પાટણ: વ્યાજના 5 હજાર રૂપિયાની ઉઘરાણીમાં મહિલાને જીવતી સળગાવી, સારવાર દરમિયાન મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Patan Crime News: પાટણ શહેરના ટાંકવાડા વિસ્તારમાં વ્યાજે લીધેલા 5 હજાર રૂપિયાની ઉઘરાણીને લઈને મહિલાને જ્વલનશીલ પ્રવાહી છાંટી જીવતી સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગંભીર રીતે દાઝેલી મહિલાને સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પાટણ સીટી 'એ' ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જ્વલનશીલ પ્રવાહી મહિલા પર છાંટી સળગાવી દીધી
પાટણના ખાલકપુરા મિલવાસમાં રહેતી અને ઘરકામ કરતી પિન્કીબહેન ભરત પટણીએ એક માસ અગાઉ ઘરખર્ચ માટે બાબુ રાવળ પાસેથી 5 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. રવિવારે (12મી જુલાઈ) બપોરે બાબુએ નાણાની ઉઘરાણી માટે તેના ઘરે પહોંચ્યો હતો. આ દરમિયાન પિન્કીબહેન ટાંકવાડા વિસ્તારમાં રહેતા જીતુ પંચાલના ઘરે ગયા હતા. થોડા દિવસમાં નાણા પરત આપવાની વાત કરી હતી. જોકે પૈસાની સગવડ હાલ ના હોવાનું સાંભળતા જ બાબુ રાવળ ઉશ્કેરાઈ ગયો હતો અને પ્લાસ્ટિકની ડોલમાં ભરેલું જવલનશીલ પ્રવાહી મહિલા પર છાંટી દીધું હતું. બાદ દિવાસળી સળગાવી તેમના પર ફેંકતા મહિલા કપડાં સહિત આખા શરીરે સળગી ઉઠી હતી.
મહિલાની બૂમાબૂમ સાંભળી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. તેને 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં પાટણ સીટી 'એ' ડિવિઝન પોલીસ ધારપુર હોસ્પિટલ પહોંચી મહિલાનું નિવેદન નોંધ્યું હતું. પોલીસે બાબુ રાવળ સામે નાણાની ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
સારવારમાં મહિલાનું મોત નીપજતા આરોપી સામે કલમનો ઉમેરો કરાયો
ભોગ બનનાર મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજતાં પોલીસે આરોપી બાબુ રાવળ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ 302 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.
મહિલાનું મોત થતા બે સંતાનો પરથી માતાની છત્રછાયા છીનવાઈ
ભોગ બનનાર મૃતક મહિલા પિન્કીબહેન પટણીના પતિનું છ વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું. બે સંતાનો છે ત્યારે સંતાનોને પિતા બાદ હવે માતાનું પણ અવસાન થતાં બંને સંતાનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.









