Prasangpat

જોબ ભક્ષક યાદીમાં મંદી અને AI પછી હવે EVની એન્ટ્રી

By GS Team
30 Jun 20263 mins read
TukuTouch Logo
ચીની EV સ્પર્ધાને કારણે ફોક્સવેગન 1 લાખ કર્મચારીઓને છૂટા કરશે. કંપનીના 89 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર જર્મનીના 4 પ્લાન્ટ બંધ થશે. બીએમડબલ્યુ જેવી બ્રાન્ડ્સને પણ ફટકો પડ્યો છે. આગામી 6 મહિનામાં તબક્કાવાર છટણી થશે. રિસર્ચ બજેટમાં પણ 15%નો કાપ મુકાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

જોબ ભક્ષક યાદીમાં મંદી અને AI પછી હવે EVની એન્ટ્રી
  • ફોક્સવેગનના એક લાખ કર્મચારીઓ જોબ ગુમાવશે
  • પ્રસંગપટ
  • યુરોપની કારની સરખામણીમાં ચીનની બ્રાન્ડ્ઝ બહેતર અને સસ્તી સાબિત થઇ રહી છે
    છેલ્લા કેટલાક સમયથી આટફિશિયલ ઇન્ટેલિજન્સ જોબ ભક્ષક તરીકે ખૂબ ચર્ચાય છે. એઆઈને કારણે દુનિયાભરના હજારો-લાખો લોકોની નોકરી સ્વાહા થઈ ગઈ. જોબ ભક્ષકની આ યાદીમાં ઇલેક્ટ્રિક વ્હીકલ (ઈવી)નો ઉમેરો થયો છે. ચાઇનીઝ ઇવીના કારણે એક લાખ લોકો જોબ વિહોણા બની જવાના છે.
    બીએમડબલ્યુ અને ફોક્સવેગન જેવી ખૂબ જાણીતી બ્રાન્ડ્સને ચીનનાં ઇલેક્ટ્રિક વ્હીકલ ઉત્પાદનો ફટકો મારી રહ્યાં છે. આ ફટકાની સીધી અસર સ્ટાફના કપાતના સ્વરૂપમાં દેખાઈ રહી છે. બીવાયડી, ચેરી, એસએઆઈસી અને લીપમોટર જેવી ચાઇનીઝ બ્રાન્ડે યુરોપના માર્કેટ પર હલ્લો કર્યો છે. ચીને ગયા વર્ષ કરતાં લગભગ બમણી ગાડીઓ યુરોપના માર્કેટમાં મોકલી છે. એક લાખ કર્મચારીઓની જોબ પર ફોક્સવેગનનું વ્હીલ ફરી જવાનું છે. ફોક્સવેગન કાર કંપનીના ૮૯ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર કર્મચારીઓની નોકરી આંચકી લેવાની ઘટના બનવાની છે. કંપનીના જર્મની ખાતેના ચાર પ્લાન્ટ બંધ થવા જઈ રહ્યા છે.
    ચીને ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટમાં પેદા કરેલી તીવ્ર સ્પર્ધામાં ફોક્સવેગન ટકી શકે એમ લાગતું નથી. કંપની પોતાના રિસર્ચ બજેટમાં પણ ૧૫ ટકાનો કાપ મૂકી રહી છે. એક લાખ લોકોને આજકાલમાં એકસાથે કાઢવામાં નહીં આવે, પણ આગામી છ મહિનામાં તબક્કાવાર છટણી થશે. કંપની ચાર પ્લાન્ટ બંધ કરી દેશે અને એક લાખ જેટલા સ્ટાફે રવાના થઈ જવું પડશે.
