રાધનપુર-વારાહી નેશનલ હાઈવે પર ટ્રક પાછળ કાર ઘૂસી જતાં 3 ના મોત, 4 ઈજાગ્રસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Patan Road Accident: રાધનપુર-વારાહી નેશનલ હાઈવે નંબર-27 પર ગત મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ખાટુ શ્યામના દર્શન કરીને પરત ફરી રહેલા અંજારના પરિવારની ઈકો કાર રસ્તા પર ઊભેલી ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી જતાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક કિશોર સહિત 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે ધારપુર મેડિકલ કોલેજ, પાટણ ખસેડવામાં આવ્યા છે.
ઈકો કારનો કચ્ચરઘાણ વળી ગયો
મળતી માહિતી મુજબ, કચ્છના અંજારનો પરિવાર ખાટુ શ્યામ મંદિરથી દર્શન કરીને ઈકો કારમાં પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન રાધનપુર-વારાહી હાઈવે પર રોડના કિનારે ઊભેલી ટ્રક પાછળ ઈકો કાર ઘૂસી જતાં ઈકો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ત્રણ લોકોના સ્થળ પર જ પ્રાણપંખેરૂ ઊડી ગયા હતા.
અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો
•સુનિલ લક્ષ્મણભાઈ ચાવડા
•મહેશ અંબુભાઈ મહેતા
•શક્તિસિંહ બહાદુરસિંહ જાડેજા
ઈજાગ્રસ્તના નામ
•ગોપાલસિંહ ગોહિલ (ઉંમર 27 વર્ષ)
•મુકેશ કોળી (ઉંમર 22 વર્ષ)
•કિશોરસિંહ જાડેજા (ઉંમર 37 વર્ષ)
•સત્યરાજસિંહ શક્તિસિંહ જાડેજા (ઉંમર 14 વર્ષ)
ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને સૌપ્રથમ રાધનપુરની સરકારી રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ચારેય ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ધારપુર મેડિકલ કોલેજ (પાટણ) ખસેડાયા છે.
અકસ્માતની જાણ થતાં જ રાધનપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અકસ્માતગ્રસ્ત ટ્રક વિરમગામથી સાંતલપુર સસ્તા અનાજની દુકાનનો માલ-સામાન ખાલી કરવા જઈ રહી હતી. પોલીસે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.




