Prasangpat
ખાડે ગયેલી વિપક્ષી એકતાઃ સત્તાધારી એનડીએ ધાર્યું કરીને પૂરો લાભ ઉઠાવશે
By GS Team
16 Jul 20263 mins read
૨૦મી જુલાઈથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થઈ રહ્યું છે, ત્યારે વિપક્ષી ગઠબંધનમાં ભંગાણ પડતાં સત્ર તોફાની બનવાની શક્યતા છે. શરદ પવાર જેવા નેતાઓ પણ NDA તરફ ઝુકાવતા હોવાના અહેવાલોથી કોંગ્રેસ હચમચી ગઈ છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કોયલ મલિકે રાજીનામું આપ્યું છે અને DMK પણ વિપક્ષી ગઠબંધનથી અલગ થઈ ગયું છે. રાહુલ ગાંધી દિલ્હીમાં આવી ગયા છે, પરંતુ વિપક્ષી એકતા છિન્નભિન્ન થઈ ગઈ છે.
00:00
00:25
Summarized by AI; it may make mistakes. Check important info
૨૦મી જુલાઈથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થઈ રહ્યું છે, ત્યારે વિપક્ષી ગઠબંધનમાં ભંગાણ પડતાં સત્ર તોફાની બનવાની શક્યતા છે. શરદ પવાર જેવા નેતાઓ પણ NDA તરફ ઝુકાવતા હોવાના અહેવાલોથી કોંગ્રેસ હચમચી ગઈ છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કોયલ મલિકે રાજીનામું આપ્યું છે અને DMK પણ વિપક્ષી ગઠબંધનથી અલગ થઈ ગયું છે. રાહુલ ગાંધી દિલ્હીમાં આવી ગયા છે, પરંતુ વિપક્ષી એકતા છિન્નભિન્ન થઈ ગઈ છે.
00:00
00:25
Summarized by AI; it may make mistakes. Check important info

- પ્રસંગપટ
આગામી સોમવારની ૨૦મી તારીખથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થઈ રહ્યું છે. સંસદનું સત્ર તોફાની રહેશે કે કેમ તે કહી શકાય તેમ નથી, કેમ કે સંસદમાં સરકાર વિરોધી દેખાવો કરનારા પક્ષોમાં બળવો થયેલો છે. વિપક્ષમાં સન્નાટો છે. વિપક્ષી ગઠબંધનના એક પછી એક પડ ઉખડી રહ્યાં છે. શરદ પવાર જેવા રાજકીય ચાણક્ય ગણાતા નેતા પણ સત્તાધારી એનડીએ તરફ ઝૂકતા હોવાના અહેવાલો વિપક્ષને, ખાસ કરીને કોંગ્રેસને હચમચાવી રહ્યા છે. વિપક્ષ પાસે કોઈ એવો સર્વમાન્ય નેતા નથી કે જે તૂટતી તૃણમૂલ કોંગ્રેસને બચાવી શકે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નારાજ સાંસદોને સમજાવી શકે.
વિપક્ષી ગઠબંધનના સાથીઓ વચ્ચે હવે બોલ્યાનો વ્યવહાર નથી. વિપક્ષનો મજબૂત સાથી તમિળનાડુનો ડીએમકે પક્ષ હતો તેમજ બહુ બોલકા પક્ષ તરીકે તૃણમૂલ કોંગ્રેસ હતી. પરંતુ ડીએમકેનો તમિળનાડુમાં સાથ છોડીને કોંગ્રેસે સત્તાધારી પક્ષ ટીવીકેનો હાથ પકડતાં ડીએમકેએ હવે વિપક્ષી ગઠબંધનનો સાથ છોડી દીધો છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ હવે સાવ જ હતાશ થઈ ગઈ છે. ગઈકાલે અભિનેત્રી કોયલે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપતાં મમતાને વધુ એક ફટકો પડયો છે. ગયા મે માસમાં એટલે કે વિધાનસભાની ચૂંટણી પહેલાં કોયલે રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધાં હતાં અને હવે માત્ર ત્રણ મહિનામાં જ તેઓ રાજીનામું આપી રહ્યાં છે. સોમવારે સંસદનું શિયાળુ સત્ર શરૂ થાય તે પહેલાં કોયલ મલિકે રાજીનામું આપ્યું છે. રાજ્યસભામાં તમિળનાડુ કોંગ્રેસના ૨૦થી વધુ સાંસદો તૂટયા છે.
છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લાપતા હોવાના હોડગ્સ જોવા મળતા હતા. જોકે આજે તેઓ દિલ્હીમાં આવી ગયા છે અને 'છાત્રોં કી ગૂંજ' કાર્યક્રમની તૈયારી કરી રહ્યા છે. કોક્રોચ જનતા પાર્ટીના જંતરમંતર ખાતેના સરકાર વિરોધી દેખાવો તેમજ છેલ્લા બે અઠવાડિયાથી વાંગચુકના આમરણ ઉપવાસ દરમિયાન રાહુલ ગાંધી ત્યાં ફરક્યા નહોતા. હવે રાહુલ દિલ્હીમાં છે ત્યારે સીજેપીના આંદોલનને નવી દિશા મળી શકે છે. અહીં આપને ૨૦ જુલાઈની સંસદની સ્થિતિની વાત કરી રહ્યા છીએ. સંસદનું આ સત્ર વિપક્ષોની કસોટી સમાન બની જવાનું છે. વિપક્ષો અંદરોઅંદર કપાઈ ગયા છે. સત્તાધારી પક્ષ એનડીએનો વિરોધ કરવાના બદલે તેઓ પોતાના એક સમયના સાથી પક્ષોનો જ વિરોધ કરવાના છે.
૨૦મીથી શરૂ થયેલા ચોમાસું સત્રની બેઠક વ્યવસ્થા પર સૌની નજર છે. વિપક્ષમાં પડેલા ભાગલાના કારણે તેમની બેઠક વ્યવસ્થા પણ અલગ રહેવાની છે. ડીએમકે અને તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર સાંસદોએ અલગ બેઠક વ્યવસ્થા માંગી છે. રાહુલ ગાંધી જ્યારે લોકસભામાં કોઈ રજૂઆત કરવા ઊભા થતા હતા ત્યારે તેમને ડીએમકે અને તૃણમૂલના સાંસદોનો ટેકો મળતો હતો. સત્તાધારી એનડીએના નેતા કોઈ રજૂઆત માટે ઊભા થાય ત્યારે હોબાળો કરીને તોફાન કરતા સાંસદો હવે ડાહ્યાડમરા થઈને બેસી રહેશે, કેમ કે ઊહાપોહ કરતા સાંસદો હવે એનડીએ તરફી બની ગયા છે.
ચોમાસું સત્રની બેઠક વ્યવસ્થા અને વિપક્ષી નેતાઓના ચહેરા જોવા લાયક બની જવાના છે, કેમ કે પાંચ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોએ વિપક્ષી એકતાને છિન્નભિન્ન કરી નાખી છે. છેલ્લા એક મહિનાથી કોણ ક્યારે તૂટશે તેની ગણતરી કરાતી હતી. તૃણમૂલ કોંગ્રેસની હારે એક મજબૂત વિપક્ષની વિરોધ કરવાની ક્ષમતાને હણી નાખી છે. શરદ પવારે બતાવેલો એનડીએ તરફી ઝોક વિપક્ષને હચમચાવી રહ્યો છે. એનસીપી (શરદ પવાર) મહિલા અનામત બિલ અને સીમાંકન બિલને ટેકો આપવાની તૈયારી બતાવે છે કે વિપક્ષને સંગઠિત રાખતો શરદ પવાર નામનો એક મજબૂત સાંધો છૂટો પડી ગયો છે. સુપ્રિયા સુલેએ કહ્યું છે કે, 'અમે ઉપરોક્ત બંને બિલોને ટેકો આપવાના છીએ, એનો અર્થ એ નથી કે અમે એનડીએની સાથે છીએ.'
ભૂતપૂર્વ નાણાપ્રધાન અને કોંગ્રેસના સિનિયર નેતા પી.ચિદમ્બરમે કહ્યું હતું કે ભાજપ સીમાંકન બીલને પાસ કરાવવા ડીએમકે અને શરદ પવારના સંપર્કમાં છે.ચિદમ્બરમે કહ્યું છે કે એક સમયે આ બંને પક્ષોએ બિલની વિરૂદ્ધમાં મતદાન કર્યું હતું. હવે જ્યારે તે બિલના તરફેણમાં મતદાન કરશે તો તે ગદ્દારી કહેવાશે. ટૂંકમાં ૨૦ જુલાઇથી શરૂ થતું ચોમાસુ સત્ર અનેક રાજકીય દાવપેચથી ભરેલું હશે.









