Prasangpat
ચીનના 12,200 કોર્સ પર કાતર ભારતમાં 94,000 સ્કૂલોને તાળાં
By GS Team
14 Jul 20263 mins read
દેશમાં 10 વર્ષમાં 94,000 સરકારી શાળાઓ બંધ થતાં શિક્ષણવિદો ચિંતિત છે. રાજકીય મસ્તીમાં વ્યસ્ત અધિકારીઓને આવતી પેઢીના ભવિષ્યની પરવા નથી. ગ્રામીણ વિસ્તારોમાં શાળાઓની દયનીય સ્થિતિ છે. ચીને 12,200 અંડરગ્રેજ્યુએટ કોર્સ બંધ કરી AI આધારિત નવા કોર્સ શરૂ કર્યા, જે શિક્ષણ પ્રત્યેની ગંભીરતા દર્શાવે છે.
00:00
00:22
Summarized by AI; it may make mistakes. Check important info
દેશમાં 10 વર્ષમાં 94,000 સરકારી શાળાઓ બંધ થતાં શિક્ષણવિદો ચિંતિત છે. રાજકીય મસ્તીમાં વ્યસ્ત અધિકારીઓને આવતી પેઢીના ભવિષ્યની પરવા નથી. ગ્રામીણ વિસ્તારોમાં શાળાઓની દયનીય સ્થિતિ છે. ચીને 12,200 અંડરગ્રેજ્યુએટ કોર્સ બંધ કરી AI આધારિત નવા કોર્સ શરૂ કર્યા, જે શિક્ષણ પ્રત્યેની ગંભીરતા દર્શાવે છે.
00:00
00:22
Summarized by AI; it may make mistakes. Check important info

એજ્યુકેશન ક્ષેત્રે આંખો ખોલતા બે વિરોધાભાસ : અધિકારીઓ રાજકીય મસ્તીના નશામાં વ્યસ્ત છે. આવતી પેઢી ક્યાં ભણશે તેની ચિંતા કોઇને સતાવતી નથી
પ્રસંગપટ
- દેશમાં દસ વર્ષમાં 94,000 સરકારી સ્કૂલોને તાળાં લાગ્યાં છે, તે હેડલાઇન વાંચીને શિક્ષણવિદોનું માથું શરમથી ઝૂકી ગયું હશે. એમ લાગે છે કે સરકારે શિક્ષણ તરફ ધ્યાન આપવાનું નેવે મૂકી દીધું છે. સરકારે મંદિરો તરફ જેટલું ધ્યાન આપ્યું છે, એટલું જ ધ્યાન જો સરકારી સ્કૂલોને શિક્ષણથી સમૃદ્ધ બનાવવામાં આપ્યું હોત તો આજે કેટલીય નવી અને ઉત્તમ સરકારી સ્કૂલો ઊભી થઈ શકી હોત. ૯૪,૦૦૦ સરકારી સ્કૂલોને તાળાં વાગે તે બહુ સંવેદનશીલ વાત છે, પણ લાગતાવળગતાઓના પેટનું પાણી નથી હાલતું. સૌ પોતાની રાજકીય મસ્તીના નશામાં વ્યસ્ત છે. આવતી પેઢી ક્યાં ભણશે, શું ભણશે તેની ચિંતા કોઈને સતાવતી નથી.
સરકારી સ્કૂલોનો ઉપયોગ સૌથી વધુ ટાઉન લેવલ અને ગામડાઓમાં થાય છે. અનેક ગામડાંમાં સ્કૂલોની ભંગાર સ્થિતિ છે. એવું નથી કે સરકારને સ્કૂલોની હાલત વિશે ખબર નથી, પરંતુ સ્કૂલો વોટ ખેંચી લાવતાં કેન્દ્રો નથી તે દરેક રાજકીય પક્ષો જાણે છે. દેશનું યુવાધન શિક્ષણ લેવા માંગે છે, પરંતુ શિક્ષણની સવલતોનો અભાવ તેમને અવરોધે છે.
ચીને તાજેતરમાં શિક્ષણ ક્ષેત્રને સ્માર્ટ બનાવવા લીધેલાં પગલાંનો અહીં ઉલ્લેખ કરવો જોઈએ. પોતાના દેશના હિત માટે કડક નિર્ણયો લેવામાં ચીન વિશ્વના દેશોમાં મોખરે છે. શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવવા ચીનના પ્રયાસની પ્રશંસા વિશ્વમાં એટલા માટે થઈ રહી છે કે ચીને તેની હાયર એજ્યુકેશન સિસ્ટમમાં ઘરમૂળથી ફેરફાર કર્યો છે. પાંચ-દસ નહીં પણ ૧૨,૨૦૦ જેટલા અંડર ગ્રેજ્યુએટ શૈક્ષણિક કોર્સ પર કાતર ફેરવી દીધી છે. પોતાના દેશમાં ચાલતા શૈક્ષણિક કોર્સ બંધ કરીને તેની જગ્યાએ વિદ્યાર્થીઓને આધુનિક વિજ્ઞાાન સાથે સંકળાયેલા આટફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ જેવા નવા કોર્સ શરૂ કર્યા છે.
