Patan

ઉત્તર ગુજરાતમાં આભ ફાટ્યું, સાંતલપુરમાં 13 ઇંચથી વધુ તો બનાસકાંઠા અને વાવ-થરાદમાં 8 ઇંચ વરસાદ

By GS Team
24 Jul 20262 mins read
TukuTouch Logo
રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે ઉત્તર ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. પાટણના સાંતલપુરમાં 334 મિમિ (13.15 ઇંચ) અને રાધનપુરમાં 238 મિમિ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના દિયોદરમાં 213 મિમિ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે કચ્છ અને ઉત્તર ગુજરાત માટે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે, જ્યારે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં 'ઓરેન્જ એલર્ટ' અપાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉત્તર ગુજરાતમાં આભ ફાટ્યું, સાંતલપુરમાં 13 ઇંચથી વધુ તો બનાસકાંઠા અને વાવ-થરાદમાં 8 ઇંચ વરસાદ
AI તસવીર

Gujarat Rain News: રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે ઉત્તર ગુજરાત અને પશ્ચિમ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા અનુસાર આજે સવારે 06:00 થી સાંજે 08:00 વાગ્યા સુધીમાં રાજ્યના 260થી વધુ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે.

ઉત્તર ગુજરાત અને પાટણ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સૌથી વધુ 334 મિમિ (13.15 ઈંચ) વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે. જ્યારે રાધનપુરમાં પણ 238 મિમિ (9.37 ઈંચ) ભારે વરસાદ નોંધાયો છે.

બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં 8 ઇંચ સુધીનો ભારે વરસાદ

બનાસકાંઠા તેમજ નવરચિત વાવ-થરાદ વિસ્તારના વિવિધ તાલુકાઓમાં પણ મુસળધાર વરસાદ પડ્યો છે:

  • દિયોદર: 213 મિમિ (8.39 ઈંચ)
  • ભાભર : 200 મિમિ (7.87 ઈંચ)
  • દાંતીવાડા : 180 મિમિ (7.09 ઈંચ)
  • ડીસા: 127 મિમિ (5.00 ઈંચ)
  • ઓગડ : 120 મિમિ (4.72 ઈંચ)
  • હડાદ: 113 મિમિ (4.45 ઈંચ)
  • સુઇગામ : 101 મિમિ (3.98 ઈંચ)
  • થરાદ : 69 મિમિ (2.72 ઈંચ)
  • ધનેરા: 64 મિમિ (2.52 ઈંચ)
  • કાંકરેજ: 62 મિમિ (2.44 ઈંચ)
  • વાવ: 42 મિમિ (1.65 ઈંચ)
  • રાજ્યના અન્ય વિસ્તારોના મુખ્ય આંકડા
  • ખેડા (મેહમદાવાદ): 172 મિમિ (6.77 ઈંચ)
  • મોરબી (વાંકાનેર): 166 મિમિ (6.54 ઈંચ)
  • મહેસાણા (ખેરાલુ): 116 મિમિ (4.57 ઈંચ)
  • ગાંધીનગર (દહેગામ): 107 મિમિ (4.21 ઈંચ)
  • કચ્છ (રાપર): 104 મિમિ (4.09 ઈંચ)

હવામાન વિભાગનો નવો નકશો: ઉત્તર ગુજરાત અને કચ્છમાં 'રેડ એલર્ટ'

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ઉપગ્રહ અને ચેતવણી નકશા (Weather Alert Map) મુજબ:

રેડ એલર્ટ (અત્યંત ભારે વરસાદની ચેતવણી)

કચ્છ, પાટણ, બનાસકાંઠા, વાવ-થરાદ, મહેસાણા, સાબરકાંઠા તેમજ સુરેન્દ્રનગર અને મોરબી સહિતના સમગ્ર ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ ગુજરાતના ભાગોને લાલ રંગ (Red Zone) દર્શાવવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં આગામી સમયમાં અત્યંત ભારેથી અતિભારે વરસાદ અને પૂરની શક્યતાઓને ધ્યાને રાખી એલર્ટ આપવામાં આવ્યું છે.

ઓરેન્જ એલર્ટ (ભારેથી અતિભારે વરસાદ)

મધ્ય ગુજરાત (અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ) તેમજ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કેસરી રંગ (Orange Zone) દર્શાવાયો છે, જ્યાં ભારે વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની શક્યતા છે.

યલો એલર્ટ (મધ્યમથી ભારે વરસાદ)

દક્ષિણ-પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક ભાગોમાં પીળો રંગ (Yellow Zone) દર્શાવવામાં આવ્યો છે, જ્યાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.