ભરાયેલા વરસાદી પાણીએ લકઝરી હોમના લોકોની ઊંઘ હરામ કરી નાખી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- પાણીનો નિકાલ મોટા શહેરોમાં સળગતી સમસ્યા છે
- પ્રસંગપટ
- રેસીડેન્સપ્રોજક્ટ ઊભો કરવા સાથેજ રેન વોટર હાર્વેસ્ટીંગ, વોટર રિસાયકલીંગ વગેરેનું ખાસ ધ્યાન રાખવું પડશે
બદલતા હવામાન અને વધતી કુદરતી હોનારતોના પગલે ઓફિસ અને રેસિડન્સ ખરીદનારા ચેતી ગયા છે. ઓફિસનો વિસ્તાર ભલે કોર્પોરેટ ટચવાળો હોય પરંતુ સખત્ત વરસાદમાં ત્યાં પહોંચી ના શકાય કે ત્યાંથી નીકળી ના શકાય તો શું કામનું? એવુંજ શહેરથી દૂર શાંતિ ઝંખતા લોકો ફાર્મ હાઉસ કે લકઝરી બંગલા ખરીદતા હોય છે. રાત્રે એકલ દોકલ લોકો પણ ફરકતા ના દેખાય એવા વિસ્તારોમાં રહેતા લોકો માટે સખત્ત વરસાદ અને ગરમી પરેશાન કરતી ગઇ છે.
આ વર્ષે સખત્ત ગરમી બાદ પડેલા સખત્ત વરસાદે લોકોના લકઝરી હોમના સપનાને ધોઇ નાખ્યું હતું. શહેરથી દુર નવી સ્કીમો અને લકઝરી હોમમાં રહેવાનો અભરખો રાખનારા અટવાઇ ગયા હતા. અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં લકઝરી હોમ જોવા મળે છે એવું નથી. નડિયાદ આણંદ, સાણંદ, દહેગામ જેવા વિસ્તારોમાં પણ લકઝરી હોમ જોવા મળે છે અને નોનરેસીડેન્ટ ઇન્ડિયન ત્યાં રોકાણ કરતા હોય છે.
શહેરથી દુર રહેવાની મજા એમ કહેનારાઓએ આ વર્ષે પોતાના વિચારો બદલવાની જરૂર પડશે. અનેક લોકોના ઘર મોટા હતા પરંતુ તે લોકો ત્રણ-ત્રણ દિવસ સુધી ઘરની બહાર નીકળી શક્યા નહોતા. જે લોકોને પોતાના પાડોશી કોણ છે તેમની ખબર નહોતી તેમની સાથે કલાકો વિતાવવા પડયા હતા. લકઝરી હોમ ખરીદનારા ક્લબ હાઉસ,બોર, પાણીની-વિજળીની વૈકલ્પિક સવલતો, સ્વિમીંગ પુલ, મોર્નિંગ વોક વે વગેરેનું ધ્યાન રાખતા લોકો નજીકમાં મંદિર કે દેરાસરનો આગ્રહ રાખે છે પરંતુ વિસ્તારમાં ભરાયેલા પાણીના નિકાલની વ્યવસ્થાનું ક્યારેય વિચારતા નહોતા. પરંતુ હવે દરેક જાણી ગયા છે કે સ્કીમ ગમે તેટલી મોટી હોય કે તેના ડેવલોપર્સ ભલે વગદાર હોય પરંતુ પાણીના નિકાલની વ્યવસ્થા જે તે કોર્પોરેશન કે નગર પાલિકા કરતી હોય છે.
પાણીનો નિકાલ મોટા શહેરોમાં સળગતી સમસ્યા છે. સતત ડેવલોપમેન્ટના કારણે નવા વિસ્તારોમાં ડેવલોપ થયા કરે છે. વરસાદની વિદાય બાદ બાંધકામો ફરી શરૂ થશે. ખેતી લાયક જમીનોમાં વિશાળ ફ્લેટો કે બંગલા તૈયાર થતા જોવા મળશે. નવી કોલોનીમાં સિમેન્ટના રોડનો આગ્રહ રાખવામાં આવે છે. સિમેન્ટના રોડના કારણે પાણી જમીનમાં ઉતરતું નથી અને બહાર રહીને વહેણની દિશામાં ખેંચાઇ જાય છે. કેટલીક સ્કીમો તળાવ પુરીને બનાવેલી હોય છે. તેના કારણે કુદરતી વહેણ બંધ થઇ ગયા હોય છે.
મોટાભાગની સ્કીમો માટી દબાવીને થોડી ઉંચાઇ પર રાખવામાં આવે છે જેથી સ્કીમની જગ્યા પર પાણીના ભરાય. આવું દરેક નવી સ્કીમોમાં જોવા મળ છે. સ્કીમ ઉંચાઇ પર હોવાથી તેમજ ત્યાં સિમેન્ટના રોડ હોવાથી પાણી ભરાતું નથી અને જમીનમાં પણ ઉતરતું નથી. જેના કારણે પાણી બહાર જતું રહે છે અને રોડ પર વહેવા લાગે છે. આવુંજ આસપાસના દરેક વિસ્તારોનું હોય છે. આ પાણીના ત્વરીત નિકાલની વ્યવસ્થા સ્કીમ ઉંચાઇ પર હોવાથી ત્યાં પાણી ભરાતું નથી પણ અવર જવરના માર્ગ પર જ્યારે ઘૂંટણ સમાન પાણી ભરાયા હોય ત્યારે લકઝરી હોમમાં રહેનારાને યાતના ભોગવવી પડે છે.
ગામડાના લોકો શહેર તરફ આવી રહ્યા છે. વિશ્વ બેંકનું તારણ છે કે ૨૦૫૦ના વર્ષ સુધીમાં વિશ્વની ૭૦ ટકા વસ્તી શહેરોમાં રહેતી હશે. લોકો શહેરમાં વસવાટ કરતા થશે એટલે હાઉસીંગ, ટ્રાન્સપોર્ટ, પાણીનો નિકાલ વગેરેની સવલતોની જરૂર પડશે. મોટી સ્કીમોના ડેવલોપર્સે માત્ર મકાનો ઉભા કરી દેવા પર ધ્યાન આપવાના બદલે વિસ્તારના વિકાસના પગલે ઉભી થનારી ઇકો સિસ્ટમ પર પણ ધ્યાન આપવું પડશે. લોકોએ પણ બિલ્ડરોને પાણીના નિકાલ અંગે પ્રશ્નો પૂછવા પડશે. રેસીડેન્સ પ્રોજક્ટ ઉભો કરવા સાથેજ રેન વાટેર હાર્વેસ્ટીંગ, વોટર રિસાયકલીંગ, રીન્યૂએબલ એનર્જી વગેરેનું ખાસ ધ્યાન રાખવું પડશે.









