Prasangpat

ટેકનોલોજીનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરનારા સામે ભારતે ઝૂકવું ન જોઇએ

By GS Team
10 Oct 20263 mins read
TukuTouch Logo
વિશ્વના પહેલા ટ્રિલિયોનેર ઇલોન મસ્ક 'ન્યૂ ઇન્ડિયા'ને સમજવામાં થાપ ખાઈ ગયા છે. ભારતમાં સ્ટારલિંક ઇન્ટરનેટ સેવા શરૂ કરવા નિયમો પાળવા જરૂરી છે. મસ્કે મુકેશ અંબાણીના પ્રભાવ સામે સવાલ ઉઠાવીને આક્ષેપો કર્યા હતા. ભારતના સંચાર મંત્રાલયે સ્પષ્ટતા કરી કે નિયમનકારી માળખું નિષ્પક્ષ છે. મસ્ક બિઝનેસમેન છે, તેઓ ગમે ત્યારે સોરી કહેતાં અચકાશે નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

ટેકનોલોજીનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરનારા સામે ભારતે ઝૂકવું ન જોઇએ
  • ટ્રિલિયોનર મસ્કનો સામનો હવે 'ન્યુ ઇન્ડિયા' સામે થઈ રહ્યો છે
  • પ્રસંગપટ
  • પોતાને કોઇ રોકી ન શકે તેવા મદમાં રાચતા ઇલોન મસ્કની હવા ભારતે સ્ટારલિંકના કિસ્સામાં કાઢી નાખી છે