ચીનના સત્તાધારીઓ માને છે કે સ્પર્ધાના યુગમાં ચીલાચાલુ શૈક્ષણિક કોર્સ જેવા કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન, એચઆર મેનેજમેન્ટ, ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ, એડિટિંગ, એડવર્ટાઇઝિંગ, ફોરેન લેંગ્વેજ વગેરે સ્પર્ધાના યુગને અનુરૂપ નથી, તેથી ચીનના સત્તાવાળાઓએ તેને રદ કરી નાખ્યા છે. ચીનના મતે આવા કોર્સ જોબ અપાવી શકતા નથી, જેના કારણે બેકારીમાં વધારો થાય છે. ચીને પોતાના દેશમાં ચાલતા શૈક્ષણિક કોર્સ પૈકી ૩૦ ટકા બંધ કરી દીધા છે અને તેના સ્થાને બીજા ૧૦,૨૦૦ કોર્સ અમલી બનાવ્યા છે. દરેક નવા કોર્સનું સિલેબસ એઆઈ આધારિત તૈયાર કરાયું છે.
ચીન માને છે કે તેના વિદ્યાર્થીઓ દેશનું ભાવિ છે, તેમને એઆઈના બેઝ સાથે તૈયાર કરવા જોઈએ. ટૂંકમાં ચીને 'એઆઈ-ફર્સ્ટ'ં સ્લોગન શિક્ષણ સંસ્થાઓમાં અમલી બનાવવાનું શરૂ કર્યું છે.
ભારતમાં પાયાનું શિક્ષણ આપતી સ્કૂલો જ બંધ થઈ રહી હોય, ત્યાં હાયર એજ્યુકેશન તો લાખો લોકો માટે સપનાં સમાન બની જાય છે. એમ લાગે છે કે યુવા વર્ગ શિક્ષિત ના બને અને ઠેરનો ઠેર રહે તેવો વિચાર અમલમાં મુકાઈ રહ્યો છે. ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાના આંતરિયાળ ગામોમાં ચાલતી પાયાની સુવિધા વિહોણી સ્કૂલના ફોટાને જ્યારે હાઇલાઇટ કરાયા, ત્યારે હાઇફાઇ સ્કૂલોમાં ભણતા સુખી-સંપન્ન લોકોને વિકાસની પાછળ રહેલા અંધારાનો ખ્યાલ આવ્યો હતો.
પાયાની જરૂરિયાત સમાન શિક્ષણ પ્રત્યે તમામ કેન્દ્ર સરકારોએ દુર્લક્ષ સેવ્યું છે. દેશ આઝાદ થયો ત્યારથી સરકારોએ પોતાના રાજકીય પક્ષની વિચારધારાને સિલેબસમાં સામેલ કરી શકે તેવી શિક્ષણ સમિતિઓ રચી હતી, પરંતુ શિક્ષણ સંસ્થાઓ તેમજ આધુનિક રીતે શિક્ષણ આપવામાં નીરસતા બતાવી હતી.
સરકારી સ્કૂલોની સામે ખાનગી સ્કૂલો માત્ર પૈસાદાર વર્ગ જ ભણી શકે તે માટે ખોલાઈ હોય એમ લાગે છે. અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ સ્કૂલો ઊભી કરવાનું કામ કરે છે, પરંતુ તેમને સરકાર તરફથી જોઈતી મંજૂરી કે સવલતો મળતી નથી. જે કામ સરકારને કરવું જોઈએ તે સ્વૈચ્છિક સંસ્થાઓ કરી રહી છે. એક તરફ બેરોજગારોની સંખ્યા વધી રહી છે, બીજી તરફ સરકારી સ્કૂલો બંધ થઈ રહી છે. ચીનને ભલે આપણે દુશ્મન દેશ ગણતા હોઈએ, પરંતુ શિક્ષણ ક્ષેત્રે ૧૨,૨૦૦ કોર્સ બંધ કરીને તેણે વિશ્વના શિક્ષણ ક્ષેત્રનું ધ્યાન ખેંચ્યું છે તેમજ શિક્ષણને મહત્ત્વ આપ્યું છે.