    કંપનીના જર્મની સ્થિત વોલ્ફસબર્ગ હેડક્વાર્ટર્સમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરના રોકાણ પર ૧૫ ટકાનો કાપ મૂકવામાં આવશે. હેનોવર, ઝ્વિકાઉ અને એમડેન ખાતેનાં પ્રોડક્શન બંધ કરી દેવામાં આવશે. અલબત્ત, અગાઉ ફોક્સવેગનના મેનેજમેન્ટે સંકેત જરૂર આપ્યો હતો કે ૨૦૩૦ સુધીમાં ૫૦,૦૦૦ જેટલા જર્મનોની નોકરી કપાશે.
    ચીનની ઇલેક્ટ્રિક વ્હીકલ કંપનીઓએ ઊભી કરેલી સ્પર્ધાની સીધી અસર ફોક્સવેગનને થઈ છે. એક સમયે ફોક્સવેગન ચીનમાં સૌથી વધુ વેચાતી કાર હતી, પરંતુ હવે તેણે તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડે છે. ચીનની જેમ યુરોપમાં પણ લોકો ફોક્સવેગનનું માર્કેટ ગગડયું છે. ચીનની ઇવી કાર સસ્તી અને વધુ ટેકનોલોજીયુક્ત હોય છે.
    આથક ખેંચ ઊભી થાય એટલે મોટી કંપનીઓ સ્ટાફની સંખ્યા પર કાતર ફેરવતી હોય છે. આ વખતનો એપ્રિલ મહિનો ટેકનોલોજી સાથે સંકળાયેલા સ્ટાફ માટે જોખમી સાબિત થયો હતો. મેટા, એમેઝોન, ઓરેકલ ઉપરાંત અન્ય નાની-મોટી મળીને ૯૮ જેટલી કંપનીઓએ ૯૨,૦૦૦ જેટલા સ્ટાફની નોકરી છીનવી લીધી હતી. કેટલીક કંપનીઓ દેવામાં ડૂબેલી હતી, તો કેટલીક આગળ વધવા નહોતી માગતી. સ્ટાફને દૂર કરવા પાછળ આટફિશિયલ ઇન્ટેલિજન્સનું નામ આગળ ધરી દેવામાં આવે છે. છેલ્લાં બે વર્ષથી જોબ-કટનો સિલસિલો શરૂ થયો છે.
    એક લાખ જોબ કટના પ્લાનમાં જો ફોક્સવેગન સફળ થશે, તો બિઝનેસના ઇતિહાસમાં સૌથી વધુ નોકરી આંચકી લેનાર કંપની તરીકે તે ટોપ પર મૂકાશે. ૧૯૯૦ના દાયકામાં જનરલ મોટર્સે ૭૪,૦૦૦ સ્ટાફની જોબ આંચકી હતી, તો ૧૯૯૩માં આઇબીએમએ ૬૦,૦૦૦ની જોબ આંચકી હતી. ફોક્સવેગનનો અમેરિકામાં એક જ પ્લાન્ટ છે.
    ચીનના કારમેકર્સ સસ્તા ભાવે ઇવી વ્હીકલ વિશ્વના દેશોમાં નિકાસ કરી રહ્યા છે. યુરોપના કાર ઉત્પાદકો માટે ચીનની ગાડીઓ, ખાસ કરીને બીવાયડી, પડકાર બની ગઈ છે. યુરોપની કાર કંપની બીએમડબલ્યુએ પણ આ મહિને પોતાના સ્ટાફમાં પાંચ ટકાના કપાતની જાહેરાત કરી છે. કહે છે કે ચાઇનીઝ બ્રાન્ડનાં વ્હીકલ ૨૦૩૧ સુધીમાં યુરોપની કાર માર્કેટનો ૧૭ ટકા હિસ્સો પચાવી પાડશે.
    પોર્શ, સ્કોડા, ઓડી જેવી ગાડીઓ ફોક્સવેગન ગુ્રપનો હિસ્સો છે. ફોક્સવેગન ગુ્રપમાં ૬,૬૩,૦૦૦ કર્મચારીઓ કામ કરે છે. વિશ્વમાં સૌથી વધુ કાર વેચતી કંપની ટોયોટામાં ૩,૯૦,૯૨૭ કર્મચારીઓ છે. એટલે કે ટોયોટા કરતાં ફોક્સવેગન ગુ્રપમાં બમણો સ્ટાફ કામ કરે છે. ચીન ઓલરેડી અનેક બિઝનેસને ગળી ચૂક્યું છે. હવે તેમાં ઇવી કાર ઉત્પાદનનો ઉમેરો થયો છે.