ મુંઢેની ટીમે એક્સપાયર ડેટ વીતી ગયેલા ૭૫.૨૧ લાખના ફૂડ પેકેટની જપ્તી કરી હતી. નવી મુંબઇ ખાતેની એક કંપનીમાં એક્સપાયર થયેલી ચીજોના લેબલની જગ્યાએ નવા લેબલ ચીપકાવી દેવાનું કૌભાંડ પકડયું હતું. જો આ કૌભાંડ ના પકડાયું હોત તો હજારો લોકોના પેટમાં એક્સપાયરી ડેટવાળો માલ પધરાવી દેવાયો હોત.
ભેળસેળ કરનારાઓને કોઇનો ડર નથી હોતો. તેમને વધુ ને વધુ પૈસા કમાવવા હોય છે. એક્સપાયરી ડેટના માલ પર નવા લેબલ મારવાની સિસ્ટમ રાક્ષસી પ્રવૃત્તિ કહી શકાય. વેપારીઓ કેટલી હદ સુધી લોકોને છેતરી રહ્યા છે તે આ કિસ્સા પરથી જાણવા મળે છે.
મેકડોનાલ્ડ કે બોમ્બે પ્રેસિડન્સી રેડિયો ક્લબ જેવાનું લાઇસન્સ કેન્સલ કરવું તે બહુ નાની સુની વાત નથી. આવી હોટલોને રાજકીય પીઠબળ હોય છે અને આ પીઠબળના જોરે તેમની સામેની સામાન્ય પ્રજાની ફરિયાદને ફગાવી દેવાતી હોય છે. મોટી હોટલો વાળા વારે તહેવારે પોલીસ તંત્ર, રાજકારણીઓ અને કેટલાક મહત્વના ખાતાના અધિકારીઓને મોં મીઠું કરાવીને એક પ્રકારનું સુરક્ષા કવચ ઉભું કરી દે છે.
આવા લોકો જીવાત વાળી ચીજો પણ ગરમ કરીને ગ્રાહકોને વેચતા હતા. ગ્રાહકો રસોડામાં જઇને કશું જોઇ શકતા નથી. ગ્રાહક માટ ેતો ચટાકેદાર ચીજોજ મહત્વની હોય છે. પરંતુ કમિશ્નર તુકારામે મોટી હોટલોની પોલ ખોલી નાખી છે અને તેમને દંડ પણ ફટકાર્યો છે.
દરેક રાજ્યમાં ફૂડ કમિશ્નર હોય છે. માત્ર મહારાષ્ટ્રમાં જ જીવાત વાળી રસોઇ પકડાય છે કેમકે ત્યાં તુકારામ મુંડે જેવા હિંમતભર્યા અધિકારીઓ નથી.
તુકારામ અને અશોક ખેમકા જેવા અધિકારીઓ પ્રજામાં રાજકારણીઓ કરતાં પણ પ્રિય હોય છે. અશોક ખેમકા ૨૦૨૫માં નિવૃત્ત થયા પણ તેમની ૩૩ વર્ષની જોબમાં ૫૭ વાર ટ્રાન્સફર થઇ હતી.
ભારતમાં નબળા કાયદા અને ભ્રષ્ટતંત્ર તેમજ તડજોડવાળા રાજકારણના કારણે અધિકારીઓે સરંડર થઇને રહેવું પડે છે. અધિકારીઓ કડક બનવા જાય છે તો ટ્રાન્સફરનો ભોગ બનવું પડે છે.
તુંકારમ મુંઢેે બે મહિનામાં ૧૦૦૦ ઇન્સપેક્શન કર્યા છે. અનેક લોકો સામે કેસ કર્યા છે અને અનેક હોટલો બંધ કરાવી છે.ગયા અઠવાડિયે પૂણે ખાતેના એક કાર્યક્રમમાં જ્યારે તુકારામ પહોંચ્યા ત્યારે લોકોએ ઉભા થઇને તેમને પાંચ મિનિટ સુધી તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. ખરેખર જો અધિકારીઓ તેમને સોેંપેલી ફરજનો કડકરીતે અમલ કરે છેે તો પ્રજામાં હીરો તરીકે પૂંજાઇ શકે છે.પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા કાળીનાગોને પકડવાનું ઝુંબેશ પ્રશંસાને પાત્ર છે.