સ્વતંત્ર ભારતમાં માત્ર એક મહિલા સહિત 750 ગુનેગારોને ફાંસી અપાઇ છે

- મેરઠની કોર્ટે બે ચુકાદામાં ફાંસીની સજા ફરમાવીને સેન્સેશન ઉભું કર્યું છે
- પ્રસંગપટ
- ફાંસીની સજા થાય પછી તે ચુકાદો અનેક કાનૂની તબક્કાઓમાંથી પસાર થાય છે, દયાની અરજી પણ હોય છે
જ્યારે ભારતની કોર્ટમાં કોઇ ગુના હેઠળ મહિલાને ફાંસીની સજા સંભળાવાય ત્યારે લોકોમાં સેન્સેશન ઉભું થાય છે. મેરઠની બે કોર્ટે ઉપરા છાપરી બે મહિલાને ફાંસીનો ચુકાદો આપીને ઇતિહાસ સર્જ્યો છે. પંદરેક દિવસ અગાઉ મેરઠની જિલ્લા અને સેશન કોર્ટે મુસ્કાન રસ્તોગી અને તેના સાથી સાહિલ શુક્લાને તેના પતિ સૌરભ રાજપૂતની હત્યા કરી અને તેના શરીરના ટુકડા કરીને સિમેન્ટ ભરેલા લીલા પ્લાસ્ટિકના ડ્રમમાં છુપાવવા બદલ ફાંસીની સજા ફટકારી હતી. ત્યારબાદ એક દિવસ પછી ૧૬ ઓક્ટોબરે, મેરઠની અન્ય એક કોર્ટે રવિતા કશ્યપ અને તેના સાથી અમરદીપને તેના પતિ અમિત કશ્યપની હત્યા કરવા અને તેની મૃત્યુને સાપ કરડયા જેવું દર્શાવવા બદલ ફાંસીની સજા સંભળાવી.
આ બેક-ટુ-બેક ફેસલાઓએ ભારતમાં મહિલાઓ પર મૃત્યુદંડના ઉપયોગ અંગે નવી ચર્ચા જગાવી છે. જોકે, મહિલાઓ માટે ફાંસીની સજા બહુ ઓછા કેસમાં જોવા મળી છે. અહીં મહત્વનું એ પણ છેકે ટ્રાયલ કોર્ટના ફેસલાનો અર્થ એ નથી કે ફાંસી આપવામાં આવશે જ.
ભારતમાં અત્યારે લગભગ ૫૭૪ કેદીઓ ફાંસીની સજાની રાહ જોઇ રહ્યા છે. રાજ્યવાર જોઈએ તો ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ કેદીઓ સજા ભોગવી રહ્યા છે, ત્યારબાદ ગુજરાત અને અન્ય રાજ્યોનો ક્રમ આવે છે. સેશન્સ કોર્ટો દ્વારા ફાંસીની સજા આપવામાં આવે છે, પરંતુ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અપીલ, ક્યુરેટિવ પિટિશન અને દયાની અરજીઓની લાંબી કાનૂની પ્રક્રિયાને કારણે અમલ થવામાં વર્ષો નીકળી જાય છે અને ઘણીવાર સજા રદ પણ થાય છે.
ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલો મૃત્યુદંડ આપમેળે ફાંસીમાં પરિણમતો નથી. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ ૪૦૭ હેઠળ, સેશન કોર્ટના મૃત્યુદંડની પુષ્ટિ માટે હાઈકોર્ટમાં મોકલવું ફરજિયાત છે.
દાયકાઓ દરમિયાનના કેસો પર નજર કરીયે તો હાઈકોર્ટો દ્વારા નક્કી કરાયેલા ૧,૦૮૫ ફાંસીના કેસોમાંથી ૧૦૬, અથવા ૯.૭૭ ટકાની ફાંસીની સજા કાયમ કરવામાં આવી હતી. હાઈકોર્ટોએ ૩૭૬ લોકોને નિર્દોષ જાહેર કર્યા અને ૫૧૫ મૃત્યુદંડની સજાને આજીવન કેદ જેવી ઓછી સજાઓમાં બદલી નાખી હતી. એક અહેવાલમાં જણાવ્યા અનુસાર ભારતમાં આઝાદી પછી ૭૫૦ જેટલી ફાંસી અપાઇ છે. ભારતમાં કેટલાક સમયથી ફાંસી આપવાનો વિરોધ પણ થઇ રહ્યો છે. કાયદા અનુસાર સજા પામનારને દરેક સ્તરે મુક્તિની રજૂઆત કરવાની છૂટ અપાય છે.
સુપ્રીમ કોર્ટનો રેકોર્ડ પણ હાઇકોર્ટ જેવો જ છે. સુપ્રિમ કોર્ટે ૨૦૨૩ અને ૨૦૨૫ની વચ્ચે કોઈપણ ફાંસીની સજાને કાયમ નથી કરી. ૨૦૨૫માં ફાંસીની સજા પામેલા ૧૦ લોકોને નિર્દોષ જાહેર કર્યા, જે ૨૦૧૬ પછી આવા નિર્દોષ જાહેર કરવાની સૌથી વધુ વાર્ષિક સંખ્યા હતી.
આ આંકડા એકલા મહિલાઓ માટેના નહીં, પરંતુ એકંદરે મૃત્યુદંડના કેસોને આવરી લે છે. રતન બાઈ જૈન, જેને આઝાદી પછી ભારતમાં ફાંસી આપવામાં આવેલી એકમાત્ર મહિલા તરીકે ઓળખવામાં આવે છે, તેને ત્રણ યુવતીઓની હત્યાના દોષી સાબિત થયા બાદ ૩ જાન્યુઆરી ૧૯૫૫ના રોજ તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી. ત્યાર બાદ ભારતમાં અન્ય કોઈ મહિલાને ફાંસી આપવામાં આવી નથી.
કોઇને પણ ફાંસીની સજા થાય પછી તે ચુકાદો અનેક કાનૂની તબક્કાઓમાંથી પસાર થાય છે. પહેલાં કેસનો ચુકાદો હાઈકોર્ટ પાસે જાય છે તેની તપાસ કરે છે અને તેની પુષ્ટિ કરી શકે છે, તેને હળવી કરી શકે છે, આરોપીને નિર્દોષ જાહેર કરી શકે છે અથવા વધુ કાર્યવાહીનો આદેશ આપી શકે છે. ત્યારબાદ કેસ સુપ્રીમ કોર્ટમાં અપીલ થાય છે. જ્યાં સજા પામેલ દોષિત વ્યક્તિ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં ચુકાદો પડકારી શકે છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી તેની પાસે દયાની અરજીનો વિકલ્પ ઉભો હોય છે.
મેરઠની કોર્ટે બે મહિલાઓને ફાંસીની સજા કરી છે પરંતુ અહીં ઉલ્લેખનીય છે કે આઝાદી પછી ભારતમાં માત્ર એક મહિલાને ફાંસી અપાઇ છે. ટૂંકમાં મેરઠની કોર્ટે જે બે ચુકાદામાં ફાંસીની સજા ફરમાવીને સેન્સેશન ઉભું કર્યું છે તેમની સજા ઉપલી કોર્ટોમાં ક્યાં તો ઘટાડી દેવાશે કે દયાની અરજીનો લાભ મળશે.




