પાટણના રાધનપુર નજીક ટ્રકે કારને ફંગોળી, મંદિરેથી આવતા બે શ્રદ્ધાળુના મોત, 4 ઇજાગ્રસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Patan Accident: પાટણ જિલ્લાના રાધનપુર-સમી રોડ પર આવેલા ગોચનાદ ગામ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સોની પરિવારની કાર અને સામેથી આવી રહેલી ટ્રક વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં એક જ પરિવારના 2 સભ્યોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
દર્શન કરીને દીકરીના ઘરે જતાં કાળનો પંજો ત્રાટક્યો
મળતી માહિતી અનુસાર, રાજસ્થાન ખાતે સ્થાયી થયેલો સોની પરિવાર ગુજરાતમાં પ્રવાસે આવ્યો હતો. પરિવારજનો દ્વારકાધીશના દર્શન કરીને પોતાની કાર મારફતે ભાભર ખાતે રહેતી પોતાની દીકરીને મળવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન રાધનપુર-સમી હાઈવે પર ગોચનાદ ગામ નજીક તેમની કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.
આ દુર્ઘટનામાં કારમાં સવાર સોની પરિવારના 70 વર્ષીય જમનાબહેન મોંગીલાલ અને 43 વર્ષીય રણજિત મોંગીલાલએ ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે 40 વર્ષિય આરોહીબહેન રણજિત, 9 વર્ષીય અમિત રણજિત, 6 વર્ષીય શ્રવણ રણજિત અને 23 વર્ષીય યસકુમાર શામળને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યારે બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સમીની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.




