નંદીગ્રામની પેટા ચૂંટણીનો જંગ મમતા માટે પડકારોથી ભરેલો...
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- મમતાના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યા પછી કોંગ્રેસને ટેકો આપવો પડયો
- પ્રસંગપટ
- તૃણમૂલ કોંગ્રેસના બળવાખોરો મમતાને પડકારતા હતા કે નંદીગ્રામ બેઠક પરથી લડો અને જીતી બતાઓ
મમતા બેનરજી વારંવાર માથું ઊંચકવા પ્રયાસ કરી રહ્યાં છે અને પોતાનો જુસ્સો ફરી લોકો સમક્ષ લાવવા મથે છે, પરંતુ તેમની સ્થિતિ 'એક સાંધે ત્યાં તેર તૂટે' જેવી છે. નંદીગ્રામ વિધાનસભા બેઠક પર થનારી પેટાચૂંટણી મમતા માટે પ્રતિષ્ઠાનો સવાલ હતી, કેમ કે તે બેઠક ભાજપે જીતી હતી. પેટાચૂંટણી જાહેર થઈ ત્યારે મમતાએ એકલા હાથે ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. કોંગ્રેસે કહ્યું હતું કે વિપક્ષ એક થઈને ભાજપને નંદીગ્રામ બેઠક પરથી હરાવે, પરંતુ મમતા તે વાત માનતાં નહોતાં.
નંદીગ્રામ બેઠક ભાજપ પણ ગુમાવવા તૈયાર નથી. મમતા બેનરજીના ૬૦ જેટલા ધારાસભ્યો તૃણમૂલ કોંગ્રેસ છોડીને જતા રહ્યા છે. બળવાખોરોએ પોતાનો અલગ પક્ષ પણ રચ્યો છે. મમતા સતત પોતાની જાળમાં ફસાતાં જાય છે. તેઓ સગાવાદ સામે પગલાં લેવા તૈયાર નથી. દરેક જણ અભિષેક બેનરજીની સામે ફરિયાદ કરી ચૂક્યા છે. સત્તા પર હતાં ત્યારે મમતા બેનરજીને 'જય શ્રી રામ'ના નારાથી ચીડ હતી અને અનેક વાર પોતાની નફરત આ નારા સામે જાહેરમાં બતાવી ચૂક્યાં છે.
જોકે હવે રાજકીય બાજી પલટાયા બાદ તેઓ અને તેમના વફાદાર સભ્યો જ્યાંથી પણ પસાર થાય છે, ત્યાં લોકો 'જય શ્રી રામ'ના નારા લગાવીને તેમને ચીડવે છે. નંદીગ્રામની બેઠક પરના મમતાના ફિયાસ્કાની વાત કરીએ તો, તેમણે જે ઉમેદવાર પસંદ કર્યા હતા તે સંચિતા પ્રધાન દેવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ ચૂંટણી જંગમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો હતો. મમતાએ આ અપમાન ગળી જવું પડયું હતુંત સમયના અભાવે તેઓ તેમની જગ્યાએ નવો ઉમેદવાર મૂકી શક્યાં નહોતાં, એટલે ચૂંટણી જંગ લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનને ટેકો આપવાની જાહેરાત કરી હતી. મમતાએ કોંગી ઉમેદવારને ટેકો આપવાની જાહેરાત કરી તે સાથે જ પશ્ચિમ બંગાળની સરકારે એક જૂના કેસમાં મિલન પ્રધાનની ધરપકડ કરી હતી.
મામલો એવો ગૂંચવાયો કે કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ માટે ચૂપ રહેવાની સ્થિતિ સર્જાઈ હતી, કેમ કે મિલન પ્રધાનની ધરપકડ ૨૦૦૭ના હિંસક આંદોલનના કેસમાં કરાઈ હતી.
વાત આટલેથી નથી અટકતી. મિલન પ્રધાનને મમતા ટેકો આપે તે પશ્ચિમ બંગાળના કોંગીજનોને પસંદ નહોતું. ખાસ કરીને અધીર રંજન ચૌધરીએ કોંગી મોવડીમંડળ સમક્ષ જાહેરમાં પોતાની નારાજગી દર્શાવી હતી. પોતે કોંગ્રેસનો ટેકો આપવા કે લેવા નથી માંગતાં એવું વારંવાર ખોંખારીને કહી ચૂકેલાં મમતાએ અંતે કોંગ્રેસ સાથે હાથ મિલાવીને નાકલીટી તાણવી પડી હતી.
મમતા બેનરજી માટે આ મુશ્કેલ સમયગાળો છે. તેમનાં દરેક પગલાં રાજકીય રીતે નિષ્ફળ સાબિત થઈ રહ્યાં છે. પેટાચૂંટણીના જંગમાં નંદીગ્રામની બેઠક જીતવી વિપક્ષ માટે લોઢાના ચણા ચાવવા સમાન બની ગઈ છે.
૬ ઓક્ટોબરે પેટાચૂંટણી છે. ૩ ઓક્ટોબર સુધી કોંગી ઉમેદવાર મિલન પ્રધાન જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે, માટે તેઓ ચૂંટણીમાં પ્રચાર કરી શકશે નહીં. કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળની સરકારને કહ્યું છે કે જો મિલન પ્રધાનને જામીન મળી જાય તો તેમનો પ્રચાર નિવઘ્ન થાય તેવી વ્યવસ્થા કરવાની જવાબદારી રાજ્ય સરકારની રહેશે.
મિલન પ્રધાન સામે ૧૨ જેટલા કેસ છે. તેમાંથી કેટલાક કેસ અગાઉની મમતા સરકારે પાછા ખેંચેલા છે. વિપક્ષ એવો આક્ષેપ કરે છે કે રાજ્ય સરકાર મિલન પ્રધાન સામેના જૂના કેસોની ફાઇલ ફંફોસી રહી છે અને તેમને ફરી વાર જામીન મળે તે પહેલાં ફરી ધરપકડ કરી લેવાય એવો તખ્તો ઘડાઈ રહ્યો છે.
મમતા બેનરજી માટે નંદીગ્રામ બેઠક એસિડ ટેસ્ટ સમાન હતી. આ બેઠક પરથી જ તેઓ હાર્યાં હતાં. તૃણમૂલ કોંગ્રેસના બળવાખોરો મમતાને કહેતા હતા કે તમારામાં તાકાત હોય તો નંદીગ્રામ બેઠક પરથી લડો અને જીતી બતાવો. પરંતુ મમતા જાણતાં હતાં કે ભાજપ તેમને હરાવીને ફરી મોટો રાજકીય ફટકો મારી શકે છે.
નંદીગ્રામ બેઠક પરના જંગમાં દર અઠવાડિયે એક ટ્વિસ્ટ જોવા મળ્યો છે, જેમાં મમતાના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચવાથી માંડીને, કોંગ્રેસના ઉમેદવારને જેલ અને મમતાના પક્ષને સિમ્બોલ નવો મળ્યો વગેરેનો સમાવેશ થાય છે.