વિશ્વના પહેલા ટ્રિલિયોનેર ઇલોન મસ્ક 'ન્યૂ ઇન્ડિયા'ને સમજવામાં થાપ ખાઈ ગયા છે. મસ્ક માનતા હતા કે તેમનું ફૂલહારથી સ્વાગત થશે અને તેમની કંપની ધારે તે કરી શકશે, પરંતુ તેમનો પગ ન્યૂ ઇન્ડિયાના કૂંડાળામાં પડી ગયો છે. એક અમેરિકન કંપનીને, ખાસ કરીને ઇલોન મસ્કની સ્ટારલિન્ક કંપનીને અટકાવી દેવાઈ તે અહેવાલો વિશ્વભરમાં ત્વરિત પ્રસરી ગયા હતા. પોતાની કંપનીને અટકાવાઈ છે એમ કહીને ઇલોન મસ્કે આડેધડ આક્ષેપબાજી કરી હતી. ભારતમાં સ્ટારલિંક ઇન્ટરનેટ સેવા શરૂ કરવી આસાન નથી જ. તે માટેના નિયમો પાળવા જરૂરી છે.
હજુ તો, ગયા અઠવાડિયે જ ભારતની કંપની એસ્સારને અમેરિકામાં પ્રવેશ આપતી વખતે ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે લાલજાજમ બિછાવીને કંપનીના મેનેજમેન્ટની પીઠ થાબડી હતી. બીજી તરફ પોતાને કોઈ રોકી શકે નહીં તેવા મદમાં ફરતા મસ્કની હવા ભારતે કાઢી નાખી છે. મસ્કે તુમાખી બતાવીને પોતાના દાવાના પુરાવા આપ્યા વિના 'શક્તિશાળી ઉદ્યોગપતિઓ' પર ભારતમાં દેશના લોકો પર તેમની મોનોપોલી જાળવી રાખવા માટે સ્ટારલિંકના લોન્ચિંગને રોકવાનો આરોપ મૂક્યો હતો. મસ્ક ગુરુવારે વધુ એક કદમ આગળ વધ્યા હતા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરપર્સન મુકેશ અંબાણીના પ્રભાવ સામે સવાલ ઉઠાવ્યા હતા. સ્ટારલિંકે ભારતીય નિયમોનું પાલન કરવામાં વર્ષો વિતાવ્યાં છે તેવો દાવો કર્યા પછી હજુ પણ લાયસન્સ કેમ નથી તે અંગે સવાલ કર્યા બાદ તેમણે એક્સ (ટ્વિટર) પર લખ્યું, 'શું અંબાણી ભારતના અસલી બોસ છે?'
ભારતના સંચાર મંત્રાલયે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે સેટેલાઇટ સંચાર માટેનું તેનું નિયમનકારી માળખું નિષ્પક્ષ અને ભેદભાવ રહિત છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સ્ટારલિંક અને અન્ય બે લાયસન્સ ધરાવતા સેટેલાઇટ ઓપરેટરો 'મોટાભાગે સમાન નિયમનકારી તબક્કે' છે. તેમાં ઉમેરવામાં આવ્યું હતું કે સ્પેક્ટ્રમ (રેડિયો ફ્રીક્વન્સી, જેનો ઉપયોગ ઉપગ્રહો સિગ્નલ મોકલવા માટે કરે છે) મેળવવાની વિનંતી કરતા પહેલાં આ ત્રણેય કંપનીઓ સુરક્ષા મૂલ્યાંકનમાંથી પસાર થઈ રહી છે, જે પૂર્ણ થવું જરૂરી છે.
એક તરફ દિલ્હીમાં ટેલિકોમ ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સ 'ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ' ચાલી રહી છે, ત્યારે બીજી તરફ મસ્ક ભારતની લાયસન્સ સિસ્ટમ પર આક્ષેપો કરી રહ્યા હતા. મસ્કે આક્ષેપો કર્યા ત્યારે તેમની કંપનીના અધિકારી લોરેન ડ્રાયર પણ કોન્ફરન્સમાં હાજર હતા. તેઓ ભારતની સિસ્ટમના વખાણ કરતા હતા, ત્યારે તેમના બોસ મસ્ક ભારતની સિસ્ટમની ટીકા કરતા હતા.
ઇલોન મસ્કે સૌપ્રથમ ૨૦૨૧માં ભારતમાં સ્ટારલિંક લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, જરૂરી લાયસન્સ મેળવતાં પહેલાં 'સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા આપવા' બદલ ભારતની સરકારે વાંધો ઉઠાવ્યા બાદ ૨૦૨૨ની શરૂઆતમાં તેનાં સાધનો માટેના પ્રી-ઓર્ડરના નાણાં પરત કરવાં પડયાં હતાં.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બળતામાં ઘી હોમતાં હોય એમ મસ્કને કહ્યું છે કે, 'તમારું ભારતમાં સ્વાગત છે, પરંતુ સત્તા પર નવો ચહેરો આવે ત્યાં સુધી રાહ જુઓ.' વિપક્ષ આ વિવાદમાં પોતાનો રોટલો શેકે તે સ્વાભાવિક છે. છેલ્લાં પાંચ વર્ષમાં અમેરિકા અને ઇલોન મસ્કને વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ વિસ્તારોમાં સ્ટારલિંક તૈનાત કરવા માટે અવારનવાર એકસાથે કામ કરતા જોયા છે. યુક્રેનમાં, સ્ટારલિંક ટમનલ્સે રશિયા સામે યુક્રેનના આક્રમણની કરોડરજ્જુ તરીકે કામ કર્યું છે. દરમિયાન ઈરાનમાં, ઇલોન મસ્કે સ્ટારલિંક કનેક્ટિવિટી સક્રિય કરવાનો આદેશ આપ્યો, જેથી કથિત રીતે ઇઝરાયેલી ગુપ્તચર સંસ્થાઓની મદદથી સ્મગલ કરાયેલા યુનિટ્સનો ઉપયોગ કરી શકાય. આ એવા કિસ્સાઓ છે જ્યાં મસ્કની સંપૂર્ણ મંજૂરી સાથે રાષ્ટ્રો દ્વારા અન્ય રાષ્ટ્રો સામે સ્ટારલિંકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ભારતે મસ્કની ચાલબાજી સામે ઝૂકવું જોઈએ નહીં. આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં તમામ દેશો, અને ખાસ કરીને અમેરિકા તેમની અગ્રણી કંપનીઓને વિશ્વભરમાં ધકેલે છે તથા ટેકનોલોજીનો શ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. આવી કંપનીઓને કાયદાથી બાંધી રાખીને સરકારે સાવચેત રહેવાની જરૂર છે. જોકે, મસ્ક બિઝનેસમેન છે, તેઓ ગમે ત્યારે સોરી કહેતાં અચકાશે નહીં.